કડકડતી ઠંડીમાં ઠૂંઠવાતાં લોકોને જોઇને કેટલાકને દયા આવે તો વળી કોઈક એમના નસીબને પણ જવાબદાર ગણાવે. કોઈ જે પણ વિચારે પણ શિયાળામાં થતાં રોગ તો ગરીબ કે તવંગરને જોયા વિના જ થાય. શરદી, કફ, સાયનસ, તાવ વિગેરે થાય, ચામડીને લગતી સમસ્યા પણ આવે અને એવું થાય કે આ ઋતુ ક્યાં આવી? પણ કોઈ ઋતુને આપણે રોકી થોડા શકીએ? ક્યારેક એવું પણ લાગે કે ઋતુ બદલાય ત્યારે જ તબિયત બગડે. શિયાળામાંથી ઉનાળો કે ઉનાળાથી ચોમાસું આવે અને તબિયત બગડે.આવું થાય ત્યારે વિચાર આવે કે ક્યાંક નકારાત્મક ઊર્જા તો અસર નથી કરતી ને? વાસ્તુના પરિપેક્ષમાં વિચાર કરીએ તો આ પ્રકારની સમસ્યાઓ વિવિધ જગ્યાની અસરથી આવે.
જો વાયવ્યમાં પાણીની ટાંકી આવતી હોય તો શ્વસનતંત્રને લગતી સમસ્યા આવે. શ્વસનને લગતી બીમારીઓ પણ ઘણી બધી છે. જયારે બરાબર ઇશાનમાં પાણી આવે ત્યારે સાયનસની સમસ્યા આવી શકે. જો ઉત્તરનો અક્ષ નકારાત્મક હોય તો આ સમસ્યાનું પ્રમાણ વધારે રહે. ૨૦૦૮માં મારા ટેલીવિઝન કાર્યક્રમથી પ્રભાવિત થઇને એક યુગલ મારી પાસે આવ્યું હતું. અને પ્રભાવિત થવા પાછળનું કારણ એ હતું કે તેમને ત્યાં ઇશાનમાં પાણીની ટાંકી હતી અને સાયનસની સમસ્યા પણ હતી. જયારે ઉત્તર અને દક્ષિણ બંને અક્ષ નકારાત્મક હોય ત્યારે દર્દને સહન કરવાની શક્તિ પણ ઓછી થઇ જાય. એમાં પણ અગ્નિનો મોટો દોષ હોય તો વ્યક્તિને દરેક સમસ્યાને બિલોરી કાચ લઈને જોવાની ટેવ પડી જાય અને દરેક વાતના તેની પાસે વિવિધ કારણો પણ હોય.વ્યક્તિનો આત્મવિશ્વાસ ઓછો હોય પણ તે દેખાડે નહીં અને કારણો બતાવ્યા કરે. જો પૂર્વ અને પશ્ચિમના અક્ષ નકારાત્મક હોય તો શરદી થાય અને નાક માંથી પાણી પણ પડે. તેમાં પણ અગ્નિનો મોટો દોષ હોય તો ગળામાં બળતરા થાય , લાલાસ રહે અને ચીડચીડિયાપણું આવે. કોઈ સારી વાત પણ કરવા આવે તો ગુસ્સો આવે. જેનાથી શારીરિક તકલીફ તો થાય જ પણ માનસિક તકલીફ પણ લાગે.
દક્ષિણ ગુજરાતમાં એક પરિવારે બરાબર ઇશાનમાં હોજ બનાવ્યો અને ઘરમાં બીમારી આવી. ઘણી બધી તકલીફ પડ્યાં પછી વિચાર આવ્યો કે આ સમસ્યા વાસ્તુ આધારિતતો નહીં હોય ને? અલગ અલગ વિચારધારાનો સામનો કર્યા બાદ પણ મૂળ સમસ્યા ન સમજાઈ. આવું જ સૌરાષ્ટ્રના એક પરિવારમાં હતું. તેમને ઇશાનમાં પાણીની ટાંકી તો હતી જ પણ સાથે સાથે વાયવ્યમાં ટોઇલેટ પણ હતું. જયારે ઘર બનતું હોય ત્યારે ટોઇલેટ ક્યાં મૂકવું તે એક સળગતો પ્રશ્ન હોય છે. આવા વખતે વાસ્તુનું ગણિત ખૂબ જ મદદરૂપ થાય છે. એક જગ્યાએ એલર્જીક અસ્થમાની સમસ્યા હતી.પ્રથમ નજરે બધું જ બરાબર લાગતું હતું પણ ત્યાં વનસ્પતિ નકારાત્મક હતી. જેમ માણસોની જગ્યા નિશ્ચિત હોય છે તેવું વનસ્પતિ માટે પણ લાગુ પડે છે. ભારતીય વાસ્તુ માત્ર જમીન કે મકાન સુધી સીમિત નથી. તેના નિયમો જીવનની ઘણી બધી બાબતોને આવરી લે છે. ક્યારેક એવું પણ બને કે અધૂરું કે અચોક્કસ જ્ઞાન પણ વાસ્તુની સાચી સમજ માટે બાધારૂપ બને.
જયારે બ્રહ્મમાંથી પસાર થતા બે ત્રાંસા અક્ષ નકારાત્મક હોય અને ઉત્તરનો મોટો દોષ હોય ત્યારે ફેફસાને લગતી તકલીફ આવી શકે છે. શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સીજન ન પહોચવાને કારણે હાંફ ચડે કે પછી શ્વાસ લેવામાં તકલીફ પડે તેવું બની શકે. ઉત્તર રાજસ્થાનમાં એક જગ્યાએ ઉત્તરમાં ઓવરહેડ ટાંકી હતી, વાયવ્યથી અગ્નિની વચ્ચે ટોઇલેટની વ્યવસ્થા હતી અને વાયવ્યમાં અન્ડરગ્રાઉન્ડ ટાંકી હતી. અન્ય અક્ષ પણ નકારાત્મક હતો અને ઘરમાં નારીને શ્વાસની સમસ્યા હતી. જરાક વાતાવરણ બદલાય અને હાંફ ચડે. ક્યાય પણ બહાર જવાનું થાય એટલે ઘરમાં ચિંતાનું વાતાવરણ ઉદ્ભવે. પંપ સાથે જ રાખવો પડે. સતત ચિંતાના કારણે શરીરમાં અન્ય તકલીફો પણ આવવા લાગી. ઘરના સદસ્યો પણ ચિંતિત થવા લાગ્યાં. આ પ્રકારની સમસ્યાઓ ઘણાં લોકોને હોઈ શકે. પણ તેનાથી જરા પણ ગભરાવાની જરૂર નથી. ભારતીય નિયમો માનવ જાતિને મદદ કરવા માટે જ રચાયા છે. ડરાવવા માટે નહીં જ. વધારે પડતા ડરને પણ સમસ્યા તરીકે ગણી શકાય. જો વાસ્તુ નિયમોને મિત્રભાવે જોવામાં આવે તો તેના માટેની સમજણ સરળ બને છે. સમસ્યા કોઈ પણ હોય પણ તેનું કોઈક તો નિરાકરણ હોય જ છે.
કેટલાક લોકોને તીવ્ર વાસની એલર્જી હોય છે. જેને આપણે શ્વસન તંત્રની બીમારી કહી શકીએ. જરાક પણ સુવાસ કે વાસ આવે અને છીંકો શરુ થઇ જાય. પછી તે સવારના છાપાની વાસ પણ હોઈ શકે. સવાર સવારમાં છીંકો ખાવાનું કોને ગમે? અને આવું થવાથી સ્વભાવ પણ બદલાઈ શકે. જયારે શ્વસન તંત્રને લગતી સમસ્યા હોય ત્યારે મેં મારા રીસર્ચમાં જોયું છે કે અમુક દ્રવ્યથી શિવલિંગ પર અભિષેક કરવાથી તેમાં રાહત મળે છે. જેના માટે જે તે ઘરમાં કઈ સમસ્યાઓ છે તેનો અભ્યાસ જરૂરી છે.