“મારે તો દુનિયાના સહુથી જાણીતા માણસ બનવું છે. પછી તો બસ, લોકો આપણી આગળ પાછળ ફરશે અને પૈસા જ પૈસા.” મારે લતા મંગેશકર કરતા પણ વધારે સફળ ગાયક બનવું છે. ઓછામાં ઓછા સિત્તેર હજારગીતો તો હું ગાઇશ જ.” “ મારી ફિલ્મોને ઓસ્કાર મળશે. મારામાં આવડત જ એવી છે ને? આતો એક ચાન્સ મળે તેની રાહ જોઉં છુ.” ઘણા લોકોને આવું બોલતા સાંભળીએ છીએ અને પછી વરસો પછી પણ તેઓ એક ચાન્સની રાહમાં જ જોવા મળે છે. લતા મંગેશકર જેવું ગાવા માટે પહેલા શ્રેષ્ઠ ગાયક થવાની મહેનત તો કરવી પડે ને? એક ભાઈ હમેશા એવું કહેતા કે મને રાષ્ટ્રપતિ સન્માન મળે પછી જ હું મારા ચિત્રોનું પ્રદર્શન કરીશ. તેઓ એમનેમ પણ ચિત્રો બનાવતા ન હતા. એમના પત્ની અને દીકરો તનતોડ મહેનત કરીને ઘર ચલાવે અને પેલા એક તકની રાહ જોતા બારીમાં બેસી રહે. જરૂરિયાતો વધતી ગઈ. ઘર નાનું થતું ગયું. ત્રણ બેડરૂમ માંથી બે ભાડે આપી દેવા પડ્યા. પણ એવું કરવા છતા હાથતો ટૂંકો જ પડતો રહ્યો.
એમના ઘરમાં અગ્નિનું દ્વાર હતું અને અગ્નિમાં પ્રોજેક્સન પણ હતું. અગ્નિનો બ્રહ્મ માંથી પસાર થતો અક્ષ પૂર્વના અક્ષથી બનાવતા ત્રિકોણ સાથે નકારાત્મક હતો. એમાં નૈરુત્યનો ભાગ ભાડે અપાયો. ઘરમાં અસ્તિત્વની લડાઈ હતી. દીકરો નાની ઉમરમાં કમાવા લાગ્યો તેથી તેનું ભણતર અધૂરું રહી ગયું. ઘર અને નોકરી બંનેની જવાબદારીમાં ખેંચાતી પત્ની ની તબિયત બગડવા લાગી. ખર્ચા વધતા ગયા. કોઈના કહેવાથી ઈશાનમાં પાણીનો ફુવારો લગાવ્યો. ઉપરથી પાણી પડતું હોય તેવી સ્થિતિ ઇશાન માટે નકારાત્મક ગણાય છે. જયારે હકારાત્મક ઉર્જા હોય ત્યારે માણસને પોતાના કર્તવ્યનું ભાન રહે છે. તે પોતાની આવડત વધારવા, જ્ઞાન સંપાદન કરવા પ્રયત્ન કરે છે. તેને પોતાની જવાબદારીઓનું પણ જ્ઞાન હોય છે. તે માત્ર દીવા સ્વપ્નમાં રાચતો નથી. હા, હકારાત્મક ઉર્જા ક્યારેય મૃગજળની પાછળ ભાગવાનું પણ નથી સુજાડતી. જ્યાં અઢળક સમ્પત્તિ હોય અને તો પણ સુખના નામ પર મીડું જ હોય.સાચા સુખની પ્રતીતિ પોતાની જરૂરિયાતો અને અપેક્ષઓ વચ્ચેનો ભેદ સમજ્યા બાદ જ થાય છે.
એક સાથે એક માણસ કેટલા ઘરમાં રહી શકે? એક સાથે એક માણસ કેટલી ગાડીમાં બેસી શકે? ઘરમાં દરેકના રૂમમાં ટીવી હોય કે દરેકની અલગ ગાડીઓ હોય તેમાં ખરેખર સુખ છે ખરું? એક બીજા માટે સમય ઓછો થવાના આ તો કારણો છે. મોંઘી દાટ ગાડીમાં ડ્રાઈવરની પાછળ ભાવવિહીન ચહેરા સાથે બેસી રહેવામાં સુખ છે કે પછી સ્કુટર પર પોતાના આત્મજનની કમરમાં હાથ નાખીને બેસવામાં સુખ છે? છે ને વિચાર માંગી લે તેવો સવાલ? જો પહેલા વરસાદમાં ભીજાવામાં શરમ આવતી હોય અને પતંગિયા પાછળ ભાગતા બાળકો પાગલ લગતા હોય તો પોતાના જીવનમાં થોડો વિશ્રામ લઇ અને આત્મપરીક્ષણ ચોક્કસ કરવું જોઈએ. કારણકે આવી વિચારધારા જ આપણને કુદરતથી વિમુખ કરી દેશે. અને જો કુદરતનો ભય લાગશે તો તેના માટેની સમજણ ઘટશે. અંતે કુદરત રૂઠે તેવું પણ બને. ચોમાસામાં વરસાદ પડે જ. એનો વિરોધ ન કરાય. જયારે ઈશાનનો ઉત્તર તરફનો ત્રિકોણ નકારાત્મક બને ત્યારે મિથ્યા વસ્તુઓ માટેની આશક્તિ વધે છે. આભાષી જીવન સારું લાગે અને આત્મજનો ઘટે.
પહેલા લોકો એકબીજાને મળવા જતા.અમુક સમય બાદ એક બીજાને ફોન કરતા. એક બીજાના ખબર અંતર પૂછાતા. સમયાંતરે તેનું સ્થાન સંદેશાઓએ લઇ લીધું. એસએમએસથી કામ પતિ જતું. પછી સોસીઅલ મીડિયા આવ્યું. હવે માત્ર લોઈ પણ વાત ને લાઇક કરવાનો રીવાજ આવ્યો. ક્યારેક ઈમોજીસ પણ દેખાડાય. માણસનું જીવન આભાષી થતું ગયું. અપેક્ષાઓ વધતી ગઈ, અસંતોષ વધતો ગયો અને લાગણીઓ ઘટતી ગઈ. સજ્જન માણસ મૂર્ખ અને કપટીમાણસ ચતુર લાગવા લાગ્યો. જીવન અંગેની સમાજ વિપરીત થતી ગઈ. હવે આ બધાથી બહાર આવવા માટેના વર્કશોપ ચાલે છે. છે ને મજાની વાત? જો આપના ઘરમાં ઈશાનના બંને અક્ષથી બનતો ત્રિકોણ હકારાત્મક હશે તો આપણું ઘર ચોક્કસ લાગણી સભર હશે. આપના ઘરે કોઈ મળવા આવે તો આપને ગમશે. બાળકોને પણ આપની સાથે ફરવા આવવું ગમશે. અને એક ગાડીમાં આખો પરિવાર જતો હોય તેનો ક્ષોભ પણ નહીં થાય. જીવનના સાચા સુખની સમજણ અહી ચોક્કસ હશે. અને હકારાત્મકતાથી ઘર ભર્યું ભર્યું હશે.