ઈતિહાસ એટલે આપણે જે ભણીએ છીએ તે કે પછી આપણે જે ભૂલી ગયા છીએ તે પણ. દરેક ક્ષણ જૂની થતી જાય છે. અને તે ઈતિહાસ બનતી જાય છે. ઈતિહાસ વ્યક્તિગત પણ હોઈ શકે. પોતાનો ઈતિહાસ, કુટુંબનો ઈતિહાસ, મહોલ્લાનો ઈતિહાસ, શહેરનો ઈતિહાસ, રાજ્યનો ઈતિહાસ, દેશનો ઈતિહાસ, પૃથ્વીનો ઈતિહાસ કે પછી બ્રહ્માંડનો ઈતિહાસ હોય એમાં કેન્દ્રમાં એ જ આવે જેનો ઈતિહાસ હોય. વળી અન્યનો ઈતિહાસ લખવા માટે જે તે પરિસ્થિતિને સમજવી પડે. કોઈ વિદેશી આપણો ઈતિહાસ લખે તો કેન્દ્રમાં તો એના જ વિચારો હોય ને? તો પણ આપણો ઈતિહાસ સમજવા આપણે વિદેશી લખાણોનો સહારો લઈએ છીએ. આપણા ગ્રંથોને જો સાચી રીતે સમજવામાં આવે તો પણ આપણા વિષે ઘણી સાચી માહિતી મળી શકે છે. સંસ્કૃતમાં માત્ર ધાર્મિક વાતો જ નથી. એ ભાષામાં શાસ્ત્રો પણ લખાયા છે. અને શાસ્ત્રો એટલે વિજ્ઞાનના નિયમો.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. જો આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.
સવાલ: આપણા વેદોમાં ઘણું બધું વિજ્ઞાન છે. તો પછી વેદને વિજ્ઞાનની રીતે જોવાના બદલે અંધશ્રદ્ધા સાથે કેમ જોડવામાં આવે છે. પૌરાણિક વાતોમાં પણ વિજ્ઞાન છે. પણ તે માત્ર કથાકારો સુધી જ સીમિત કેમ છે?
જવાબ: વેદને અંધશ્રદ્ધા સમજવામાં આવે છે એ માન્યતા ખોટી છે. બની શકે કેટલાક લોકો એ માનતા હોય. પણ વેદમાં ગણિત, વિજ્ઞાન અને સૃષ્ટિના ઘણાબધા રહસ્યો છુપાયેલા છે. તે વાત સહુ જાણે છે. હા પુરાણોને યોગ્ય રીતે સમજવામાં નથી આવ્યા. એનું કારણ એ છે કે જેમને સંસ્કૃત આવડે છે. એમને વૈજ્ઞાનિક સંશોધનો નથી ફાવતા. અને જેમને વિજ્ઞાન આવડે છે તેમને સંસ્કૃતમાં રસ નથી. આપણા ગ્રંથોને સમજવા માટે તેની પાછળનું વિજ્ઞાન સમજવું ખુબ જરૂરી છે. અને એ જ આપણો સાચો ઈતિહાસ સમજાવી શકશે. આ કાર્ય માટે કોઈની રાહ જોવાની જરૂર નથી. એ આપણા સહુની નૈતિક જવાબદારી છે. હું એ કાર્ય કરી રહ્યો જ છુ. જો વધારે લોકો એ દિશામાં કામ કરશે તો એનો લાભ આવનારી પેઢીઓને ચોક્કસ મળશે.
તબીબી શાસ્ત્ર એ જો મેડીકલ સાયંસ ગણાતું હોય તો બધા જ શાસ્ત્રોને વિજ્ઞાન ગણવા જોઈએ. જો ધાર્મિક આધારના બદલે વૈજ્ઞાનિક આધાર શોધવાની પ્રક્રિયા શરુ થશે તો ઘણા એવા રહસ્યો જાણવા મળશે જે અચંબામાં મૂકી શકે છે.
સવાલ: મેં મારા વડીલોના લગ્ન જીવન જોયા છે. એ લોકો સુખી નથી. હવે એ જ લોકો મને લગ્ન કરવા માટે દબાણ કરે છે. શું લગ્ન કરવા જોઈએ? અને જો મારું જીવન પણ એમના જેવું બની જશે તો?
જવાબ: તમારી આગળની પેઢી સામે પડકારો ઘણા બધા હતા. સાવ અંધારા જીવનમાંથી અચાનક ટેકનો યુગ સુધીના સફરમાં એડજેસ્ટ થવામાં એ લોકો કદાચ સહવાસ અને સમજણ જેવા વિષયોને ન્યાય ન આપી શક્યા. જેના કારણે એમની આગળની પેઢી જે ઉદાહરણ આપી શકી એવું એ લોકો ન કરી શક્યા. જીવનને સમજવાનો એમની પાસે કદાચ સમય જ નહોતો. સતત બદલાવ પણ તણાવનું કારણ બને છે. પણ એક સમજવા જેવી બાબત એ છે કે એ લોકો પણ એક બીજાને નિભાવી શક્યા છે. જે પણ મતભેદ હશે. લડતા હશે, ઝગડતા હશે પણ પ્રેમ પણ એટલો જ કરતા હશે. આમ પણ બે બુદ્ધિશાળી જીવ ભેગા થાય એટલે વિચારો તો અલગ પડે જ.
પહેલા નારી ચલાવી લેતી હતી. હવે સવાલ પૂછે છે. અને દરેક સવાલનો જવાબ હોય જ એવું નક્કી પણ નથી હોતું. તમારી પેઢીએ ટેકનો યુગ જોયો છે. તમને આ વિશ્વ અલગ નથી લાગતું. તમે સવાલોથી ટેવાયેલા છો. વળી પરસ્પર માટેની સમજણ પણ વધારે છે. લગ્ન જીવન એ કોઈ અન્યના ઉદાહરણનો વિષય જ નથી. દરેક યુગલના સંબંધો અલગ હોય છે. લગ્ન જરૂરી છે. જો યોગ્ય વ્યક્તિ મળે તો ચોક્કસ લગ્ન કરવા જોઈએ.
સુચન: વધારે પડતો પ્રકાશ પણ માનસિક તણાવ આપી શકે છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)