પરીક્ષાનું પરિણામ આવે એટલે જાતજાતના સમાચારો મળે.‘૫૦૦માંથી ૪૯૯ આવ્યા તો પણ રીચેકિંગ કરાવ્યું.” “ધાર્યા કરતા વધારે માર્ક આવ્યા. ‘ખબર નહીં હો આ વખતેજ આવું થયું બાકી તો પરિણામ સારું જ આવે છે.’ ‘કઈ જ વાંચતો ન હતો પણ નસીબ સારું નીકળ્યું.’ માતા પિતાએ ઠપકો આપતા જીવન ટૂંકાવ્યું.” “ખરાબ પરિણામની બીકે ઘર છોડી દીધું.” એક જ ઘટના અને તેના અનેક પ્રત્યાઘાતો. આમાં જીવન પ્રત્યેનો અભિગમ પણ દેખાય છે. શું સારા માર્ક આવે તો જ સફળ થવાય? માત્ર ત્રણ કલાકમાં જ્ઞાનની ચકાસણી થઇ શકે ખરી? પણ જે ચાલે છે તેને સમજીને પોતાનો વ્યવહાર ગોઠવવો તે જરૂરી છે. જે બદલી નથી શકાતું તેને યોગ્ય રીતે સ્વીકારી ન શકાય? જયારે ઈશાનમાં ઊંચા વૃક્ષો હોય ત્યારે ઉત્કંઠાનું પ્રમાણ ખૂબજ વધારે હોય છે. આવી વ્યક્તિઓ ક્યારેક બધું જ આવડતું હોવા છતા પેપર સામે આવે તો ભૂલી જતાં હોય તેવું બને.
જો ઇશાન અને બ્રહ્મનો દોષ હોય તો વ્યક્તિનો આત્મવિશ્વાસ ઓછો હોવાથી તે છેલ્લી ઘડી સુધી તૈયારી કર્યા કરે છે. જેના કારણે તેના મગજને પરીક્ષા પહેલા જે આરામ જોઈએ છે તે મળતો નથી અને વધારે પડતાઆવેશના કારણે પરિણામ સારું ન આવે તેવું બની શકે. જો બ્રહ્મનો અને ઈશાનનો ત્રિકોણ નકારત્મક હોય તો કોઈ પણ પરિણામ સહજ રીતે લેવાની વૃત્તિ ઓછી થઇ જાય છે. જેના લીધે યા તો વ્યક્તિ એકલવાયું થવાનું પસંદ કરે છે યાતો જીવનની સમાપ્તિ. તેને સતત એવો ભય ઉદ્ભવે છે કે પોતે જે કર્યું છે તે સમાજને માન્ય નથી. તેથી તે લોકોની સામે આવતા ગભરાય છે. શરમની પરાકાષ્ઠા તેને આવું કરવા પ્રેરે છે. શું એક પરીક્ષાનું પરિણામ પોતાના લોકોની લાગણી અને જીવન થી વધારે મહત્વનું હોઈ શકે? જીવનનો અંત લાવવાથી પરિણામ સુધારી જાય ખરું? આવા સમયે સ્થિતપ્રજ્ઞ રહેવું ખુબજ જરૂરી છે. ઈશાનનો હકારાત્મક ત્રિકોણ આ પ્રકારની ઉર્જા આપવા સક્ષમ છે.
ભાગેડુ વૃત્તિ માટે પણ ઈશાનના ત્રિકોણ સાથે વાયવ્યની વધારે નકારાત્મકતા જવાબદાર છે. આવા સંજોગોમાં પરિણામ આવ્યા બાદ વ્યક્તિ વિવિધ કારણોથી સાબિત કરવા પ્રયત્ન કરે છે કે માત્ર સંજોગો ખરાબ હતા બાકીતો આવું પરિણામ ન જ આવે. આવા સંજોગોમાં એ સમજવું જરૂરી હોય છે કે ખુબજ તૈયારી કરી હોય પણ જે તે સમયે પોતાનું મન એવી સ્થિતિમાં ન હોય કે તે સારું પરિણામ આપી શકે, યા પોતે તૈયારી કરી હોય તે સિવાયના વિભાગમાંથી વધારે પૂછ્યું હોય, યા જે રીતે સવાલો પૂછયા હોય તે સામાન્ય શૈલી કરતા અલગ હોય તેથી તૈયારી હોવા છતા સમજાયા ન હોય આવું બની શકે. તેના માટે વિવિધ રોગોને અંદર લાવવાની જરૂર ન હોય. પશ્ચિમનો અક્ષ નકારત્મક હોય ત્યારે વ્યક્તિને સતત પોતાના આત્મસન્માન માટે વિચાર આવ્યા કરે છે. અને ભૂલથી પણ જો એવું કોઈ કાર્ય થઇ જાય તો તે સ્વીકારી શકતા નથી. એમાં પણ જો બ્રહ્મનો દોષ ઉમેરાય તો વ્યક્તિ કોઈ પણ હદ સુધીનો નકારાત્મક નિર્ણય લઇ શકે છે. આવી વ્યક્તિઓ માટે જીવન ખુદ એક પરીક્ષા જેવું હોય છે. તેમણે પોતાના માટેના ધારાધોરણ ખુબજ ઊંચા રાખ્યા હોય છે. અને તે પોતાને એક અલગ વ્યક્તિત્વ માનતા હોવાથી નાની એવી નિષ્ફળતા પણ તેમને વધારે ચલિત કરી શકે છે.
કોઈ પણ પરિણામ કાયમી નથી. ઓછા માર્કથી બુદ્ધિમતા ઓછી નથી થઇ જતી. આવી સમજણ વાલી અને શિક્ષકો જો ઉભી કરે તો બાળક ખરેખર ખીલી શકે છે. જયારે દક્ષીણનો અક્ષ ઉત્તર સાથે નકારાત્મક T બનાવે તો એવી જગ્યાએ સતત સરખામણી થતી જોવા મળે છે.“પેલાના દીકરાના આટલા માર્ક આવ્યા અને મારી દીકરીના આટલા.” “પેલાને તો કઈ આવડતું જ નથી અને આને તો જુઓ.’ “શિખો પેલા આગળથી.” જેવા વાક્યો આ જગ્યાએ સાંભળવા મળે તો નવાઈ ન લાગે. કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા હોય પણ ભારતીય વાસ્તુમાં પુરતો પ્રયત્ન થયો છે કે તેનું નિરાકરણ આવે. આપણા શાસ્ત્રોમાં ધ્યાનનું મહત્વ એટલેજ છે. ધ્યાનથી એકાગ્રતા વધે છે. આત્મવિશ્વાસ વધે છે. આત્મશક્તિ પણ વધે છે. હકારત્મક ઉર્જાની અસર થી હકારાત્મક વિચારધારાઉભી થાય છે. જે હકારાત્મક જીવનશૈલી આપવા સક્ષમ છે. અને આ બધાની હકારાત્મક અસર સમાજ પર પણ પડે છે. જો સમાજ હકારાત્મક હોય તો કોઈ પણ પરિણામની અસર હકારાત્મક જ હોય ને?