મારી સાચી જન્મરાશિ કઈ કહેવાય? કુંડળીની કે નામની?

જ્યોતિષી જોષ જોવા બેસે એટલે ઘણા પ્રશ્નો હંમેશા પુછાય છે જેમ કે, મારે પ્રેમ વિવાહ થશે કે એરેન્જડ (શેઠ સાહેબ પ્રમાણે અરેંજટ)? કન્યા કઈ દિશામાંથી મળશે? મારું મકાન પશ્ચિમના દરવાજાવાળું છે, તે સારું કે ખરાબ? મારે કયો નંગ પહેરવો જોઈએ? હું નોકરી કરું કે ધંધો? આ બધા પ્રશ્નો સાથે એક પ્રશ્ન મેં કાયમ સંભાળ્યો છે કે મારે કઈ રાશિ ગણવી? એટલે કે મારી જન્મ રાશિ મેષ છે પણ નામ તુલા રાશિ પ્રમાણે છે તો મારે કઈ રાશિનું રાશિ ભવિષ્ય વાંચવું? છેલ્લા પ્રશ્ન માટે વિગતે જોઈએ પછી, પહેલા ઉપરના અમુક પ્રશ્નો સ્પષ્ટ કરીએ.

મારે પ્રેમ વિવાહ થશે કે કે એરેન્જડ? તમને નથી લાગતું કે આ પ્રશ્ન ખુબ અંગત છે અને તે દરેકની ઈચ્છા-અનિચ્છા પર આધાર રાખે છે, આમ કહીએ તો ખોટું પણ નથી. જાતક અનેક લોકોને જીવન દરમિયાન મળે છે, દરેક પાત્રના રૂપ, રંગ અને વ્યવહાર અલગ હોય છે, તમને કોના પર દિલ આવી જશે તે માત્ર તમારું જ દિલ કહી શકે. જ્યોતિષમાં પ્રેમ-વિવાહ માટે કોઈ જૂની કિતાબોમાં કે સંહિતાઓમાં સ્પષ્ટ તારણો નથી અથવા વિદ્વાનો આ બાબતે કોઈ જગ્યાએ એકમત નથી થયાં. છતાં પંચમ ભાવ અને સપ્તમ ભાવનો જો સંબંધ હોય તો પ્રેમ-વિવાહ થઇ શકે એવું જ્યોતિષના વિદ્વાનો માને છે.

બીજી વાત, પંચમ અને સપ્તમ ભાવનો સંબંધ પ્રેમ વિવાહની શક્યતા અને સફળતા દર્શાવે છે. તેને લીધે જ પ્રેમવિવાહ થશે તેવું કોઈ કહી શકે નહીં. આપણે આધુનિક જમાનામાં જીવી રહ્યાં છીએ, દર પાંચ વર્ષે સમાજ વ્યવસ્થા જલ્દીથી નવું રૂપ લઇ લે છે. માટે પ્રેમ વિવાહ કરવા એ બિલકુલ અંગત નિર્ણય છે, જ્યોતિષની સલાહ લઇ શકાય. ફેસબુક અને વ્હોટસએપના જમાનામાં ‘પ્રેમ વિવાહ’ જ કેમ થયાં તે માત્ર વિધાતા જ કહી શકે. આવો જ પ્રશ્ન કન્યા કઈ દિશામાંથી મળશે તેનો છે, તમે વિચારીને કોઈ પણ દિશા કહો તેની સંભાવના ૨૫ ટકા તો રહેશે જ. તેમ છતાં સપ્તમ ભાવનો સ્વામી જે રાશિમાં પડ્યો હોય તે રાશિ સૂચિત દિશામાં લગ્ન બાબતે સંભાવના વધુ છે તેમ માત્ર કહી શકાય. કન્યાનું ગામ ઉત્તરે હોય અને શહેરમાં તે પશ્ચિમે રહેતી હોય તો કન્યા કઈ દિશાની કહેવી? તે પણ વિચારણીય છે, માટે આ પ્રશ્નને ક્ષમા આપશો.

જાતકને પોતાની જન્મકુંડળીમાં ભાગ્યેશ જે રાશિમાં હોય અથવા ભાગ્યેશ ગ્રહ જે નક્ષત્રમાં હોય તેનો માલિક કઈ રાશિમાં છે? તે રાશિ સૂચિત દિશાથી લાભ થાય છે. મકાનનો દરવાજો આ દિશાનો હોય તો તેને ફળદાયી રહેશે તેમ કહી શકાય. આ વાત માત્ર જ્યોતિષના આધારે છે. વાસ્તુશાસ્ત્રના નિયમો અલગ હોઈ શકે.

કોઈ જાતકનું ઘરનું નામ પીન્ટુ, લાલો કે પપ્પુ હોય તો તેને આ નામની રાશિઓ જોવાની જરૂર નથી. તમારું નામ કાયદેસર પણ જો બીજી રાશિનું હશે એટલે કે જન્મરાશિથી અલગ નામ હશે તો પણ તમારી જન્મરાશિ જ મહત્વની છે. જીનલ નામની કન્યાના જન્મ સમયે જો ચંદ્ર મેષ રાશિમાં હોય તો તેને આજીવન મેષ રાશિને જ પોતાની ‘સગી’ રાશિ ગણવી જોઈએ. તમારું નામ ગમે તે હોય તેનાથી આકાશનો ચંદ્ર બદલાતો નથી. તમારા જન્મના ચંદ્રને આધારે જ જીવનભર ગ્રહોની વિશોત્તરી દશાઓમાં તમે ઉતાર ચઢાવ અનુભવો છો. માટે જન્મ સમયના ચંદ્રનું બળ અને તેના સ્થાન ખુબ જ મહત્વના છે, માટે જ જન્મરાશિ તમારી જન્મકુંડળીમાં હોય તે જ સાચી સમજી લેવી. પ્રશ્નો એવા જ કરવા કે જે પ્રશ્ન અને જાતક બંને સ્પષ્ટ હોય. જે પ્રશ્ન જ સ્પષ્ટ નથી, તેનો જવાબ પણ સ્પષ્ટ ના હોય તે સ્વાભાવિક છે. અને આવા પ્રશ્નોને લીધે જ્યોતિષ જેવા પૂજ્ય વિષયને હાનિ થાય છે.

સામાન્ય જ્યોતિષી અને સિદ્ધ પુરુષો વચ્ચે તેલ અને ઘી જેટલો તફાવત છે, સિદ્ધ પુરુષ ક્યારેક જ્યોતિષી જોવા મળી શકે તેની ના નથી, સિદ્ધ આત્માઓ જ્યોતિષનું જ્ઞાન સહજ પ્રાપ્ત કરી શકે પણ દરેક જ્યોતિષી સિદ્ધ મુનિ નથી એ પણ ધ્યાને લેવું પડશે. સિદ્ધ પુરુષોના વચનો અનુસાર સંસાર ચાલી શકે અને ક્યારેક વિધિ પણ બદલાય જયારે જ્યોતિષી તો આકાશ અને સંસારનો સંબંધ બતાવે છે.