મસ્ત મજાનો વરસાદ પડતો હોય. વાતાવરણમાં રોમાન્સ હોય. કોઈ યુગલ તન મનને ભીંજવવા અને ગરમા ગરમ ભજીયા અને મકાઈનો ડોડો ખાવા બાઈક પર જતા હોય. મનમાં બસ આનંદ જ આનંદ હોય અને અચાનક કોઈ ખાડો આવે તો શું થાય? નજીકમાં કોઈ દવાખાનું હોય એમાં પાટાપીંડી કરવવા જાય અને ખબર પડે કે બેસ્મેંન્ટમાં પાણી ભરાયું હોવાથી લાઈટ નથી. હોસ્પિટલ બંધ છે. અન્ય જગ્યાએ ડોકટરો હડતાલ પર છે. અને હવે કયા ડોક્ટર મળશે એની ચિંતા છે તો? એક ડોક્ટર મળે છે. જે કહે છે કે રીપોર્ટ જોયા વિના હું ઈલાજ ન કરું. અને લેબોરેટરીમાં પર સ્ટાફ નથી કારણ કે ચોફેર પાણી ભરાયા છે. તો આ રોમાન્ટિક વરસાદ કેવો લાગશે? કુદરત તો એ જ છે. પહેલા પણ વરસાદ પડતો હતો. બસ માણસ, એનું મન અને મહત્વાકાંક્ષા બદલાઈ છે. શું ખાડાઓ કોઈ નિયમ પ્રમાણે ચાલે ખરા? એમાં તો કોઈ પણ પડી શકે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: હવેના યુવાનો વરસાદથી ગભરાય છે. અમને વરસાદ ગમતો. અમે ખાસ નહાવા બહાર નીકળતા. કાગળની હોડીઓ તરાવવાનું તો વિસરાઈ જ ગયું છે. લોકો ધીમે ધીમે પ્રકૃતિથી વિમુખ થઇ રહ્યા છે. વરસાદ માટે ખાબક્યો, ધમરોળ્યું જેવા શબ્દો વિચિત્ર લાગે છે. અમારા સમયમાં તો ઘણી બધી જગ્યાએ પાકા રસ્તાઓ નહોતા. પણ નીતિમતા હતી. રોડની વચ્ચે ખાડા નહોતા. દેશ આઝાદ થયો પછી ઘણી બધી ચેલેન્જનો સામનો કરવાનો હતો. તો પણ અમને કોઈ તકલીફ નહોતી લાગતી. હવે તો સોસાયટીમાં પણ લેવલ વિનાના રસ્તા બને છે. જ્યાં ત્યાં ખાબોચીયાઓ દેખાય છે. સ્વચ્છતા અભિયાન વિના અમારા આંગણા અને રસ્તાઓ ચોક્ખા રહેતા. કારણકે અમને અમારો દેશ ગમતો. હવે એવું લાગે છે કે આ દેશમાં અમે મહેમાન છીએ. દરેકને એક બીજાનો વાંક કાઢવો છે. પોતાના ફાયદા માટે જીવતા માણસો વધી રહ્યા છે. કોઈને ખબર ન પડે એ રીતે ખોટું કરવાનું વ્યાજબી ગણાય છે. કહેવાતા ગુરુઓ ભૌતિકતાનું જ્ઞાન આપે છે. શું આ દેશમાં કોઈ વાસ્તુ આધારિત નકારાત્મક ફેરફાર થયા છે. કે આવું થઇ રહ્યું છે?
જવાબ: પ્રણામ. માનવનું મન ફરે તો કુદરત રૂઠે એ વાત કવિ કલાપીની ગ્રામમાતા કવિતામાં સુંદર રીતે સમજાવી છે. વળી લોકમાનસ પણ વિચિત્ર રીતે બદલાયું છે. રીલ્સ જોઇને જીવનના નિયમો બનાવવાની કળા જે રીતે વિકસી છે એનો કોઈ ઈલાજ નથી. ગુલામીની શરૂઆત પહેલા આપણ આપણે ગુલામ જ હતા. શીખ સંપ્રદાય, આદિશંકરાચાર્ય વિગેરેના પ્રયત્ન પછી પણ આપણે ક્યાં છીએ? અન્યથી પ્રભાવીત થઇ પોતાના વિચારો બદલવાને આપણે સ્વનો વિકાસ ગણીએ છીએ. સંસ્કૃત જેવી મહાન ભાષાને છોડીને વિચિત્ર બંધારણ ધરાવતી અંગ્રેજી ભાષાને આપણે જ મહાન બનાવી છે. ફરિયાદ બધા જ કરે છે. પણ એના નિવારણ માટે આપણે શું કર્યું? હકની લડાઈ લડવા માટે પણ જો સમાજનો ડર કે શરમ નડતા હોય તો એ પોતાના દેશ માટે મહેમાન હોવાની જ લાગણી છે. આટલા લોકો ખાડામાં પડે છે. નવા ખાડા વાળા રસ્તા ન બને એ માટે કોઈ આંદોલન થયા? ગુરુઓને ગુરુ કોણ બનાવે છે? આપણે જ ને? સંપ્રદાય વિના એમનો બિઝનેશ ચાલે? જ્યાં બિઝનેશ છે ત્યાં ત્યાગ હોઈ શકે ખરો? પણ તકલીફ એ છે કે આપણને તો ગુરુ પણ એશોઆરામથી જીવતા ગમે છે. જ્ઞાન વિશેની સમજણ ઓછી થાય ત્યારે આવું થઇ શકે.
અંગ્રેજો માત્ર 10,000 હતા અને કરોડો લોકો પર એમણે રાજ્ય કર્યું. કારણકે એમને આપણા લોકોએ જ મદદ કરી હતી. પોતાનો સ્વાર્થ દેશપ્રેમથી વધે ત્યારે આવું બને. મોગલોની સેનામાં ભારતીય હતા? એ બધું જ બદલવા કોઈ નિસ્વાર્થ સમાજની રચના કરવી પડે. જે દેશપ્રેમને સાચા અર્થમાં સમજી શકે. તમારી પેઢીએ સારા દિવસો જોયા છે એનું એક કારણ એ પણ છે કે તમે ગુલામીના સમયને પણ અનુભવ્યો છે. એટલે દેશપ્રેમ હોય જ. શું એવા નિસ્વાર્થ લોકો હવે મળશે ખરા?
વાસ્તુ શાસ્ત્ર અનુસાર દેશમાં પણ ફેરફાર કરી શકાય. પણ એના માટે કુદરતને સમજી એને અનુકુળ થઇ અને કામ કરવું પડે. વૃક્ષમાં પણ જીવ છે એવું વેદોમાં ભલે લખેલું હોય. પણ એનું લાખોની સંખ્યામાં નિકંદન થતું જોઇને પણ જો કોઈને વેદના ન થતી હોય તો એ પ્રજાએ કુદરતના અન્ય નિયમો તો ભોગવવા જ પડે ને?
સુચન: એક વેદિક વૃક્ષને કાપતા પહેલા પાંચ વૃક્ષ વાવવા જરૂરી છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)