“એ મારો આખો પગાર પીય જાય અને પાછો મારેય ખરો. એને ન તો મારામાં રસ છે ના એના છોકરાવમાં. બસ, એને પૈસા મળે એટલે પીવા જતો રહે અને પૈસા ન આપો તો મારામારી કરે. સમાજના ડરથી બધું ચલાવી લેવું પડે. અમારા લગન થયાં ત્યારે એ આવો ન હતો. ખબર નહીં ક્યાંથી લત લાગી ગઈ. એક સીધો સાદો માણસ સાવ નકામો થઇ ગયો.” સાંભળ્યા પછી તરત મનમાં ઝબકારો થયો કે અગ્નિનો બ્રહ્મમાંથી પસાર થતો અક્ષ તપાસવો પડે. અને મારી ધારણા સાચી પડી. ઘરમાં ઇન્ટીરીયર બદલતી વખતે આ અક્ષની રચના બદલાઈ હતી.
એ ઉપરાંત નૈરુત્યમાં લિવિંગરૂમ હતો જે ઉગ્રતા કરાવવા સમર્થ હતો. આમ વ્યસન તો હતું જ પણ સાથેસાથે જોહુકમી પણ હતી. ઘરનું દ્વાર અગ્નિમાં હતું પણ સ્થાન નકારાત્મક હોવાના કારણે નારી ઘરની જવાબદારી લેતી હોવાં છતાં તે દુઃખી હતી. રસોડું વાયવ્યમાં હતું અને ઉત્તર તરફ મુખ રાખીને રસોઈ કરવાની વ્યવસ્થા હતી તેથી નારી ઘરની આર્થિક વ્યવસ્થામાં મદદ કરતી હતી. પશ્ચિમ અને ઉત્તરના અક્ષ નકારાત્મક હોવાના કારણે ઘરમાં રૂંધામણ વધારે હતી અને પુરુષનો આત્મવિશ્વાસ તળિયે બેસી ગયો હતો. બાળકો ડરેલાં ગભરાયેલાં જોવા મળતાં હતાં. અને જે ઘરમાં પુરુષનો ટેકો ન હોય કે વધારે પડતો ડર હય ત્યાં બાળકોનો વિકાસ રૂંધાય તે સ્વાભાવિક વાત છે.
કેટલીક વખત એ સ્વીકારી લેવામાં આવે છે કે તણાવ હોય તો પુરુષ તો દારૂ પીવે જ ને? ભારતીય સંસ્કૃતિમાં મનને શાંત રાખવા માટેના ઘણાંબધાં હકારાત્મક વિચારો જોવા મળે છે. તેથી દારૂ પીવો તે માનવીની જરૂરિયાત નથી તેવું હું સંપૂર્ણપણે માનું છુ.
ઘણા વરસો પહેલા એસટી બસ પરનું લખાણ યાદ આવે છે કે દારૂડિયો દારૂને શું પીતો હતો દારૂ જ દારૂડિયાને પી જાય છે. જે વાત સાચી છે કારણ કે એક એવું વ્યસન કે જે માણસને પોતાનો ગુલામ બનાવી દે તે વ્યસન માનવીને ગુલામ જેવી સ્થિતિમાં ખોટા નિર્ણયો પણ લેવરાવી શકે છે. કેટલાક લોકો દારૂ પીવે છે પણ દારૂડિયો શબ્દ તેમને તુચ્છ લાગે છે. જયારે વાયવ્યના અક્ષનો ત્રિકોણ નકારાત્મક હોય અને અગ્નિનો દોષ હોય ત્યારે પોતાના સ્ટેટસ માટે વ્યક્તિ પીતી હોય તેવું બને. અને તેથી જ તેને એવું લાગે છે કે દારૂ પીવાથી સમાજમાં માન વધે છે. આવી વ્યક્તિઓ ઘણી વખત જેતે પીણાની બ્રાંડ અને કીમતની ચર્ચા કરતા પણ જોવા મળે છે. આવા લોકોની પ્રાથમિકતા સંબંધો કરતા એ સંબંધોથી થનારા અથવા થતાં ફાયદા તરફ વધારે જોવા મળે છે. તેથી જ તેમના સંબંધોની પ્રાથમિકતા પણ બદલાતી હોય છે. તેમને જેટલી વાર મળીએ એટલી વખત તેમના પ્રિય વ્યક્તિઓ બદલાયેલા જોવા મળે છે અને તેઓ પોતે પણ શું ચાહે છે તેની તેમને જાણ નથી હોતી.
શું વારંવાર બદલાતા સંબંધો સુખ આપી શકે? એક નાની એવી બાટલી એક જીવતા જાગતા માણસને ગુલામ બનાવી શકે તેમાં માનવ જાતિની હાર નથી દેખાતી? કુદરતને જીતવાની ખેવના રાખનાર એક અકુદરતી જીવન તરફ ધકેલાઈ રહ્યો છે. મુખ્ય છે અક્ષની નકારાત્મકતા ઉપરાંત નૈરુત્યનો મોટો દોષ ગુનાહિત માણસ તરફ લઇ જઈ શકે છે. આવી વ્યક્તિઓને જો દારૂ ન મળે તો તેઓ કઈ પણ કરી શકે. જોકે ઘરમાં અન્ય હકારાત્મક ઊર્જા હોય તો આવી પ્રકૃતિની તીવ્રતામાં ઘટાડો થઇ શકે છે.
હું નાનો હતો ત્યારે દારૂ પીનારી વ્યક્તિને ધૃણાથી જોવામાં આવતી અને આજકાલ જે દારૂ નથી પીતા તેમને અમુક સમયે પછાત ગણવામાં આવે છે. એક એવી માન્યતા પણ છે કે દારૂ પીવાથી જ ધંધાકીય સંબંધો વિકસિત થાય છે. જે માણસને પોતાની જ ખબર નથી તે સંબંધોમાં કેવો હશે તે સમજવું અઘરું હોય છે. મેં એવા સફળ માણસો જોયા છે કે જેમણે સફળ થવા માટે આવા આધારો નથી લીધાં પણ તેમને પોતાના કામનો નશો હોય છે. કામમાં ઓતપ્રોત રહેવાથી સફળતા જરૂર મળે છે. મુખ્ય ચારેય અક્ષ હકારાત્મક હોય ત્યારે વ્યક્તિ પોતાના કામમાં એટલો વ્યસ્ત થઇ જાય છે કે તેને પોતાના કામનો નશો થઇ જાય છે. એમાં પણ જો ઉત્તર અને અગ્નિના અક્ષ હકારાત્મક હોય તો તે વ્યક્તિનો અભિગમ પણ રચનાત્મક હોય છે. હા, જો કે આવી વ્યક્તિને દુનિયાદારીની સૂઝ ઓછી હોય છે તેથી સામાન્ય માણસો તેમને સહજ રીતે સમજી શકતા નથી.
જો ઘરમાં દારૂનું વ્યસન ઘર કરી ગયું હોય તો તેમાંથી બહાર આવવા માટેની હકારાત્મક ઊર્જાના નિયમો પણ ભારતીય વાસ્તુમાં છે. જો કોઈ એવું પૂછે કે ઘરમાં દારૂની બોટલો ક્યાં રખાય? તો તેનો જવાબ હકારાત્મક ઊર્જાના પરિપેક્ષમાં શું હોઈ શકે? “ ઘરની કચરાપેટીમાં.” થી વધુ યોગ્ય જવાબ શું હોઈ શકે? પણ હા, જે તે ઘરનો અભ્યાસ કર્યા બાદ આવી સમસ્યાનું નિવારણ જરૂર કાઢી શકાય.