છાપુ ખોલીએ અને નકારાત્મક સમાચારો દેખાય ત્યારે દુખ થાય. પણ એ માત્ર સમાચાર છે. એ ઘટનાઓ તો આપણી આસપાસ જ બને છે. આપણે એ ન બને એના માટે શું કર્યું? માત્ર અણગમો દેખાડવાથી કશું જ નહિ થાય. કશુક તો કરવું જ પડશે. બાકી આવનારી પેઢી માટે આ દુનિયા જીવવા લાયક નહિ રહે.
મિત્રો આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: આપણે બેરોજગારીની વાત કરીએ છીએ. પણ શું શિક્ષણ પદ્ધતિ અને વ્યવસ્થા એને સુધારવા સક્ષમ છે? મારે ડોક્ટર બનવું હતું. એની પરીક્ષા પણ મેં પાસ કરી. પણ એ પરીક્ષા પહેલા જે ઘાતકી રીતે એ લોકો કાનમાંથી ફીટ કરેલી ઝીણી બુટ્ટીઓ પકડથી કાપતા હતા એ જોઇને મારા રુંવાડા ઉભા થઇ ગયેલા. હું રાજસ્થાની છું. નાનપણથી એક મીલીમીટર થી પણ નાની બુટ્ટી કાનમાં વાળીને ફીટ કરેલી. એને કાઢવું અશક્ય હતું. જો એટલી નાની બુટ્ટી પણ ડરાવતી હોય તો એ વ્યવસ્થા નિર્ભય શિક્ષણ ક્યાંથી આપશે? એ વિચારે મેં એડમીશન ન લીધું. અમે નાની જગ્યામાં રહેતા લોકો વધારે લાગણીશીલ હોઈએ. જયારે પેપર ફૂટી ગયાના સમાચાર આવ્યા ત્યારે મને મારો નિર્ણય યોગ્ય લાગ્યો.
મેં બીજી એક સંસ્થામાં એડમીશન લીધું. મારાં શિક્ષક મને ઈશારા કરતા. રૂપાળા હોવું એ ગુન્હો નથી. મેં મારા આચાર્યને ફરિયાદ કરી. એમને જાણે મેં કોઈ સત્તા આપી દીધી હોય એમ એ પણ હાલતા ચાલતા કમરની આસપાસ અડપલા કરી લેતા. મેં વિરોધ કર્યો એટલે એ બંને મારી વિરુદ્ધ વિદ્યાર્થીઓને ચડાવવા લાગ્યા. બે એક વિદ્યાર્થીઓ તો ક્લાસ ચાલતો હોય અને મને અડવાની શરતો પણ મારતા. પહેલા વરસમાં હું પહેલો આવ્યો. આચાર્યે મને મળવા બોલાવીને કહ્યું કે સાહેબને રીઝવ્યા વિના નંબર ન આવે. તમે મને બહુ ગમો છો. મારે ભણવું હતું એટલે હું ત્યાંથી બહાર નીકળી ગયો. પણ ધીમે ધીમે એમની લોલુપતા વધતી ગઈ. મારા વિષે ગમે તેવી વાતો ફેલાવા લાગી. એક દિવસ એમણે મને બોલાવીને કહ્યું કે તમારા સાહેબે મને કહ્યું છે કે હવે તમારે મને સંભાળવાનો છે. જરાક આમથી આમ જ કરવાનું છે. મારી ધીરજ ખૂટી ગઈ અને ઓફિસનો દરવાજો ખોલીને એમને ખુલ્લા પાડીને હું નીકળી ગયો. મારા બે વરસ બગડ્યા. મારે ગામ પણ છોડવું પડ્યું.
નવી જગ્યાએ એડમીશન લીધું. ત્યાં ફરીથી પહેલો નંબર આવ્યો. એક વિષયમાં ધાર્યા કરતા ઓછા માર્ક આવ્યા હોવાથી મેં પેપર રીચેક કરાવ્યું. એ લોકોનો વિદ્યાર્થીઓ સાથેનો વ્યવહાર જોયા પછી દુખ થયું. મારું પેપર હાથમાં આવ્યું ત્યારે સમજાયું કે મારું પેપર તપસ્યા વિના ઉચ્ચક માર્ક આપી દેવામાં આવ્યા હતા. મેં રજૂઆત કરી તો મને કહેવામાં આવ્યું કે આવું તો ચાલે. પાસ થઇ ગયા છો પછી તકલીફ ક્યાં છે? યુનીવર્સીટી માંથી જે નંબર આપ્યો હતો તે કોઈ ઉપાડતું નથી. મારી પાસેથી ફી લીધા પછી પણ જાણે એમની કોઈ જવાબદારી ન હોય એ રીતે ચાલે છે. મારા નજીકના લોકો સમજાવે છે કે બહુ માથાકૂટ ન કરવી જોઈએ. એ લોકો નાપાસ કરશે. શું આવા લોકો ભારતના ભવિષ્યનું નિર્માણ કરશે? વિદ્યાર્થી હોવું એ ગુન્હો છે? અને આવા ડરપોક માનસ વાળા લોકો દેશને ક્યાં લઇ જશે? મારે ખરેખર શું કરવું જોઈએ? આવી ડીગ્રી મને સફળ બનાવી શકશે?
જવાબ: સ્ત્રીઓ સાથે છેડતી વિશે ઘણી વાતો સાંભળી હતી. પણ હવે પુરુષો સાથે પણ આવું શરુ થયું એ આઘાતજનક છે. આપણે ત્યાં જે સ્ત્રી પર બળાત્કાર થયો હોય એને જોવાની દ્રષ્ટી બદલાઈ જતી હોવાથી યા તો એ ગભરાઈને વાતને છુપાવતી યા આત્મહત્યા કરી લેતી. જેણે ગુન્હો કર્યો છે એ ફરી ગુન્હો કરવા તૈયાર રહેતો. વળી તમારી સાથે જેવું થયું એવું લોકો પણ માને છે કે જેની છેડતી થઇ છે એની છેડતી કરવાનો અધિકાર બધાને છે. આ સાચે જ દુખદ વાત છે. નકારાત્મક સમાચાર જલ્દી ફેલાય છે. એટલે જ અફવા ફેલાવવાવાળા ફાવે છે. તમે સાચો નિર્ણય લીધો છે. જો કોઈ વિરોધ નહિ કરે તો સમાજમાં ગંદકી વધતી જશે.
લાગણીશીલ હોવું અને લાગણીપ્રધાન હોવું એમાં ફર્ક છે. કેટલાક નિર્ણય લેવામાં પ્રેક્ટીકલ થવું જરૂરી છે. સમાજમાં ભૌતિકતા જે રીતે ઘર કરી રહી છે એ જોતા તમે માત્ર લાગણીથી નિર્ણય લેશો તો તમે કશું જ નહિ કરી શકો. બિન જરૂરી ચર્ચાઓમાં ન પડો. અંગત વાત બધાને ન કહો. દરેક જગ્યાએ લેખિતમાં રજૂઆત કરી અને એની કોપી તમારી પાસે રાખો. જવાબ ન આવે તો ફરી લેખિત રીમાઈન્ડર આપો. આ સહેલું નથી. ગુસ્સો કાબુમાં રાખીને શાંત મનથી કરવું પડશે. લોખંડ પર કાટ લાગે તો એ પ્રાણઘાતક બને. પણ એને કાઢવામાં તકેદારી રાખીએ તો એને કાઢી શકાય. પણ જો એ કાટ આપણા શરીરમાં જાય તો આપણને મારી પણ શકે. માત્ર ડીગ્રી કોઈને સફળ ન બનાવી શકે. તમારું જ્ઞાન, અનુભવ અને વ્યવહાર એના માટે જવાબદાર છે. સક્ષમ બનો. ડીગ્રી જરૂરી છે. એ લઇ લો.
સુચન: બરાબર ઇશાન ખૂણામાં આવેલા દ્વાર સકારાત્મક છે એ માન્યતા ખોટી છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)