“બેન મારો દીકરો કેવો દેખાય છે? આખા મોઢા પર ખીલ છે અને આંખો નીચે કાળા કુંડાળા થઇ ગયા છે. કોઈ જોવા આવે તો તરત જ ના પાડી દે છે. આટલું ભણ્યો અને સ્વભાવ પણ સારો છે પણ આ ઉમરમાં ખીલ થાય એવું કોઈ માનવા તૈયાર નથી થતું. એવું કહે છે કે ખીલ સોળ વર્ષે થાય અઠ્યાવીસ સુધી ન હોય.” હોમીઓ હિલ ફાઉન્ડેશનના કેમ્પમાં જવાનું થયું ત્યારે આવો સવાલ સાંભળ્યો અને તરત જ વિચાર આવ્યો કે ખીલ એ પણ સુંદરતા માટે બાધક ગણાય. અને વળી જેને ખીલ થયા હોય તેને તકલીફ પણ થાય. ખીલમાં પાણી ભરાય, ક્યારેક પરુ પણ થાય અને દુખે પણ ખરા. વળી કોઈને મોઢા પર તો કોઈને પીઠ પર પણ ખીલ થાય અને કોઈને તો માથા પર પણ ખીલ થાય. તો આ ખીલની સમસ્યાને ઊર્જાના વિજ્ઞાન સાથે કોઈ સંબંધ હોય તેવું બને? આવો વિચાર પણ આવે જ.
અગ્નિ ખૂણાના બે અક્ષ નકારાત્મક હોય ત્યારે ખીલની સમસ્યા આવી શકે. એમાં પણ પુએવ ના અક્ષથી અંગ્રેજી c બનતો હોય તે રીતે નકારાત્મક અક્ષ બનતા હોય ત્યારે ખીલમાં પાણી ભરાય તેવું બને. જો ચારેય મુખ્ય અક્ષ નકારાત્મક હોય તો તેમાં પરુ ભરાય તેવું બને. મધ્ય ગુજરાતમાં એક પરિવાર રહેતો. બધાજ ખુબજ સુંદર દેખાય. ઉમરમાં નાના અને રૂપાળા દેખાતા પરિવારજનો તેમની સુંદરતા માટે ચર્ચામાં પણ રહેતા. કોઈક મજાકમાં પૂછતા પણ ખરા કે “કૌનસી ચક્કી કા આટા ખાતે હો? “ અને તેઓ હસીને કહેતા કે ઘરે જ ઘર ઘંટી છે. તેઓને અમદાવાદ શિફ્ટ થવાનું થયું અને અચાનક ચામડીની સમસ્યા શરુ થઇ. પીઠમાં ને મોઢા પર ખીલ થવા લાગ્યા. કોઈએ કહ્યું કે પ્રદુષણની અસર છે તો કોઈ એ સાબુ બદલવા કહ્યું. કેટલાક લોકો એ તો એમાં પણ બિઝનેસ કરી લીધો. તેમના ઘરમાં અગ્નિથી બનતો ત્રિકોણ નકારાત્મક હતો. થોડા સમયમાં ખીલ માંથી પાણી નીકળવાનું શરુ થયું અને પછી પરુ. તકલીફ વધતી ગઈ અને દેખાવ બદલાતો ગયો.
આજના જમાનામાં જયારે દેખાવને વધારે પડતું મહત્વ આપાય છે ત્યારે તો ખીલના દુખાવા કરતા પણ ખીલથી બદલાતા દેખાવની ચિંતા વધારે રહે. જાત જાતની ટ્રીટમેન્ટ પાછળ ખર્ચા પણ થવા લાગ્યા. કેટલીક દવાની એલર્જી પણ થઇ. અને હવે તો ઘરમાંથી બહાર નીકળવાનો આત્મવિશ્વાસ પણ ઘટવા લાગ્યો. ખીલ સાથે અન્ય સમસ્યાઓ પણ ભળી. કોઈના કહેવાથી બ્રહ્મમાં કોઈ વસ્તુ મુકવામાં આવી અને પછી આત્મવિશ્વાસ તળીએ બેસી ગયો.
ઘણી વખત કોઈ ખોટી સલાહ પણ તકલીફ વધારે છે. અન્ય એક જગ્યાએ બધુજ બરાબર ચાલતું હતું અને અચાનક ઘરમાં ત્રણ જણને ખીલ થવા લાગ્યા. પાછા બધાને અલગ અલગ પ્રકારના ખીલ. અગ્નિ પૂર્વ અને દક્ષીણનો દોષ હતો તેથી દીકરીને ચહેરા પર ખીલ થયા. તે ખીલ થયા બાદ ડાઘ રહી જતા. એક દીરાને ચહેરા પર અને પીઠ પર ખીલ થઇ અને પરુ ભરાતું તો બીજા દીકરાને ખીલ થઇ અને પાણી ભરાતું.
થોડા સમય પછી માથામાં પણ ખીલ થવાના શરુ થયાં. મૂળભૂત રીતે આ બધા ઘરમાં અલગ અલગ જગ્યાએ રહેતા હતા. અને જેતે જગ્યાની નકારાત્મક ઉર્જાની અસર તેમના પર અલગ અલગ રીતે થતી હતી. ક્યારેક એવું પણ બને કે વ્યક્તિ લાંબો સમય કોઈ જગ્યાએ રહી અને કામ કરતી હોય તો તેની ઉર્જા પણ તેના જીવનને અસર કરતી હોય છે. ક્યારેક એવું જોવા મળે છે કે એક જ જગ્યાએ એકજ દિશામાં બેસીને કામ કરતી વ્યક્તિઓને અમુક સમસ્યાઓ પણ સરખી હોય છે. કોઈ એવો સવાલ જરૂર પૂછી શકે કે આવું શક્ય બને ખરું? આપણે ચુંબકની બાજુમાં લોખંડનો ટુકડો લાંબા સમય સુધી મૂકી રાખીએ તો તે પણ ચુંબકીય અસર ધરાવવા લાગે છે. આવી જ રીતે જે તે ઉર્જામાં વ્યક્તિ લાંબો સમય રહે તો તે પેલી ઉર્જાના પ્રભાવમાં આવી અને તેના પરિણામો ભોગવી શકે છે. વળી દરેક વ્યક્તિ અને દરેક વસ્તુ એક બીજાથી અલગ છે તેથી દરેક જગ્યાની અસર અલગ અલગ હોઈ શકે.
બાહ્ય દેખાવથી પ્રભાવિત થનારા સમાજમાં ચહેરા પરના ખીલને ખુબજ મોટી સમસ્યા ગણવામાં આવે છે. અમુક ઉમરમાં અંતસ્ત્રાવ બદલવાની ક્રિયાના ભાગ રૂપે પણ ખીલ થતા હોય છે. પણ જો અમુક પ્રકારની નકારાત્મક ઉર્જા હોય તો તે વધારે તકલીફ આપે છે. કોઈ પણ સમસ્યાને સ્વીકારીને અને તેનું નિરાકરણ લાવી શકાય. ભારતીય વાસ્તુમાં આવા પ્રકારની સમસ્યાનું નિરાકરણ છે.