મનુષ્યનું સામાજિક, માનસિક અને શારીરિક જીવન ગ્રહોના આધારે વણાયેલું છે. સૂર્ય અને ચંદ્રની ગતિના આધારે જ આપણા મોટા ભાગના તહેવાર અને સામાજિક પ્રસંગની વ્યવસ્થા થયેલી છે. જાણીને નવાઈ લાગશે પરંતુ આપણું નાણાકીય વર્ષ પહેલી એપ્રિલે શરુ થાય છે, તેનું પણ કારણ સૂર્યની ગતિ જ છે. દર વર્ષે સૂર્ય ૧૫ એપ્રિલની આસપાસ પ્રથમ રાશિ મેષમાં પ્રવેશ કરે છે. સૂર્યદેવ બારેય રાશિઓમાં પરિભ્રમણ કરીને ફરીથી મેષ રાશિમાં જયારે પ્રવેશ કરે છે ત્યારે નવું નાણાકીય વર્ષ શરુ થાય છે.
ઘડિયાળમાં બાર અંક છે, આ અંકો બાર જ કેમ રાખવામાં આવ્યા? તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ હું રહ્યો જ્યોતિષી એટલે સ્વાભાવિક છે કે મને બધા કારણોમાં ગ્રહો અને નક્ષત્રના સંબંધ દેખાઈ આવે. મારા મતે બાર રાશિઓને જ ઘડિયાળમાં બાર ભાગ તરીકે મૂકી દેવામાં આવી હશે. વર્ણઅક્ષરો ૨૭ ગણાય છે, આ ૨૭ અક્ષરો કેમ માત્ર ૨૭ જ થયા? મારામતે ૨૭ નક્ષત્રોના એક એક વર્ણઅક્ષરને લઈને ૨૭ મૂળાક્ષરો મુકવામાં આવ્યા છે. સમગ્ર ગણિતનોપાયો એટલે કે ૧ થી ૯ અંકોની પદ્ધતિ જ કેમ વિકાસ પામી? તેનું કારણ તમે સમજી ગયા હશો, ગ્રહો પણ નવ જ છે, દરેક ગ્રહનો એક અંક છે, તેને ગણિતમાં સ્થાન મળ્યું છે. કાળક્રમે આ ગુપ્ત રહસ્યો ધીરે ધીરે લુપ્ત થતા ગયા છે. બધા શાસ્ત્રોથી ઉપર એવા જ્યોતિષનેઆજે જલ્દી લોકો સમજી નથી શકતા, તેનાથી દુઃખ પણ ઉપજે છે. સર્વતો ભદ્રચક્રમાં આખાય સંસારનું દર્શન થઇ જાય છે, આ ચક્રની અંદર બધી જ વિગતો ગુપ્તતાથી ભરી દેવામાં આવી છે.
વર્ષ દરમિયાન અમુક દિવસો એવા છે જયારે તમે સાધના અને સેવા પૂજા કરો તો તમારા મન, આત્મા અને શરીરને શાંતિ અને સફળતાનો અનુભવ થાય છે. સાધના ગમે તે દિવસે શરુ ના થઇ શકે. સાધના માટે સૃષ્ટિ અથવા પ્રકૃતિની પરવાનગી હોવી જોઈએ. સુક્ષ્મ તત્વો સાથે મેળાપ થવો જોઈએ. મન અને શરીર બંને કાબુમાં હોવા જોઈએ, તો જ મનુષ્યના સાતેય શરીર અને સાતેય ચક્રો એકસાથે એક દિશામાં ચાલવા લાગે છે અને સાધક ચેતનાનેપાર પહોંચી જાય છે, ભૌતિક કાટમાળમાંથી બહાર નીકળીને વિશુદ્ધ ચેતનાનો અનુભવ કરવા લાગે છે.
નીચે વર્ષના એ દિવસો જણાવેલ છે, જેમાં સૂર્ય, ચંદ્રની ગતિ ભ્રમણ તમારી સાધનામાં મદદ કરનાર હશે. સાધનાની શરૂઆતે ચંદ્રનું નક્ષત્ર સૌમ્ય લેવું.શુક્લ પક્ષમાં ૫,૧૦ કે પૂનમે જો ગુરુવાર આવે તો ઉત્તમ.મેષ, તુલા અને ધન રાશિનો સૂર્ય થાય ત્યારે, તે મહિનો અગાઉથી નોંધી લેવો.મેષ, તુલા અને ધન રાશિનો સૂર્ય થાય ત્યારે, તે માસમાં જયારે ચંદ્રમેષ, તુલા અને ધન રાશિમાં આવે ત્યારથી આખો શુકલ પક્ષ ધ્યાન સાધના માટે ઉત્તમ છે. મોક્ષ પ્રાપ્તિ માટે મીન રાશિનો સૂર્ય થાય ત્યારે, તે માસમાં જયારે ચંદ્ર મીન રાશિમાં આવે ત્યારથી આખો શુકલ પક્ષ ધ્યાન મોક્ષ સાધના માટે ઉત્તમ છે.
આત્મ સાધના અને સાક્ષાત્કાર માટે મેષ રાશિનો સૂર્ય થાય ત્યારે, તે માસમાં જયારે ચંદ્ર મેષ રાશિમાં આવે ત્યારથી આખો શુકલ પક્ષ ધ્યાન આત્મસાધના માટે ઉત્તમ છે. પૂર્વભવની પીડા કે ખરાબ કર્મના પ્રાયશ્ચિત કરવા માટે સિંહ રાશિનો સૂર્ય હોય ત્યારે કર્ક રાશિનો ચંદ્ર થાય ત્યારથી ચંદ્ર તુલા સુધી જાય તે દિવસો પ્રાયશ્ચિત, મંત્ર, તંત્ર માટે ખુબ શક્તિશાળી ગણાય છે. ઉપર મુજબ ગણતરી કરતા, નજીકના ભવિષ્યમાં તારીખ ૪ મે ૨૦૧૯ થી૧૮મે ૨૦૧૯ ઉત્તમ ગણાશે, ત્યારબાદ૨૮ ઓગષ્ટ ૨૦૧૯થી ૦૪ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીનો સમય સાધના માટે ઉત્તમ છે. પંચાંગ મુજબ પણ જોઈએ તો તારીખ ૪ મે ૨૦૧૯ થી૨૦મે ૨૦૧૯ની મધ્યે વૈશાખમાં દસમીએ તીર્થંકર મહાવીર પ્રભુને કેવળ જ્ઞાન થયું હતું તે દિવસ આવે છે, અને ૧૮ મે ૨૦૧૯એ વૈશાખ પૂનમે ભગવાન બુદ્ધનો જન્મ બુદ્ધ પૂર્ણિમા પણ આવે છે. આમ, સમજી શકાશે કે સૂર્ય, ચંદ્ર અને તેમની ગતિ, મનુષ્યના મન, શરીર અને આત્માના વિકાસ સાથે જોડાયેલા છે.
નીરવ રંજન