“મારી બાજુવાળો મને પ્રેમ કરવા દબાણ કરે છે. અને ના પાડું છું તો ધમકીઓ આપે છે.” “ પ્રેમ જાળમાં ફસાવીને પછી બળાત્કાર કર્યો.” “આને તો વારે તહેવારે પ્રેમ થઇ જાય છે. ખબર નહીં કેટલાંને પ્રેમ કરશે?” આવી વાતો સંભાળવા મળે ત્યારે વિચાર આવે કે આતો પ્રેમ છે કે વિકૃતિ? આ લોકોને પ્રેમની પરિભાષા સમજાય છે ખરી? પણ એક વાત સમજાય છે કે આ બધી જ વાતો નકારાત્મક છે. આ પ્રકારની નકારત્મક ઊર્જા કેવી રીતે ઉદભવે તે આપણે વાસ્તુના પરિપ્રેક્ષ્યમાં વિચારીએ.
જયારે નૈરુત્યનો દોષ હોય અને નૈરુત્ય તરફ માથું રાખીને સૂવાની વ્યવસ્થા હોય ત્યારે મનોવિકાર આવે. મન શાંત ન રહે અને સતત વિચારો આવ્યા કરે. વળી મોટાભાગે આવા વિચારો નકારાત્મક વલણ તરફ દોરનારા હોય તેવું બની શકે. થોડા સમય પહેલા સમાચાર હતાં કે એક વડીલ બહેન પોતાની પડોશમાં રહેતી યુવતીને પોતાની સાથે સંબંધ બાંધવા દબાણ કરતાં હતાં. જયારે સ્ત્રી વધારે સમયથી એકલી રહેતી હોય તો તેના માટે યોગ્ય સ્થાન છે અગ્નિ. પણ જો અગ્નિમાં વાયુનું પ્રતીક હોય તો નારીનું મન ચંચળ બને અને તેની આવી વિચારધારા ક્યારેક તેને વિવિધતા તરફ દોરી જાય. એમાં પણ જો પૂર્વનો અક્ષ નકારાત્મક હોય તો તે એવું કાર્ય કરે જેનાથી તેમનું સન્માન ઘટે.
કેટલાક આશ્રમમાં પણ નકારાત્મક ઘટનાઓ બને ત્યારે નવાઈ લાગે. જો આશ્રમનો ઇશાનના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હોય તો ત્યાં વિકારો આવી શકે. ઈશાનમાં રહેતી વ્યક્તિ જો યોગ્ય ઊર્જામાં ન રહેતી હોય તો તેના મનમાં વિકારો આવે પણ તે પોતાના મન પર કાબૂ કરી શકે. જો ઇશાનના અક્ષથી બનતા ત્રિકોણ ઉપરાંત નૈરુત્ય પણ નકારાત્મક હોય તો વિકૃતિ ઉપરાંત કોર્ટ કચેરી પણ થઇ શકે. જો એમાં પશ્ચિમનો અક્ષ નકારાત્મક હોય તો કોર્ટમાં નામોશી મળે તેવું બને. જો અગ્નિના ત્રણેય અક્ષ નકારાત્મક હોય તો નારીના કારણે આવી સમસ્યા ઉદભવી શકે. આ ઉપરાંત કૈક નવું અથવા પરાક્રમ કરવાના પ્રયોગમાં ક્યારેક વિકૃતિ આવી જાય તેવું બને.
જીવનમાં દરેક ચાર રસ્તા પર સાચો રસ્તો પસંદ કરવો પડે છે. જો વ્યક્તિ હકારાત્મક ઊર્જામાં રહે તો આ કાર્યમાં તેને સરળતા રહે છે. મિત્રની કોઈ જાતિ નથી હોતી. જયારે મિત્રને જાતિવાચક ઉપનામથી જોડવામાં આવે ત્યારે સમસ્યા થવાની સંભાવના રહે છે. વ્યક્તિ કુટુંબીજનોને પણ પ્રેમ કરી શકે અને કુદરતને પણ. ચિત્રકાર તેના ચિત્રને પ્રેમ કરે તો ચિત્ર આગળ અપેક્ષા શું રાખે છે? ચિત્ર પ્રેમની અભિવ્યક્તિ ન દર્શાવે તો તેને ધમકીઓ આપે છે? તો પછી માનવ પાસે અપેક્ષાઓ શા માટે?લાગણી અને અપેક્ષાઓ સાથે સાથે ચાલે છે તેવું ક્યાંક વાંચેલું. પણ જ્યાં સાચી લાગણી અને પ્રેમ છે ત્યાં અપેક્ષાઓને સ્થાન જ નથી મળતું. મીરાનો પ્રેમ સાચો હતો. તેની અપેક્ષાઓ શું હતી. તો શું આવો નિષ્કામ, નિશ્વાર્થ પ્રેમ મળે ખરો? જેમાં માત્ર આપવાની જ ભાવના હોય. સ્વને વિસારી અને સામેવાળાનો જ વિચાર થતો હોય. વ્યક્તિ જયારે વાસ્તુની સારી ઊર્જામાં રહેતી હોય અને ઇશાનની ઊર્જા ખૂબ જ સારી હોય ત્યારે આવું બની શકે.
સૌરાષ્ટ્રના એક પરિવારમાં એક યુગલના લગ્નને પચાસ વર્ષ પુરા થયાં. બધાને નવાઈ લાગતી હતી કે તેમની વચ્ચે કોઈ પણ વિષયને લઈને કોઈ જ ઉગ્રતા કે ચર્ચા થઇ ન હતી. જાણે એ બંને બે દેહ અને એક આત્મા સમાન હતાં. પરસ્પર માટેની સમજણ અદભૂત હતી. તેઓ એક નાના મકાનમાંથી વિશાળ ઘર સુધી પહોચ્યાં તેનું એક કારણ બંનેની એકબીજા માટેની સ્વીકૃતિ હતી. તેમના ઘરમાં મોટાભાગની વ્યવસ્થા વાસ્તુ આધારિત હતી. બંને ઈશાનમાં યોગ્ય વ્યવસ્થા સાથે રહેતાં હતાં. તેમની તિજોરી પણ ઈશાનમાં હતી. તેથી તેમના કમાયેલા પૈસા અન્યના કામ માટે વપરાતાં. પણ એ પણ બંનેનો શોખ હતો. દુઃખ શું તેની સમજણ જ ન હતી. દુઃખ વિશેની સમજણનો અભાવ પણ સુખી કરી શકે છે. આ યુગલના લગ્નને પચાસ વર્ષ પુરાં થયાં ત્યારે બધાને વિચાર આવ્યો કે આમના સંબંધોને આપણે સહજ રીતે લેતાં હતાં પણ આવી રીતે આટલાં બધાં વર્ષ કાઢવા તે અદભૂત વાત ગણાય. જયારે હકારાત્મક ઊર્જા મળે ત્યારે જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ પણ મળે છે. અને હકારાત્મક અભિગમ શ્રેષ્ઠ લાગણી અને પ્રેમની સમજ આપે છે. એ સમજ શ્રેષ્ઠ જીવન જીવવામાં મદદ કરે છે.