“હવે તો ચોપડા જ નથી હોતા. બધું જ કોમ્પ્યૂટરમાં થાય છે. તો ચોપડા પૂજન કેવી રીતે કરવું? કે પછી કોમ્પુટર સાથે ચોપડા પૂજન કરવું?” આવું વાક્ય સંભળાય ત્યારે આપણી કેટલીક પરંપરાઓ પાછળનું રહસ્ય જાણવાની ઈચ્છા ચોક્કસ થાય. સાત દિવસ ચાલતો આ તહેવાર ભારતનો મુખ્ય તહેવાર ગણી શકાય. આ વખતે આ તહેવાર પચીસમીએ શરુ થશે અને પહેલીએ પૂરો થશે. વિશ્વમાં આ પ્રકારનો અન્ય કોઈ તહેવાર યાદ આવે છે? તમે બરાબર વિચારો છો.
તહેવારને મેનેજમેન્ટના સિદ્ધાંત સાથે જોડી શકાય છે. કે વરસ પૂરું થતું હોય ત્યારે એક સપ્તાહ પરિવાર સાથે ઉજવણી કરવાથી નવા વરસે કામ કરવા માટેનું નવું જોમ પ્રાપ્ત થાય છે. એ તહેવાર પણ પ્રકાશનો તહેવાર જ છે. પણ ભારતમાં બધું જ કુદરત સાથેના સંતુલન સાથે કરવાનો નિયમ છે. ધન તેરસના દિવસે ધનની પૂજા થાય એ વાત તો બધાંને ખબર છે. પણ ત્યાર બાદ કોઈ નાણાકીય વ્યવહાર ન કરાય તેવો પણ એક નિયમ છે. ધન તેરસ પહેલાં બધાં જ હિસાબો પૂરા કરી દેવા પડે. કોઈને કાંઈ દેવાનું બાકી ન રખાય કે કોઈનું કાંઈજ લેવાનું બાકી ન રખાય. એક વાર એ જમા ઉધારના પાસા સરભર કરી જ દેવા પડે. કેટલો સરસ વિચાર છે? ચોપડા બાંધીને રાખી દેવાના. અને હિસાબ બરાબર હોયને એટલે લાગણીઓ પણ બરાબર જ રહે. આ કાર્ય બાદ જે ધન પ્રાપ્ત થયું છે તેની પૂજા કરવામાં આવે.
ભારતમાં ધનને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી જ તેમને સન્માન આપવાની વાત કરવામાં આવેલી છે. જે કંઈ ધન પ્રાપ્ત થયું છે તેમાંથી જરૂરી ખરીદી પણ ધનતેરસ પહેલાં જ કરી લેવામાં આવે. હવે જે ધન વધ્યું છે તે આખા વરસના અંતે પ્રાપ્ત થયેલી લક્ષ્મી છે. ધનતેરસના દિવસે સોનું ખરીદવાનો રીવાજ છે. પહેલાંના જમાનામાં ઇન્વેસ્ટમેન્ટ માટેની વ્યવસ્થાઓ ઓછી હતી. સોનું પૈસા કરતાં જગ્યા ઓછી રોકે. વળી જયારે જરૂર પડે ત્યારે તરત જ તેમાંથી પૈસા મળી જાય. તેથી સોનામાં ઇન્વેસ્ટ કરવાની વાત હતી. ધનતેરસની પૂજા પરિવાર સાથે થતી. તેથી પરિવારની સાથે રહેવાના સંજોગો પણ ઉદભવતાં. હવે કોઈ ધંધાકીય બાબતો રહેતી નહીં. માત્ર પરિવાર સાથે હકારાત્મક સમય વિતાવાતો. માનવની હકારાત્મક બાબતો માટેની જરૂરિયાતમાં તન, મન, ધન, સમાજ અને સંસાર ગણી શકાય. સાથે રહેવાથી ઘર સંસાર તો હકારાત્મક થવાનો છેજ.
ધનની હકારાત્મક્તાનો તહેવાર પણ ઉજવાયો. એટલે કે શ્રી લક્ષ્મીની પૂજા થઇ. હવે તન માટેની હકારાત્મક્તાની દેવી એટલે કે શ્રી મહાકાળીની પૂજાનો તહેવાર. કાળી ચૌદસ. આ દિવસે માતાજીને નૈવેધ કરવામાં આવે એટલે સમગ્ર પરિવારે ભેગા થવુંં જ પડે. દિવાળીના મુખ્ય તહેવાર પહેલાં પરિવાર ભેગો થઇ જાય. મહાકાળીની પૂજા સારું સ્વાસ્થ્ય આપી શકે છે. સારું મનોબળ આપી શકે છે. હવે આવે છે દિવાળી. શ્રી સરસ્વતીની પૂજાનો તહેવાર. આ દિવસે નવા ચોપડાનું પૂજન થાય. સમગ્ર પરિવાર સાથે હોવાથી નાના બાળકોને પણ ચોપડા વિશેનું જ્ઞાન રહે. આ પૂજન થાય ત્યારે ધંધાકીય જગ્યામાં મદદરૂપ થતાં લોકો પણ હાજર રહે. જેના કારણે પોતે આ પ્રક્રિયાના ભાગ છે તેવી લાગણીથી તેઓ જોડાય. બધાં સાથે મળીને તહેવાર મનાવે. એક પરિવાર જેવી લાગણી ઉદભવે. ત્યારે પછીનો દિવસ એટલે સામાજિક સ્વાસ્થ્ય સુધારવાનો દિવસ. પોતાના અંગત લોકોને મળીને તેમના સારા ભવિષ્ય માટે શુભકામના આપવા માટેનો દિવસ. વડીલોના આશિષ મેળવવાનો દિવસ. દરેક જાણીતી વ્યક્તિને મળી અને સંબંધોને પણ ચકચકિત કરવાની આ પ્રથા કેટલી અદભૂત છે?
ભાઈબીજના દિવસે ભાઈબહેનના ઘરે જાય. પોતાના પરિવારે જે પ્રાપ્ત કર્યું છે તેમાંથી બહેનને તેના માંગ્યા વિના સહજ રીતે એક ભાગ આપે. જેના કારણે સાસરીમાં તેનું સન્માન સચવાયેલું રહે. વળી ઘર વિષે સાચી માહિતી તહેવાર સમયે જ મળે. ભાઈ નજરથી પરિસ્થિતિ પામી પોતાની રીતે મદદ કરી શકે. ભલે પારકે ઘરે હોય પણ દીકરી તો પોતાની જ ગણાય ને? પછી બે દિવસના આરામ બાદ લાભ પાંચમના નવા ચોપડા ખુલે. નવો હિસાબ મંડાય. કોઈ બાકી દેવું કે લોન માથાં પર ન હોય એટલે સાચા અર્થમાં નવું જોમ આવે તે રીતે તહેવાર ઉજવાય. કેટલી સરસ પ્રક્રિયા હતી? વળી સંતોષમાં જ સુખ હતું. માણસ તેના વ્યવહાર અને જ્ઞાનથી પૂજાતો. આ તહેવારો દરમિયાન ઘરનો ઉંબરો પૂજી અને દરરોજ આંબાના પાનનું તોરણ બાંધવું જોઈએ. તેમ જ આ દરમિયાન સારો વ્યવહાર રાખવો જોઈએ. કારણ કે તે વ્યવહારની ઊર્જા સમગ્ર વર્ષ દરમિયાન રહે છે. સહુને દિવાળીની શુભકામના.