“સાહેબ, તમે મારી સાથે ફોન પર વાત ન કરશો. મારા પતિ આસપાસ હોયને તો વહેમાય છે. અમારામાં બહુ ભણેલાં છોકરા ન હોય. તેથી મારા માબાપે મને આમની સાથે વરાવી દીધી. હવે રોજ રોજ માથાકૂટ. મને એમની એક વાત નથી ગમતી. અઠવાડિયામાં બે વાર દારૂ પીવે અને ગમે તેવો વ્યવહાર કરે. મારા જેઠાણી પણ એમાં સાથ દે. રહેવાનું જુદું અને અમારા ઘરમાં ધમાલ કરાવવાની. મન થાય છે કે એક વાર સાવરણી લઈને મારું બરાબર.” પતિની સરકારી નોકરી જોઇને માબાપે પોતાની ખૂબ ભણેલી દીકરીને ત્યાં પરણાવી. કોઈ કામ માટે બોસનો ફોન આવે અને પતિ ભડકે. મહિનામાં એક વાર પતિ વ્યભિચાર કરે. તેથી તેને પોતાની પત્ની પર વિશ્વાસ નહીં.
હવે શરૂઆત માબાપના ઘરથી કરીએ. અહી વાયવ્ય પશ્ચિમનું દ્વાર અને પ્લોટમાં જવાનું દ્વાર ઉત્તરી વાયવ્યનું. બાળકોની ચિંતા રહે જ. જે જ્ઞાતિમાં દીકરાઓ પણ ઓછું ભણતાં હોય તેમાં દીકરી ભણી. હવે ચિંતા થઇ પરણાવવાની. અહીં ઇશાનથી બનતાં ત્રણેય અક્ષ નકારાત્મક હોવાના કારણે દેખીતી રીતે સારું લાગતું પાત્ર યોગ્ય ન હતું. દીકરીનો બેડરૂમ નૈરુત્યમાં હતો. તેથી તેનો સ્વભાવ પણ થોડો જીદ્દી તો ખરો જ. લગ્નના થોડા સમયમાં જમાઈની નોકરી ગઈ. દીકરી જમાઈને લઈને પિયરના ઘરે આવી ગઈ. અહી રસોડાની હકારાત્મક સ્થિતિના લીધે નારી પણ ઘરની આર્થિક વ્યવસ્થામાં સહાય કરતી. જમાઈને તો ઘીકેળાં થઇ ગયાં. જમાઈ કંઈ કામધંધો ન કરતો હોવાથી અંતે માબાપે તેમને અલગ રહેવા દબાણ કર્યું અને ઓળખાણથી ફરી નોકરી અપાવી. જમાઈની નજર પત્નીના પગાર પર જ રહેતી. પૈસા ખોટા રસ્તે જતાં.
હવે નવું પાત્ર આવે છે તે છે જમાઈની ભાભી. તેમને ઘરમાં બંને મુખ્ય અક્ષ નકારાત્મક હતાં. આવા સંજોગોમાં નારીને પોતાના જીવનથી ભારોભાર અસંતોષ હોય. એનો પતિ ઓછુ ભણેલો. વ્યવહારમાં સમજે નહીં. વ્યસની પણ ખરો અને મારપીટ પણ કરે. અહી અગ્નિ અને પશ્ચિમનો પણ દોષ હતો. આવા સંજોગોમાં દિયરે ટેકો કર્યો અને તેમના માટે કૂણી લાગણી ઉદભવી. એક માનવ સહજ સ્વભાવ છે કે જે પોતાને સમજે તેના માટે મિત્રભાવ જાગે. કોઈ પણ ઉમરના, કોઈ પણ જાતિના મિત્ર હોઈ શકે. પણ તેમાં ભૌતિકતા કે અપેક્ષા ભળે એટલે સમસ્યા શરુ થાય. અહી પણ કૈંક એવુ જ થયું. પોતાનાથી સહુથી નજીક એવા દિયરના લગ્ન એની ભાભી ન જોઈ શકી. વળી એની વહુ પણ વધારે ભણેલી, રૂપાળી અને પાછી સારું કમાતી પણ ખરી. નારીસહજ ઈર્ષાએ જોર પકડ્યું અને ઘરનું વાતાવરણ બગડવા લાગ્યું.
હવે જે ઘરમાં આ બધી સમસ્યાઓ હતી તે ઘરનો વિચાર કરીએ. કંકાસ, વ્યભિચાર, અવિશ્વાસ, ક્રોધ, ભય, વ્યસન જેવી અનેક સમસ્યાઓથી ભરપુર આ ઘરમાં એવું શું હતું કે ત્યાંની મુખ્ય સ્ત્રીને આત્મહત્યા કરવાના વિચારો આવતાં? હતાશા પારાવાર રહેતી અને તો પણ પતિદેવની ટેવો સલામત રહેતી? જયારે બ્રહ્મનો મોટો દોષ હોય ત્યારે મનને ગમતું નથી. આત્મવિશ્વાસ ઘટે અને હતાશા આવે. અગ્નિમાં પુરુષ રહેતો હોય એટલે નાનીનાની વાતમાં તેને ભૂલો શોધવાનું મન થાય. પૂર્વ પશ્ચિમના અક્ષ પર એક કરતાં વધારે દોષ હોય તો વ્યસન અને વ્યભિચારની લાગણી જન્મે. જો અગ્નિના અક્ષનો ત્રિકોણ નકારાત્મક હોય તો સ્વભાવ શંકાશીલ બને. નાના માણસોની ચઢવણીમાં આવી અને વ્યક્તિ ઘરનું વાતાવરણ બગાડે. જીભ જાણે ઝેર ઓકતી હોય તેવું લાગે. વળી પેલા બેનની ટ્રીટમેન્ટ માટેના પૈસા ન આપવા દે. એક સારા માણસે મદદ કરી તો એની ઉપર પણ આક્ષેપો કરી દવાઓ પાછી અપાવી દીધી. અહીં હવે ચોથી સ્થિતિ ઉદભવે છે. નોકરીમાં આ વ્યક્તિ જ્યાં બેસતી તે જગ્યા નકારાત્મક હતી. એ ભાઈ ઈશાનમાં નૈરુત્ય તરફ મુખ રાખીને બેસતાં હતાં.
હવે આખી પરિસ્થિતિને અલગ નજરે જોઈએ. દીકરીનો બેડરૂમ જો અગ્નિમાં હોત અને પિયરના ઘરમાં માબાપ નૈરુત્યમાં રહેતા હોત તો તેમને યોગ્ય પાત્ર શોધવા માટે સૂઝ ઉદભવી હોત. જો પૂર્વ તરફ યોગ્ય પદમાં દ્વાર હોત તો દીકરીની ચિતા થાય તેવું સાસરું ન મળ્યું હોત. આ ઘરમાં શિવપૂજા પણ જરૂરી હતી. જેઠાણીના ઘરમાં દાદરો ઉત્તરને બદલે પશ્ચિમના સાચા પદમાં હોત અને દેવસ્થાન ઈશાનમાં હોત તો તેના પતિનો આત્મવિશ્વાસ વધારે હોત. પૂર્વ પશ્ચિમનો અક્ષ હકારાત્મક હોત તો વ્યસનની સમસ્યા ન હોય. અગ્નિની હકારાત્મકતા તેમને સાચો વ્યવહાર સમજાવી શકી હોત. દિયરનું સ્થાન સચવાયેલું હોત તો નવા ઘરે જવું જ ન પડ્યું હોત. જીવન સુખમય હોત. ભારતીય વાસ્તુના નિયમો ઘરમાં હકારાત્મક વાતાવરણ લાવવા સક્ષમ છે.