‘બરસાત’ માં રાજજીને મળ્યા શૈલેન્દ્ર

રાજ કપૂરે પોતાની ફિલ્મોમાં અનેક ક્લાકારોને પ્રથમ વખત તક આપીને કારકિર્દી બનાવી દીધી હતી એવા કિસ્સાઓ સાથે એક એવી પણ વાત છે જેમાં તેમણે ગીતકાર શૈલેન્દ્રને કોઇ અપેક્ષા વગર આર્થિક મદદ કરી હતી. રાજ કપૂરે એક કવિ સંમેલનમાં શૈલેન્દ્રનું ‘જલતા હૈ પંજાબ’ ગીત સાંભળીને પોતાની ફિલ્મ ‘આગ’ માટે ગીત લખવા કહ્યું હતું. પરંતુ શૈલેન્દ્રએ ‘કવિતાનો વેપાર કરતો નથી’ એમ કહી ઇન્કાર કરી દીધો હતો. થોડા સમય પછી સરળ સ્વભાવના શૈલેન્દ્ર રાજ કપૂરની ઓફિસ પર ગયા અને એવી રીતે ઓળખ આપી કે મને ઓળખો છો કે નહીં? મેં તમને ગીતો લખવાની ના પાડી હતી. ત્યારે રાજજીને ગીતો લખવાની ના પાડનાર શૈલેન્દ્ર ઓળખાઇ ગયા. શૈલેન્દ્રએ કહ્યું કે પત્ની મા બનવાની છે અને એની તબિયત સારી ન હોવાથી પાંચસો રૂપિયાની જરૂર છે. રાજજીએ આપવાની હા પાડી ત્યારે ત્યાં એમના મામા વિશ્વા મહેરા હાજર હતા.

તેમણે નવાઇથી રાજજીને કહ્યું કે એ પાંચસો રૂપિયા માગી રહ્યો છે અને તું તરત આપવાની હા પાડી રહ્યો છે. કેમકે શૈલેન્દ્ર સાદગીપૂર્ણ જીવન જીવતા હતા અને તેમના વસ્ત્રો સામાન્ય હતા. મામાને શંકા હતી કે તે રૂપિયા પાછા આપી શકશે નહીં. ત્યારે રાજજીએ કહ્યું કે તે પ્રોડક્શન કંપનીમાંથી નહીં પોતાના અંગત રૂપિયામાંથી આપી રહ્યા છે. ત્યારે નેકદિલ શૈલેન્દ્રએ કહ્યું કે હું રેલ્વેમાં નાનકડી નોકરી કરું છું. તમને ત્રણ માસમાં ઉધાર લીધેલા રૂપિયા ચૂકવી દઇશ. એ સમય પર શૈલેન્દ્રનો મહિને પચાસ રૂપિયા પગાર હતો. રાજજીએ મામાની વાતને અવગણીને શૈલેન્દ્રને રૂપિયા આપી દીધા. અને સાથે કહ્યું પણ ખરું કે હું રૂપિયા ધીરનાર નથી. હું કોઇને વ્યાજે લોન પણ આપતો નથી. તારી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આપું છું અને પાછા લેવાનો નથી. શૈલેન્દ્ર ખુદ્દાર હતા. તે કોઇના અહેસાનના બોજ હેઠળ રહેવા માગતા ન હતા.

શૈલેન્દ્રએ કહ્યું કે જો તમે પાછા લેવાના નથી તો હું આ ઋણ કેવી રીતે ચૂકવી શકું? ત્યારે રાજજીએ એક રસ્તો બતાવ્યો અને કહ્યું કે હું ‘બરસાત’ નામની ફિલ્મ બનાવી રહ્યો છું. એના બે ગીત બાકી છે. તું એ ગીત લખી આપ. આ રીતે મને બે ગીત મળી જશે અને તારું ઉધાર ચૂકવાઇ જશે. શૈલેન્દ્રને એ વાત ગમી ગઇ. તેમણે ‘બરસાત’ માટે બે ગીત ‘બરસાત મેં હમસે મિલે તુમ સજન’ અને ‘પતલી કમર હૈ’ લખી આપ્યા. લેખિકા અનિતા પાધ્યેના મરાઠી પુસ્તક ‘ટેન ક્લાસિક્સ’ માં આ કિસ્સાનો ઉલ્લેખ થયો છે. ‘બરસાત’ નું ‘બરસાત મેં હમસે મિલે તુમ સજન’ તો ભારતીય સિનેમાનું પહેલું ટાઇટલ ગીત ગણાય છે.

શૈલેન્દ્રએ ગીતો લખી આપ્યા પણ સમસ્યા એ થઇ કે ‘બરસાત’ માં સંગીતકાર શંકર-જયકિશન હતા. અને શૈલેન્દ્રનું અસલ નામ શંકરદાસ કેસરીલાલ હતું. ગીતકાર અને સંગીતકારના નામ સરખા હોવાથી લોકોને ગૂંચવાડો ઊભો થાય એમ હતો. એટલે શૈલેન્દ્ર નામ કાયમ માટે અપનાવી લીધું. ‘બરસાત’ (૧૯૪૯) થી શરૂ થયેલી ગીતકાર શૈલેન્દ્ર અને રાજ કપૂરની જુગલબંદી આવારા, આહ, શ્રી ૪૨૦, સંગમ, તીસરી કસમ વગેરે ફિલ્મો સાથે વર્ષો સુધી રહી. પરંતુ જો રાજ કપૂરે શૈલેન્દ્રને મોટી રકમની આર્થિક મદદ કરવાની ના પાડી દીધી હોત તો શૈલેન્દ્રનું ભવિષ્ય કેવું હોત એ કોઇ કહી શકે એમ નથી.

– રાકેશ ઠક્કર (વાપી)