ઉચ્ચના અને સ્વગૃહી ગ્રહો એટલે સફળતા? એક અનોખી જન્મકુંડળીનો અનુભવ

જ્યોતિષનું અધ્યયન કરતા કરતા ઘણીવાર આશ્ચર્ય પમાડે તેવી ઘટનાઓ બનતી હોય છે. જ્યોતિષશાસ્ત્ર સમજવું સહેલું છે, પરંતુ તેને પચાવવું અઘરું છે. જન્મકુંડળી જોવા જઈએ ત્યારે પહેલી નજરે સાવ સામાન્ય લાગતા ગ્રહોએ મનુષ્યને ઉચ્ચ સ્થાને બેસાડ્યો હોય તો ઘણીવાર શ્રેષ્ઠ ગ્રહોનું પરિણામ નેષ્ટ આવ્યું હોય તેવુંય બને. આ બધા અનુભવ પહેલી નજરે થાય છે, પરંતુ જો જન્મકુંડળીનું તાર્કિક રીતે અને પદ્ધતિસર અભ્યાસ કરો તો જ તમે એને ખરા અર્થમાં મુલવી શકો. જ્યોતિષને ચાર પાંચ પુસ્તકોમાંથી ના શીખી શકાય. તેની માટે ગુરુ હોવા આવશ્યક છે.

વિમાન કેમ ઉડે છે તેના નિયમ વિજ્ઞાનનો વિદ્યાર્થી આસાનીથી કહી શકશે, પરંતુ આની બીજી બાજુ જોઈએ તો વિમાન બનાવવું તે અત્યંત કઠીન છે. બરાબર તેમ જ જ્યોતિષ સમજવું અતિ સહેલું અને તેને વ્યવહારમાં ઉતારવું અતિ જટિલ છે, બીજા શબ્દોમાં ગુરુગમ્ય છે. માત્ર સાચો ગુરુ જ અસલ જ્યોતિષનો રસ્તો બતાવી શકે.

થોડા દિવસ પહેલા મારે આવી જ એક અટપટી જન્મકુંડળીનો સામનો થયો,જન્મકુંડળીની વિગત: ૨૭.૦૮.૧૯૮૪, ૦૬:૫૫ સાંજે, જન્મસ્થળ: અમદાવાદ. જન્મકુંડળીમાં કુંભ લગ્ન છે. મંગળ, ગુરુ અને સૂર્ય સ્વગૃહી છે. શનિ ઉચ્ચસ્થ છે. શુક્ર કન્યા રાશિમાં નબળો છે. લગ્નરાશિ: કુંભ, ચોથે રાહુ, સાતમેસૂર્ય, બુધ અને ચંદ્ર, આઠમે શુક્ર, નવમેશાની, દસમેમંગળ અને કેતુ અને લાભ ભાવે ગુરુ. જન્મકુંડળીમાં આંખે ઉડીને વળગે એવી વાતકે ચાર મોટા ગ્રહો, સ્વગ્રહીકે ઉચ્ચસ્થ છે. જ્યોતિષના સામાન્ય અભ્યાસના નિયમો મુજબ તો જન્મકુંડળી શ્રેષ્ઠ જ કહેવાય. સ્વગૃહી ગ્રહો હમેશા શુભ ફળ આપે તેવું આપણે સૌ જાણીએ છીએ.

પહેલી નજરે સુંદર લાગતા ગ્રહોનું હવે પરિણામ જોઈએ. આટલા સુંદર ગ્રહો છતાં જાતક સામાન્ય જીવન જીવે છે, અને સામાન્ય કરતા વધુ તકલીફો તેમણે અનુભવી છે. દસમે મંગળ સ્વગૃહી હોવા છતાં કારકિર્દી હજી સામાન્ય નબળી છે. મંગળની દશામાં વિદેશ ગમન નિષ્ફળ રહ્યું છે. શનિ‘ઉચ્ચ’નો નવમે હોવા છતાં વિદેશ ગમન નિષ્ફળ રહ્યું. સાતમે સૂર્ય સ્વગૃહી છતાં લગ્ન ખુબ મોડે થયા, ૩૧માંવર્ષે લગ્ન થયા. અગિયારમે લાભ સ્થાનમાં ગુરુ સ્વગૃહી છે જે લગ્નેશ છે. જાતકની આવક સામાન્ય છે, ગુરુથી પ્રદર્શિત થાય તેવી કોઈ આવક નથી.

મેં જયારે જન્મકુંડળી અને જાતકને સરખાવ્યા તો આશ્ચર્ય થાય તે સહજ હતું, પરંતુ કોયડા જેવી આ કુંડળીનુંરહસ્ય, તેનો ઊંડાણથી અભ્યાસ કરતા તરત જણાઈ આવ્યું.

જન્મકુંડળીનો આધાર જન્મલગ્ન છે, અહી જન્મલગ્નને તપાસીએ તો જન્મલગ્ન પર, મારક, રોગેશ અને અનિષ્ટકારી મંગળની દ્રષ્ટિ છે. જે જન્મલગ્નને દુષિત કરે છે. મંગળની દશા નિષ્ફળ છે, તેનું કારણ મંગળ અહી તૃતીયેશ થઈને પાપગ્રહ છે, વળી મંગળ કેતુ સાથે યુતિમાં છે. મંગળ સ્વગૃહી થતા તેનું પાપગ્રહ તરીકેનું વર્ચસ્વ જાળવી રાખે છે. સ્થિર લગ્નમાં નવમ અને તૃતીય ભાવ બાધકનું કાર્ય કરે છે, મંગળ તૃતીય ભાવના અધિપતિ તરીકે પાપફળ આપે છે.

જન્મકુંડળીએ પ્રકાશપુંજ સમાન છે, તોગ્રહદશા આ પ્રકાશપુંજને માનવ સાથે જોડતો દૈવીતાર છે. મહાદાશાનાથનું ગોચર ભ્રમણ અને મહાદશાનાથની સ્થિતિ જાતકને સૌથી વધુ અસરકર્તા છે.

આ જન્મકુંડળીમાં જાતકની પ્રગતિના મહત્વના સમયે, ચંદ્ર, મંગળ અને રાહુની દશાઓ ચાલી. ચંદ્ર રોગેશ છે, મંગળ તૃતીયેશ પાપગ્રહ થયો, અને આવક માટેના મહત્વના સમય એટલે ૩૦માં વર્ષે રાહુની દશા આવી.

ઉચ્ચ કે સુખદાયી સ્વગૃહી ગ્રહોમાંનું કોઈ મહાદશામાં આવી શક્યું નથી. પરિણામે જીવનમાં સામાન્ય પ્રગતિ જ થઇ શકી. ઉલટાનું રાહુ મહાદશાનાથ તેશુક્રની રાશિમાં રહી,શુક્રનું ફળ આપે છે, શુક્ર નીચનો ૦ ડીગ્રીનો આઠમે છે, માટે રાહુની મહાદશામાં પણ કોઈ ચમત્કાર જ સારું પરિણામ આપી શકે તેવી સ્થિતિ છે. જાતકનું જીવન હજુ ઘણું શેષ રહ્યું છે, આશા રાખીએ કે આ ગ્રહો તેમને જીવનમાં પ્રગતિ આપે. પરંતુ સારી કુંડળી હોવા છતાં મહત્વના સમયે બળહીન ગ્રહોની મહાદશાએ જાતકનો મહત્વનો સમય પણ સામાન્ય કરી નાખ્યો છે, તે પણ હકીકત છે.

આમ, જન્મકુંડળી થકી ફળકથન કરતા સમયે જન્મના ગ્રહો સાથે વિશોત્તરી દશામાં તત્કાલીન કયો ગ્રહ મહાદશા અધિપતિ છે, તેનું મહત્વ જરાયે ઓછું ના આંકતા.વ્યક્તિ, ઘટનાઓ અને ગ્રહો જેવા દેખાય છે તેવા હોતા નથી એ સરળ વાત યાદ રાખજો.