ભારતીય સંસ્કૃતિ એટલે લય, ભારતીય સંસ્કૃતિ એટલે તાલ, ભારતીય સંસ્કૃતિ એટલે વૈવિધ્ય, ભારતીય સંસ્કૃતિ એટલે રંગો. દીવાળીમાં આંગણામાં દેખાતા રંગો ઉત્તરાયણ પર આકાશમાં પથરાય અને હોળી પર તો સમગ્ર વાતાવરણમાં છવાઈ જાય. હોળી એટલે રંગોનો તહેવાર. જે ક્યારેક જીવનમાં પણ અવનવા રંગો ભરી દે. રંગોની હકારાત્મક્તાની વાત આવે એટલે હકારાત્મક નિયમો સાથે જોડાયેલ વાસ્તુ નિયમોની પણ યાદ આવે. રંગો આપણા જીવન પર અસર કરે છે, તેતો હવે વિજ્ઞાને પણ સ્વીકારેલ છે. એક બાળકને મેં એવું કહેતાં સાંભળેલું કે, મને તો મેઘધનુષ જેવું ઘર ગમે. ઘરમાં ચોતરફ અનેક રંગો ફેલાયેલા હોય તો તે અભાસી જીવન આપે છે.મોરના પીંછા પણ અનેક રંગો ધરાવે છે. પણ તેના લીધે મોરની ઉડવાની ક્ષમતા ઘટી જાય છે. તેથી જ દરેક દીવાલ પર અલગઅલગ રંગો હોય તે હિતાવહ નથી. તો પછી જેમાં બધાં જ રંગો ભળી જાય છે, તે શ્વેત રંગ સમગ્ર મકાનમાં કરી શકાય? આવો સવાલ ઉદભવે જ. એનો જવાબ છે, ના. વધારે પડતો શ્વેત રંગ મિથ્યાભિમાન આપી શકે છે. સ્વાભિમાન અને અભિમાન વચ્ચેની પાતળી રેખા ઘણીવાર અહી દેખાતી નથી.
મધ્યગુજરાતમાં મારા એક મિત્રે ઇન્ટીરીયર કર્યું હતું. એમાં એક બાળકનો રૂમ હતો. એ બાળક પેલી રૂમમાં જાય જ નહીં. વળી એને ડર પણ લાગે. રૂમમાં ઘેરો જાંબલી અને ઘાટો લાલ રંગ હતાં. કોઈ મેગેઝીનમાંથી લીધેલો આધાર અહીં નકારાત્મક સાબિત થયો હતો. આ બંને રંગોને આછા કરતાં જ એ રૂમ આકર્ષક બની ગયો. આ પ્રમાણે વાસ્તુમાં પણ રંગોના કોઈ ચોક્કસ પ્રમાણની વાત કરવામાં આવેલી છે. જેમકે નેવી બ્લુ, રોયલ બ્લુ, સ્કાય બ્લુ રંગો માટેના સ્થાન અલગ અલગ છે. તેવી જ રીતે લેમન યલો, પેસ્ટલ યલો જેવા રંગો માટે પણ ચોક્કસ સ્થાન દર્શાવેલા છે. જો યોગ્ય જગ્યાએ યોગ્ય રંગો કરવામાં આવે તો, તેની હકારાત્મક્તાનો લાભ ચોક્કસ મળે છે. કે
કેટલાક રંગોનો વાસ્તુમાં નિષેધ છે તેવું માનવામાં આવે છે. જેમ કે કાળો રંગ. આ રંગ પ્રકાશને શોષી લે છે. જો સમગ્ર મકાનમાં આ રંગ હોય તો? લાગે છે ને નકારાત્મક વાત. હા કદાચ કોઈ જગ્યાએ આવી પાતળી બોર્ડર હોય તો તેને નકારાત્મક ન ગણાય. ઉંબરા પર, રસોડાના પ્લેટફોર્મ પર, પલંગ પર અને છત પર કાળા રંગનો નિષેધ છે. જેના ભારતીય વાસ્તુમાં વિવિધ કારણો પણ દર્શાવવામાં આવેલાં છે.
અમેરિકાના નોર્થ કેરોલીનાના મારા એક ક્લાયન્ટનો ફોન આવ્યો. તેમના એક પાડોશીને મોટી ઉમરે અચાનક અલગ થવાનો વિચાર આવ્યો હતો. કારણ સમજાતું ન હતું. બહાર જાય ત્યારે રાજી રહેને ઘરમાં આવે એટલે એકબીજાના વાંક દેખાય. મેં એમને પૂછ્યું કે હમણાં ઘરમાં રંગરોગાન કરાવ્યું છે? જવાબ હા, માં મળ્યો. એમના ઉત્તરની દીવાલ પર કેસરીનો નકારાત્મક શેડ લગાવવામાં આવ્યો હતો. એ દીવાલનો રંગ બદલાવ્યા બાદ પરિસ્થિતિ પહેલાં જેવી જ થઇ ગઈ. આજ કેસરી રંગને જો અગ્નિના બેડરૂમમાં દક્ષિણની દીવાલ પર લગાવવામાં આવે તો તે હકારાત્મક ગણાય છે. અગ્નિના બેડરૂમમાં જો યુગલ રહેતું હોય તો તેમના સંબંધો, એકબીજા સાથે ફાવે નહી અને એકબીજા વિના ચાલે નહી જેવા થઇ જાય. આવા સંજોગોમાં કેસરી રંગ મદદગાર સાબિત થાય છે.
લીલા રંગનો એક શેડ બધું જ ઠંડુ પાડી દે છે. તેથી આવો રંગ બેડરૂમમાં તો ન જ રખાય. લાલ રંગ પણ બેડરૂમમાં ન રખાય. લાલ રંગ શરૂઆતમાં ઉત્સાહ વધારે છે પણ પછી તે ઉગ્રતા પણ આપે છે. સ્વસ્થ સંબંધો માટે ઉગ્રતા હાનિકારક છે. ગુલાબી રંગની વાત આવે એટલે બાળકનો ચહેરો દેખાય, કોમળ ગુલાબ દેખાય. પણ જો આ રંગ વધારે પ્રમાણમાં વપરાય તો તેના લીધે ઘરમાં કંકાસ આવે છે. તેવું મેં મારા રીસર્ચમાં જોયું છે.આવું જ પીળા રંગ માટે પણ કહી શકાય. આજકાલ મેટાલિક રંગો ઘરમાં લગાવવાનું પણ ટ્રેન્ડી છે. વાસ્તુમાં દરેક દિશા માટે યોગ્ય મેટલની વાત પણ અદભૂત રીતે કહેવામાં આવેલી છે. જે તે રંગ તેની યોગ્ય દિશાના યોગ્ય સ્થાન પર લગાવવામાં આવે તો તે ચોક્કસપણે હકારાત્મકતા આપવા સક્ષમ છે. અને જો રંગોની હકારાત્મકતા મળે તો જીવન સુખમય બને છે. આપણાં તહેવારો સમી સુખમય પળો કાયમ અનુભવાય છે.