જીવનને જીવવા માટે જીવનને પણ મોકો આપવો પડે છે. જીવન જીવવાની સાચી કળા સમજાવે છે વાસ્તુ નિયમો. આજે આપણે જે મકાનનો અભ્યાસ કરીએ છીએ તે લંબચોરસમાં અગ્નિનો ભાગ ઓછો અને ઉત્તર બહાર હોય તેમ જ પશ્ચિમ વાયવ્ય થોડો બહાર હોય તેવો છે.
જેના કારણે કાન, આંખ. કે દાંતને લગતી સમસ્યા આવે, નારીને અસંતોષ રહે, પુરુષનો આત્મવિશ્વાસ ઘટે,માતૃસુખમાં ઓછપ આવે, નારીને લગતી શારીરિક સમસ્યા આવે, પાડવા આખડવાનું થાય કે પછી કારણ વિનાના ઝગડા થવાથી મન અશાંત રહે અને જીવન અસ્થિર બને. લોબીએ બાલ્કની હોઈ શકે. પૂર્વ મધ્યમાં બાલ્કની સારી ગણાય પરંતુ નૈઋત્યમાં બાલ્કની યોગ્ય ન ગણાય. ઘરનું મુખ્ય દ્વાર ઈશાન પૂર્વનું છે. એક ખોટી માન્યતા છે કે ઈશાન ખૂણામાં દ્વાર સારું ગણાય. બેઠક રૂમ યોગ્ય જગ્યાએ છે અને તેની આંતરિક વ્યવસ્થા પણ યોગ્ય છે. ડાયનિંગ ટેબલ ઈશાન તરફ સારું ગણાય. કોમ્પ્યુટર ઉત્તરમુખી હોય તો ધંધાકીય કાર્ય માટે સારું ગણાય. અહીં સૂવાની વ્યવસ્થા છે. પશ્ચિમ અને ઉત્તર તરફ માથું ન રાખવાની સલાહ છે. પૂર્વ તરફ ચપ્પલ ન રાખવાની સલાહ છે. દક્ષિણમાં રસોઈઘર હોય તો થોડી ઉગ્રતા રહે. અને નારીનો સ્વભાવ અમુક સમયે અભિમાની થવાથી જીદ આવે. અહીં આંતિરક વ્યવસ્થા સારી હોવાથી આવી સમસ્યા ઓછી આવે. સ્ટોર રૂમ યોગ્ય જગ્યાએ છે. દક્ષિણ અગ્નિના વોશિંગ એરિયામાં પાણી ભરીને ન રાખવાની સલાહ છે. આ જગ્યાને એક બાજુ પરદો નાખી રાખવો. દક્ષિણ થી દક્ષિણ નૈઋત્યમાં બેડરૂમ સારો ગણાય. અહીં સૂવાની વ્યવસ્થા યોગ્ય છે પરંતુ તિજોરીનું સ્થાન યોગ્ય ન હોવાથી તેમાં ધનસંચય ન થાય. નૈઋત્ય પશ્ચિમની બાલ્કનીને પરદાથી કવર કરીને રાખવી. આના લીધે ખાલીપો આવી શકે. ટોયલેટ યોગ્ય જગ્યાએ છે. વાયવ્યમાં બીજો બેડ રૂમ હોઈ શકે. અહીં સૂવાની વ્યવસ્થા દર્શવિ નથી. ગાદલાં રાખવાની જગ્યા યોગ્ય છે. વાયવ્યમાં વાયુ તત્વ સાથે સંલગ્ન વસ્તુ રાખવાથી ઊર્જામાં વધારો થાય. કબાટ યોગ્ય જગ્યાએ છે પરંતુ વાયવ્યમાં પશ્ચિમ તરફ મુખ રાખીને પૂજા કરવાથી વિવિધ વિચારો આવવાના કારણે પૂજામાં મન માને નહીં. તેથી અહીં પૂજા ન કરાય. ઉત્તર મધ્ય માં ટોયલેટ અને ડક્ટ છે. જે આર્થિક બાબત માટે પણ યોગ્ય નથી અને નવી પેઢી ના માટે પણ ન ગણાય. નારીનું મન ચંચળ રહે તેવું આ જગ્યાએ બને.
આમ તન મન ધનની વ્યાધિવાળું આ ઘર પ્રથમ નજરે વાસ્તુ પરફેક્ટ હોય તેવી પ્રતીતિ કરાવે છે. પણ સમસ્યાઓ થી ગભરાઈને ઘર ખાલી કરવાની જરૂર નથી. ભારતીય સિદ્ધાંતો થકી અહીંની ઊર્જા વધારી શકાશે. સર્વપ્રથમ તો સૂચન પછીના નકશામાં દર્શાવ્યા મુજબની રચના કરી અને ગુરુવારે મુખ્ય દ્વાર પર દર ગુરુવારે આસોપાલવનું તોરણ લગાવી અને ઉંબરો પૂજી લેવો જોઈએ. રસોડાના ઈશાન માં તાંબાના કળશમાં ગાળેલું પાણી રાખી, પાણિયારે ઉભી વાટનો ઘીનો દીવો કરવો. ગુરુવારે મંદિર અને તિજોરીને યોગ્ય જગ્યાએ પ્રસ્થાપિત કરી દેવા. બુધવારે મગ ખાવા અને સમળાના ઝાડને દૂધ ચડાવવું. સવારે વહેલા ઉઠી સૂર્યને જળ ચડાવવું. દર અજવાળી ચૌદસે સપરિવાર ખીર ખાવી. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, દહીંમાં કાળા તલ, સરસવ, ગુલાબ જળ, પાણીથી અભિષેક કરીને બીલીપત્ર ચડાવી દેવા. પોતું કરતી વખતે પાણીમાં સબરસ નાખવું. બેસતાં મહિને કીડિયારું પૂરવું.
કોઈ પણ સમસ્યાથી ગભરાવાને બદલે તેમાંથી માર્ગ કાઢવાની હકારાત્મતા આપે છે, વાસ્તુ નિયમો.