રામ જન્મભૂમિ પૂજન માટે અયોધ્યા તૈયારઃ કડક સુરક્ષા વ્યવસ્થા
નવી દિલ્હીઃ અયોધ્યામાં પાંચ ઓગસ્ટે રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલુ છે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થશે, જેથી અયોધ્યાને કિલ્લામાં ફેરવવામાં આવ્યો છે. આ કાર્યક્રમ માટે સૌથી પહેલાં નિમંત્રણ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે પક્ષકાર રહેલા ઇકબાલ અન્સારીને મોકલવામાં આવ્યું છે. કોરોના વાઇરસના જોખમને ધ્યાનમાં રાખતાં મુખ્ય પ્રધાન યોગીએ અપીલ કરી છે કે જે લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે, માત્ર એ લોકો જ કાર્યક્રમ સ્થળે પહોંચે.
ભૂમિ પૂજન કાર્યક્રમ
અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમની તૈયારી ચાલુ છે ત્યારે અયોધ્યામાં બહુ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
ભૂમિ પૂજનના કાર્યક્રમની તૈયારીઓ
આજે સાંજે અયોધ્યાની સરહદ સીલ કરવામાં આવશે.
અયોધ્યા સંપૂર્ણ રીતે સજ્જ છે એક નવી તૈયારી માટે. કોરોના સંકટ કાળમાં બહગુ સાવધાની સાથે આ ભૂમિ પૂજન કરવામાં આવી રહ્યું છે. રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા મહેમાનોને આમંત્રણ આપી દેવામાં આવ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે આશરે 11 કલાકે પહોંચશે. ત્યાર બાદ વડા પ્રધાન હનુમાનગઢી મંદિરના દર્શન કરશે. એ પછી પૂજા સ્થળે જશે, જ્યાં રામલલા વિરાજમાન છે. વડા પ્રધાન બેથી ત્રણ કલાક સુધી અયોધ્યામાં રોકાશે.
વડા પ્રધાન સિવાય RSS મોહન ભાગવત, અશોક સિંઘલનો પરિવાર, સંત-મહંત સહિત અનેક મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ટ્રસ્ટના કહેવા અનુસાર રામ જન્મભૂમિ મંદિર નિર્માણના શુભારંભ કાર્યક્રમમાં માત્ર 175 લોકોને જ આમંત્રિત કરવામાં આવ્યા છે. દેશની કુલ 36 આધ્યાત્મિક પરંપરાઓના 135 સંતોને બોલાવવામાં આવ્યા છે. એની સાથે અયોધ્યાના કેટલાક સન્માનનીય નાગરિકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
કોરોનાને કારણે 90 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને નથી બોલાવવામાં આવ્યા. જેથી લાલકૃષ્ણ અડવાણી અને પૂજ્ય શંકરાચાર્ય અને અન્ય કેટલાક સંતો ઉપસ્થિત નહીં રહી શકે.
કલ્યાણ સિંહ, ઉમા ભારતી સહિત નેતાઓ છે, જે હાલના દિવસોમાં કોરોનાથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા છે. આવામાં કલ્યાણ સિંહ અયોધ્યા નહીં જાય. જ્યારે ઉમા ભારતી સરયૂ નદી પર રહેશે.
અયોધ્યામાં દિવાળી જેવો માહોલ છે. લોકોને ઘરોમાં દીવો પ્રગટાવવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય વહીવટી તંત્રએ અયોધ્યાનું રંગરોગાન કર્યું છે. રામાયણનાં ચિત્ર બનાવવામાં આવ્યાં છે.