વિરાટથી સુક્ષ્મ સુધી દુનિયા એક જ છે, દુનિયા એક દોરથી બંધાયેલી છે. અન્ન એવો ઓડકાર અને આહારવિહાર એવી પ્રકૃતિ. ગ્રહો પણ મનુષ્યના જીવનમાં અનેક રીતે પોતાને વ્યક્ત કરે છે, ક્યારેક સંબંધોમાં તો ક્યારેક ઘટનાઓમાં. જેવી શનિદેવની કૃપા તેવો નોકરી ધંધો, જેવો શુક્ર તેવો ધનવૈભવ અને પત્ની/ પતિ. આમ દરેક ગ્રહ પોતે દરેકના જીવનમાં વ્યક્ત થાય છે. કેવું અદભૂત છે કુદરત અને મનુષ્યના જીવનનો તાલમેલ!
તમારી સોનાની વસ્તુ ખોવાય કે સોનાનું નુકસાન થાય ત્યારે તે ગુરુગ્રહ મંદ થવાની નિશાની છે. જયારે તમારા નામને બદનામ કરવામાં આવે ત્યારે પણ ગુરૂગ્રહનું બળ ઓછું થયું છે તેમ મનાય છે. આ પ્રકારની ઘટના ઘટે તો તેનો ઉપાય કોઈ સોના,ચાંદીનું દાન નહિ પરંતુ તમારા હાથવગો સરળ છે. આ પ્રકારની તકલીફમાં તમારે નાકને રોજ પાણી વડે સાફ રાખવું જોઈએ. કોઈ પણ કાર્ય શરુ કરતા પહેલા કે ધંધામાં શરૂઆત કરતા પહેલા સવારે નાકમાં હુફાળા પાણી વડે સફાઈ કરવાથી ગુરુગ્રહનો ઉપાય થાય છે. ચામડીનો રોગ આવી પડે અથવા પગના અંગુઠામાં દર્દ કે ખાલી ચડે તો તે શુક્રગ્રહ મંદ થવાની નિશાની છે. આ પ્રકારની ઘટના ઘટે તો ત્યારબાદ નુકસાન થવાની ઘણી સંભાવના રહે છે. શુક્રના ઉપાય માટે આવી ઘટના બાદ જાતકે બિલકુલસાફ અને નવા કપડા પહેરવા જોઈએ, અત્તરનો ઉપયોગ કરવો જોઈએ. બની શકે તો રેશમી અને સફેદ કાપડના કપડા શુક્રવારે પહેરવા, જે શુક્રનો પ્રભાવ ખુબ વધારે છે અને તેનો ઉપાય કરે છે.
ઘરમાં આગ લાગવી કે ઘરમાં કોઈ ભાગ તૂટી જવો એ શનિને તકલીફની નિશાની છે, જયારે પણ આ પ્રકારની ઘટના ઘટે તો શનિનો ઉપાય તુરંત કરવો જોઈએ. જાતકના શરીર પરના વાળને શનિનો સંબંધ છે, ખાસ કરીને ભ્રમર અને પલક પરના વાળજો વધુ ખરે તો તે પણ શનિના મંદ થવાના આસાર છે. તેના ઉપાય માટે શનિવારે તેલનું દાન અને પોતાના દાંતને સવાર સાંજ સાફ રાખવાએ શનિનો ઉપાય છે. પારંપરિક રીતે આપણે વડ કે બાવળનું દાંતણ પહેલા વાપરતા હતા, આ શનિનો અકસીર ઉપાય છે. દાંતની તકલીફને બુધ સાથે પણ સાંકળવામાં આવી છે, જો દાંતની તકલીફ અચાનક આવી પડે અથવા સુંઘવાની શક્તિ ના રહે તો આ બુધના મંદ થવાના લક્ષણ છે, બુધનો ઉપાય કરવો. તેની માટે પણ વડ કે બાવળનું દાંતણ કરવું ગ્રહનો દોષ દુર કરે છે.
હાથના નખ તુટવા, માનસિક હતાશા, યાદશક્તિ ગુમાવવી, અનેક લોકો સાથે ઝગડા થવા આ બધા રાહુના મંદ થવાની નિશાની છે. રાહુ મંદ થાય છે ત્યારે વ્યક્તિને અચૂક રીતે માથાના ભાગે તકલીફ થાય છે. રાહુને શાંત કરવા માટે પરિવારની સાથે રહેવું, રસોડામાં જ નીચે બેસીને જમવું, માથાના ભાગે શીખા રાખવી તેના સચોટ ઉપાય છે.
પગના નખ તુટવા, પેશાબના રોગ થવા અથવા પોતાની માતાને આજ પ્રકારની બિમારી થવી, સંતાન સાથે તકલીફ થવી અથવા સંતાનને તકલીફ પડવી, આ બધા કારણ કેતુ મંદ થવાની નિશાની છે. આનો ઉપાય ખુબ સરળ છે, થોડા સમય માટે કાન વિંધવાથી કેતુનો ઉપાય થાય છે. પગના અંગુઠા પર રેશમી સફેદ દોરો બાંધી રાખવાથી પણ કેતુનો ઉપાય થાય છે. રક્ત સંબંધી તકલીફ, સંતાનપેદા થઈને તરત ના રહેવું, જનન અંગોમાં તકલીફ મંગળ ગ્રહનો દોષ છે. મંગળ મંદ થવાની નિશાની ગણાય છે. તેના ઉપાયમાં હનુમાનજીની સેવા તથા આંખમાં સુરમો આંજવાથી મંગળનો દોષ દુર થાય છે. જ્યોતિષમાં સફેદ સૂરમાનો ઉલ્લેખ છે.
શરીરમાં હલન ચલન કરવામાં મુશ્કેલી પડે, શરીર જકડાઈ જાય, મોંમાં સતત લાળ આવ્યા કરે તો તેને સૂર્ય મંદ થવાની નિશાની કહે છે, તેનો ઉપાય ખુબ સરળ છે, સૂર્યને જળ ચડાવવું, રવિવારેઘઉંનો શીરો ગોળમાં બનાવી પ્રસાદ કરવો, રોજ સવારે પાંચ ઘૂંટ પાણી સાકર સાથે પીવું. આમ કરવાથી સૂર્યનો ઉપાય થશે તેમ જ્યોતિષમાં ઉલ્લેખ છે. પાણીના સ્રોત જેવા કે ટાંકી, કુવો,હેન્ડપંપ, પાણીની મોટર વગેરેમાં ખરાબી આવવી એ ચંદ્ર મંદ થવાની નિશાની છે. જાતકને ઘણીવાર સ્પર્શનો અનુભવ ના થાય તે પણ ચંદ્રના મંદ થવાની નિશાની કહેવાય છે. તેના ઉપાય માટે માતાના આશીર્વાદ, શંકર ભગવાનની પૂજા અને સોમવારે શંકર ભગવાનની આરાધના કરવી ઉત્તમ ઉપાય છે.
નીરવ રંજન