વહેમીલાં અને સ્વાર્થી પોતીકાંની પીડા આપે આ…

“સાહેબ, મારા એ મારા પર બહુ વહેમાય. મારી ગેરહાજરીમાં ફોન જૂએ. માનો કે તમારી સાથે વાત કરી હોય તો ચાર માણસોની વચ્ચે પૂછે કે કેમ વાત કરેલી. પાછું જે જવાબ આપીએ એમાં વિશ્વાસ તો કરવાનો જ નહીં. બસ પંચાત કર્યા કરવાની. મારા માબાપે પણ સમજાવ્યાં પણ એ માને તો ને? એક બહેને મને આ વાત કરી ત્યારે તેમના અવાજમાં ભારોભાર દુઃખ વર્તાતું હતું. આવું થવાનું કારણ જોતાં સમજાયું કે તેમના ઘરમાં બે અક્ષથી અગ્નિનો ઉત્તર તરફ બનતો ખૂણો નકારાત્મક હતો.

વળી દક્ષિણ મધ્યમાં દ્વાર હતું અને જમીનમાં વાયવ્યનો ભાગ ઉંચો હતો. ઉત્તરમાં ઊંચા વૃક્ષો હતાં. જેના કારણે ઘરના પુરુષનો આત્મવિશ્વાસ ઓછો હતો. આવા મકાનમાં ઘણીવાર પતિપત્નીના હિસાબ અને ખર્ચના ચોપડા પણ અલગઅલગ હોય. તેઓ પોતે કમાય અને પોતે વાપરે તેવું બને. અન્ય એક જગ્યાએ ઈશાનના ત્રણેય અક્ષ નકારાત્મક હતાં. ત્યાં પતિપત્ની બંને નોકરી કરતાં હતાં. પત્નીનું બેંક એકાઉન્ટ અલગ હતું. તેમાંથી પતિને એકપણ રૂપિઓ મળતો નહીં.વળી પતિ પોતાના પગારમાંથી પોતાના પરિવારને મદદ કરતો તે પણ પત્નીને ગમતું નહીં. એક બીજા માટે લેવાયેલી વસ્તુઓનો પણ પાઈપાઈનો હિસાબ માગી લેવાતો. ઘરમાં મહેમાન મદદ કરવા આવી શકે પણ માણવા ન આવી શકે તેવા સ્વાર્થી નિયમો હતાં. પૈસા ભેગા થતાં ગયાં અને માણસો વિમુખ થતાં ગયાં.

જયારે વાયવ્યનો દોષ આવા દોષમાં ભળે ત્યારે બંનેના સ્વભાવમાં સ્વાર્થ ઉમેરાય. એકબીજા સાથે  લડ્યાં કરે પણ જો કોઈને છેતરવાના હોય તો પાછાં ભેગા થઇ જાય. એક પરિવારમાં આવું એક યુગલ હતું. મીઠડાં. પહેલીવાર મળે તો માણસ પાણી પાણી થઇ જાય. એક માણસની સાથે મિત્રતા થઇ પોતાના સ્વાર્થી પરિવાર અને પોતાની સાલસતા વિષે બંનેએ મન ભરીને વાત કરી. ઘરે જવાથી વાતાવરણ વિપરીત લાગ્યું. બધાં આ બંનેથી ડરતાં. એ લોકો જેમ કહે તેમ કરતાં. પેલી વ્યક્તિનો આમના માટેનો અહોભાવ ઘટી ગયો. માણસે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં પોતાના આત્મસન્માન માટે વિચારવું જોઈએ. જયારે અન્યને કોઈ ખોટી માહિતી આપવામાં આવે છે ત્યારે વ્યક્તિ એ ભૂલી જાય છે કે, ક્યારેક તો એ સાચી વાત જાણસે અને પછી એક નવી જ લાગણી જન્મ લે છે.

નારી બધું જ સહન કરી લે પણ પોતાના ચારિત્ર પર થયેલા પ્રહારો કે પોતાના પુરુષના જીવનમાં આવેલી અન્ય સ્ત્રીને તે કોઈ પણ રીતે સહન નહીં કરી શકે. એક ભાઈ નોકરીના કામના બહાને વારંવાર બહારગામ જતાં. પત્ની ભોળી હોવાથી તે આ વાત માની લેતી. એકલા હાથે ઘર અને નોકરીમાં અટવાયેલી એ સ્ત્રીને પોતાના પતિ પર પૂરો વિશ્વાસ. અચાનક તેના પતિ તેના પર વારંવાર શક કરવા લાગ્યાં. માનસિક તણાવની અસર પેલી સ્ત્રીના કામ પર પડવા લાગી. હવે તેની મિત્રે સલાહ આપી કે તેના પતિની તપાસ કરે કે એ ક્યાં હોય છે. બધું જ ચલાવી લેનાર પત્નીને જયારે પતિના આ વ્યવહારનો તાળો મળ્યો ત્યારે તે ચોંકી ગઈ. નવી જગ્યાએ પતિનું આખું નવું કુટુંબ હતું. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનું આત્મસન્માન ઘવાયું હતું. જ્યાં પ્રેમ અને સમર્પણ હતું તે હૃદયમાં હવે માત્ર બદલો લેવાની ભાવના હતી. વાયવ્યના અક્ષથી જે અગ્નિ તરફથી આવતું હોય તેવા તીર જેવા આકારના અક્ષ બને છે તો ત્યાં આવી પરિસ્થિતિ ઉદભવે છે. માણસથી ભૂલ થઇ શકે. પણ જાણી જોઈને કરવામાં આવેલી ભૂલને ગુન્હો પણ ગણી શકાય.

સપ્તપદીના વચનોમાં છેલ્લું વચન મિત્રભાવે જીવવા માટેનું છે. શું પતિપત્ની સારા મિત્રો ન બની શકે? શું દરેક સંબંધમાં શારીરિક સંબંધ જ કેન્દ્રમાં છે? એકબીજાને સમજવાથી જીવન સુખરૂપ વીતી શકે છે. કોઈ પણ સંબંધમાં પ્રેમ કરતાં પણ વિશ્વાસ વધારે જરૂરી છે. જો પતિને પત્ની પર વિશ્વાસ ન હોય તો તે તેની પોતાની નિષ્ફળતા ગણાય. અને વહેમ રાખવો તે તો સહુથી ખરાબ ગણાય. વાયવ્યનો ખૂબ મોટો દોષ હોય અને અગ્નિના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હોય ત્યારે સ્ત્રી અથવા પુરુષના જીવનમાં અન્ય પાત્ર આવવાની સંભાવના વધી જાય છે. જો મકાનના દ્વાર સામે કોઈ પણ પ્રકારનો વેધ હોય તો આ સંભાવનામાં વધારો થઇ શકે છે. કોઈ ગમવું તે સહજ છે. કોઈ મિત્ર હોય તે પણ સહજ છે. પણ કોઈના માટેના આકર્ષણના કારણે વિશ્વાસઘાત કરવો તે યોગ્ય ન ગણાય. પુરુષનો આત્મવિશ્વાસ ઓછો હોય ત્યારે આવું બની શકે.