કોઈ એક અંક જન્મથી તમારા પર પ્રભાવી છે, આ અંક તમારી કુદરતી શક્તિઓ અને ક્ષમતાને રજૂ કરે છે. જો આ અંકને વધુ બારીકાઈથી ચકાસવામાં આવે તો આ અંક તમારા જીવનના લક્ષ્યાંક અને કર્મ પર પ્રકાશ પાડી શકે છે. જગતમાં નવ અંકોનું પ્રભુત્વ છે, બધું જ આ અંકોથી જ સર્જન પામ્યું છે તેમ કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં કહેવાય. સ્ટીફન હોકિંગ કહે છે કે, કદાચ ઈશ્વરે જ સ્વયં આ નવ અંકોનું સર્જન કર્યું છે! આજે આપણે તમારા જન્મથી પ્રભાવી અંક અથવા જન્માંકને આધારે, અંકો દ્વારા જીવન પર પ્રકાશ પાડીશું.
દાખલા તરીકે જો તમે ૧૧ માર્ચ ૧૯૭૮ના રોજ જન્મ્યા હોવ તો, તમારો જન્માંક ૩ થશે. નીચે તેની સાદી ગણતરી આપેલ છે:
૧+૧ (તારીખ)+૦+૩ (મહિનો)+૧+૯+૭+૮ (વર્ષ)= ૩૦ = ૩+૦= ૩.
જો કોઈની જન્મતારીખનો સરવાળો ૪૫ આવે તો ૪+૫ = ૯ મૂળાંક ગણાશે. આમ જન્માંક તરીકે ૧ થી ૯ માં કોઈ એક જ અંક આવશે.
ઉપર મુજબ ગણતરી કરતા જે જન્માંક આવશે તેનું ફળ નીચે મુજબ રહેશે:
જન્માંક ૧: જન્માંક ૧ એ બધી તકલીફો સાથે પોતાનો સંબંધ છોડીને સર્જન પામે છે. તેનામાં અનન્ય શક્તિ અને નવી ઊર્જા હોય છે. હકારાત્મક અભિગમ અને પૌરુષ તેનામાં હોય છે. શક્તિ, નિર્ણયો અને સ્વાસ્થ્ય ભરપુર હોય છે. તેઓને અનુશાસન પસંદ છે પરંતુ કોઈની નીચે રહેવું પસંદ નથી. તમે કોઈ પણ કાર્યને બિલકુલ નવી રીતે રજૂ કરી શકો છો, તમે સર્જનાત્મક છો.
જન્માંક ૨: જન્માંક ૨ તમને ઊંડા વિચારો, ગંભીરતા અને ભાવનાશીલ સ્વભાવ આપે છે. તમે ખૂબ પ્રેમાળ હશો, પરંતુ તમે ગણતરીના કાચા પણ હોઈ શકો છો. તમે અન્ય લોકો માટે સહારો બનો છો, બીજા માટે બધું કુરબાન કરી શકો છો. જીવનમાં જેમ આગળ જાઓ છો, તેમ તેમ લોકો તમને વધુને વધુ ચાહે છે.
જન્માંક ૩: બુદ્ધિશાળી અને સ્વાભિમાની અંક ૩ને લીધે તમે જીવનમાં સરળતાથી સફળતા પામો છો. તેઓને પ્રેમાળ પાત્ર મળે છે, તેઓનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે. તેઓ બાહ્ય-જીવન જીવવાનું પસંદ કરે છે. તમારું હુનર સરળતાથી લોકો ઓળખી લેશે, પણ તમારે પોતાની આવડતને વધુ કેળવવાની જરૂર જણાશે.
જન્માંક ૪: જન્માંક ૪ તમને ખૂબ મહેનત કરવાની પ્રેરણા આપે છે. તમે એક ઉત્તમ મિત્ર બનો છો. તમે તમારા કુટુંબ અને કાર્યનો આધારસ્તંભ બનશો. તમારી અથાગ મહેનત તમને સફળતા આપે છે, પરંતુ તમારો આત્મવિશ્વાસ ખૂબ જ ઓછો રહે તેવું બની શકે. તમે ઉત્તમ સર્જક બની શકો, ચાહે ઈમારત હોય કે ચિત્ર.
જન્માંક ૫: જન્માંક ૫ તમને અનિશ્ચિત અને હરદમ નવું જીવન આપે છે. તમારા જીવનમાં કોઈ કાર્ય નિશ્ચિત રીતે ના થાય તેવું બની શકે, સતત બદલાવના લીધે તમે સાહસિક બનો છો. ઘણીવાર ડર અને નિરુત્સાહી પણ બનો છો. તમને બીજા બધા અંકોથી વધારે તકો મળી શકે, તમે હરેક તકને જો ઝડપો તો તમે જીવનમાં સૌથી ઉપર રહેશો.
જન્માંક ૬: તમે ખૂબ પ્રેમાળ હોઈ શકો છો, તમે સંવેદના અને શ્રદ્ધાને મહત્વ આપો છો. તમે જીવનમાં કળા અને સંગીત જેવા વિષયોમાં એકવાર ઉંચાઈ હાંસલ કરો છો. તમે જો થોડું ગણિત પણ ઉમેરો તો તમારી સફળતામાં ચારચાંદ લાગી જાય. પ્રેમ કે માત્ર જીદને લીધે ક્યારેક મોટું નુકસાન પણ થાય છે, તેનાથી તમારે બચવું પડશે.
જન્માંક ૭: સાતનો અંક જાદુઈ અંક છે, આ અંક તમને દુનિયાની અદભૂત સફર કરાવે છે. તમે જે વિચારી શકો છો અને જે કરી શકો છો તે સરળ નથી હોતું. અન્ય લોકો તમારા જેવા નથી બની શકતા. તમે કુદરતી શક્તિઓ અને ગૂઢ વિદ્યાઓને જલદીથી સમજી શકશો. તમારી પ્રાર્થના અને ભૂતકાળ તમને જલ્દી મદદ કરશે. તમે કૃપાથી સફળ બનો છો.
જન્માંક ૮: આઠનો અંક તમને ધીરજ અને અનુભવ આપે છે. તમે જીવન દરમિયાન ખૂબ સંઘર્ષ અનુભવો છો. નાની નાની બાબતો માટે પણ તમારે લડવું પડે છે. ખૂબ મહેનત કરવી પડે છે. તમારા જીવનનો બીજો ભાગ ખૂબ સુંદર હોય છે. તમારી અનેક લોકો પ્રશંસા કરે છે. તમે અન્ય લોકો માટે પ્રેરણારૂપ બનો છો. મોડે સફળતા મળે છે.
જન્માંક ૯: જન્માંક ૯ તમને અસામાન્ય ઊર્જા અને કાર્યક્ષમતા આપે છે. તમે લોકોને દિશા આપી શકો છો. તમે જીવન દરમિયાન અનેક લોકોને મદદ કરો છો. તમે ઉત્સાહી રહો છો, ઘણીવાર તમારા કાર્યને લીધે અન્ય લોકોને પરેશાની થાય છે. પરંતુ તમારી શક્તિ અને આત્મવિશ્વાસ આગળ બધાં હારી જાય છે. તમારે જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ.