વાયરસ, ફૂગ, એના પ્રકારો, ભય, હતાશા, અસુરક્ષા, જેવા ઘણા બધા નકારાત્મક શબ્દો આપણે છેલ્લા કેટલાક સમયથી સાંભળતા આવ્યા છીએ. એની સામે સાદાઈ, સંતોષ, સમજણ જેવા સકારાત્મક શબ્દો પણ ઘણા લોકો હવે સમજવા લાગ્યા છે. કોઈ પણ કપરા કાળમાં જેટલું સકારાત્મક રહી શકાય એટલું વધારે સારું છે. સકારાત્મક રહેવા માટે સકારાત્મક વાતાવરણ જોઈએ જેમ સકારાત્મક વ્યક્તિઓનો સાથ હોય. અવાસ્તવિક દુનિયામાં વાસ્તવિક મિત્રો મળે ખરા? કોઈના જન્મ દિવસે તમે ફોન કરો છે કે પછી ખાલી મેસેજ કરો છો? એ જ રીતે તમારા જન્મ દિવસે કેટલા લોકો ફોન કરે છે? સાચા મિત્રો અને આભાસી મિત્રોનો ફરક ન સમજાય તો જીવનને જીવવાની દિશાઓ બદલવી પડે એવું પણ ક્યારેક બની શકે. ક્યારેક કાયમ વાતો ન કરનાર મિત્રો પણ જરૂર પડે સાથે ઉભા રહેતા હોય છે.
આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુનીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.
સવાલ: અમે નવું ઘર ખરીદ્યું. એક માણસને ઇન્ટીરીયર માટે બોલાવ્યા. અમારી પરિસ્થિતિ સમજાવી. એમને કરગર્યા. અને અંતે એમણે અમને કહ્યું કે તમે નક્કી કરો એ ફી માં હું કામ કરી આપીશ. પણ અમને એમાં મજા ન આવી. અમારે ભાવતાલ કરવા હતા. અમે પાછળ પાડીને ફી પૂછી લીધી. પછી અમે એમને ચાર હજાર આપવાનું કહ્યું. હવે એ ફરી ગયા. એ એવું કહે છે કે તમે ફી પૂછી તો હવે એના પ્રમાણમાં આપવું પડે. અમદાવાદમાં જમીન પર ઘર સસ્તું થોડું જ આવે? અને પાછુ ઇન્ટીરીયરનું બજેટ પણ મોટું છે. એમાં પાછી ફી આપવાની? શું નવા ઘરના વાસ્તુમાં કોઈ દોષ હશે? એ ભાઈ કેમ આવો વિચિત્ર વ્યવહાર કરે છે?
જવાબ: ભાઈશ્રી. તમારી વાત પરથી લાગે છે કે તમે સુખી થવા માટે ઘર નથી ખરીદ્યું. કરોડો રૂપિયા ઘર અને ઇન્ટીરીયર પાછળ ખર્ચવા તમે તૈયાર છો પણ એની ડીઝાઇન કરવા વાળી વ્યક્તિને આપવા તમારી પાસે પૈસા નથી. ઘરની સાથે જોડાયેલી દરેક વ્યક્તિ રાજીપા સાથે ઘરમાંથી જાય તો એ ઘર સારી ઉર્જા ધરાવે. તમે તો શરૂઆતમાં જ કોઈ માણસને વિચિત્ર ઓફર આપી. અને તમારા સ્વભાવનો દોષ તમે નવા ઘરને આપો છો? તમારી વિચારધારા બદલો દુનિયા સુંદર છે એની પ્રતીતી થઇ જશે. જે માણસ તમારું ઘર સુંદર બનાવી આપે છે એની તમને કીમત જ નથી. માણસો ભલા હોય છે, મુર્ખ નહિ. કોઈ સારી, સહજ, સરળ વાત કરે એટલે એને છેતરવા પ્રયત્ન કરવાનો? તમે કોઈને છેતરીને ઘરમાં રહેવા જાવ તો એ ઘર તમને ફળે ખરું? દરરોજ શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ઘી, ચોખા, સરસવ, પાણીથી અભિષેક કરી અને બીલીપત્ર ચડાવી દો. યોગ્ય વિચારો આવશે.
સવાલ: અમારા ઘરે એક ભાઈ આવ્યા હતા. એ સમજાવતા હતા કે અમુક અંગોનો સ્પર્શ કરવાથી વાસ્તુ શાંતિ મળે છે. મને થોડું અજુગતું લાગ્યું. એવું કાઈ હોય ખરું?
જવાબ: બહેનશ્રી.સ્પર્શની પોતાની એક આગવી ભાષા છે. અને સ્પર્શથી માણસને સાજા પણ કરી શકાય એવી વાત પ્રચલિત છે. કોનો સ્પર્શ, કેવો સ્પર્શ અને ક્યાં સ્પર્શ? આવા સવાલો ઉદ્ભવે એ સ્વાભાવિક છે. એની સમજણ કેળવ્યા બાદ જ આવા વિષયને સમજી શકાય. હું પોતે સ્પર્શની સેલ્ફ હિલીન્ગની કળા શીખેલો છું. પણ સ્પર્શ વિના પણ ઘણા રસ્તા એવા છે કે જે અપનાવી અને વાસ્તુમાં સકારાત્મક ફેરફારો લાવી શકાય. અને હા, સ્પર્શનું વાસ્તુ?
આજનું સુચન: તળાવ પર ઘર બનાવવું શુભ માનવામાં આવતું નથી.
(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો….vastunirmaan@gmail.com)