ન્યૂયોર્કઃ દુનિયાના શ્રીમંત નં-1 જેફ બેઝોસ પોતાના અવકાશયાનમાં બેસીને આજે અવકાશની યાત્રા કરી આવ્યા છે. એમેઝોન કંપનીના સ્થાપક બેઝોસે સ્થાપેલી સ્પેસ કંપની બ્લૂ ઓરિજિને બનાવેલા પાઈલટવિહોણા અને ઓટોમેટેડ રોકેટ-પ્લેન ‘ન્યૂ શેફર્ડ’એ આજે 57-વર્ષીય બેઝોસ ઉપરાંત અન્ય ત્રણ જણને અવકાશયાત્રા કરાવી હતી. જેફ બેઝોસ અને એમના નાના ભાઈ માર્ક ઉપરાંત આમાં સૌથી મોટી ઉંમરનાં અવકાશયાત્રી હતાં વેલી ફન્ક (અમેરિકાનાં ભૂતપૂર્વ પાઈલટ) – 82 વર્ષનાં અને સૌથી યુવાન વયના હતા નેધરલેન્ડ્સનિવાસી ઓલિવર ડાઈમેન – 18 વર્ષ (ફિઝિક્સ વિદ્યાર્થી). ન્યૂ શેફર્ડની આ પહેલી જ સમાનવ અવકાશસફર હતી. પાંચ-માળ જેટલા ઊંચા ન્યૂ શેફર્ડ રોકેટની સાથે ચાર અવકાશયાત્રી સાથેનું કેપ્સ્યૂલ જોડવામાં આવ્યું હતું. અવકાશમાં બે મિનિટ બાદ કેપ્સ્યૂલને અલગ કરી દઈને બૂસ્ટર ધરતી પર પાછું આવ્યું હતું. ત્યારબાદ કેપ્સ્યૂલ અવકાશમાં કાર્મેન લાઈન તરફ આગળ વધ્યું હતું. કાર્મેન લાઈન પૃથ્વીની સપાટીથી 100 કિ.મી. ઉંચે છે અને તે અવકાશની માન્યતાપ્રાપ્ત સરહદ ગણાય છે. કેપ્સ્યૂલે 11 મિનિટ બાદ ત્રણ પેરાશૂટની મદદથી ધરતી પર ઉતરાણ કર્યું હતું.
રોકેટે ટેક્સાસ રાજ્યના રણવિસ્તારના એક સ્થળેથી ભારતીય સમય મુજબ સાંજે 6.30 વાગ્યે ધડાકા અને આગની જ્વાળાઓ પાછળ છોડીને અવકાશ ભણી પ્રયાણ કર્યું હતું. સમગ્ર યાત્રા લગભગ 11 મિનિટની હતી. રોકેટ 3,700 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે અવકાશયાત્રીઓને પૃથ્વીની સપાટીથી સાડા ત્રણ લાખથી પણ વધારે ફૂટની ઊંચાઈએ લઈ ગયું હતું. ધરતી પર પાછા ફર્યા બાદ બેઝોસે કહ્યું કે, ‘અવકાશયાત્રી બેઝોસનો આ સૌથી ઉમદા દિવસ રહ્યો.’ અવકાશ પર્યટન બિઝનેસને ઉત્તેજન આપવા માટે બેઝોસે આ અવકાશયાત્રા કરી હતી.