માણસ જયારે અકુદરતી જીવન કે સૃષ્ટી વિરુદ્ધના કૃત્યની વાત કરે ત્યારે તે હાસ્યાસ્પદ લાગે છે. માણસનું જીવન જ અકુદરતી છે. અને એ ઘણું બધું એવું કરે છે જે સૃષ્ટી વિરુદ્ધ નું છે. વિશ્વના કેટલા જીવ કપડા પહેરે છે? કેટલા જીવ રાંધેલું ખાય છે? કેટલા જીવ બહુમાળી મકાનોમાં રહે છે? કેટલા જીવ વાહનો વાપરે છે? કેટલા જીવ પોતાના સ્વાર્થ માટે વૃક્ષો કાપે છે? કેટલા જીવ મશીન વાપરે છે? કેટલા જીવ હથિયાર વાપરે છે? આવા અસંખ્ય સવાલો નો જવાબ માત્ર એકજ આવે અને તે છે માત્ર માણસ. એટલે કે પૃથ્વી પરના અન્ય જીવો કરતા માણસ અલગ જીવન જીવે છે. અન્ય જીવો સૃષ્ટી સાથે સંતુલન સાધીને જીવે છે. અને માણસ તો શાંતિની વાટાઘાટ કરવામાં પણ યુદ્ધ સુધી પહોંચી શકે છે. ટૂંકમાં માણસનું જીવન સૃષ્ટી સાથે સંતુલન ધરાવવાની માનસિકતા સાથે જોડાયેલું નથી. ભારતના વૈદિક સમયમાં માણસ આવું જીવન જીવતો હતો. શું એ પરમ્પરા ને ફરી જાગૃત ન કરી શકાય?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે દર્શાવેલ ઈમેલ પર પૂછી શકો છો.
સ: મારા ઘરનો દરવાજો દક્ષિણમાં છે. અમને કોઈએ કહ્યું કે એના બહુ ખરાબ પરિણામો આવે. પછી ખુબ ડર લાગે છે. ઉપાય જણાવશો.
જ: તમે કોઈના કહેવાથી ડરવા લાગ્યા એ તો ખુબ ખરાબ કહેવાય. વળી જેમણે એ સુચન આપ્યું એ વ્યક્તિને વાસ્તુની સાચી જાણકારી હતી? તમે બીમાર પડો તો કોઈ પણ વ્યક્તિ પાસે ઓપરેશન કરાવશો? કે સાચા નિષ્ણાત પાસે જશો? જે વિષય જીવનના બધાજ સુખ સાથે જોડાયેલો હોય એમાં કોઈ પણ વ્યક્તિની સલાહ કેવી રીતે માની લેવાય?
દક્ષિણ દિશા વિષે ઘણી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. અને જેમને વસ્તુ વિષે સાચી સમજણ નથી એ લોકો ડરાવવાનું કામ કરે છે. આ અત્યંત દુખદ બાબત છે. ભારતીય શાસ્ત્રોની રચના પાછળ હજારો વરસો લાગ્યા. અને ચાર પાંચ નિયમોથી એને સમજવાની વાત એ અજ્ઞાન અને અંધશ્રદ્ધા છે. ભારતીય વાસ્તુમાં ગણિતનું ખુબ જ મહત્વ છે. અને જો સાચા નિયમોને સમજીએ તો દરેક મુખ્ય દિશા, એટલે કે ઉત્તર, દક્ષીણ, પૂર્વ, પશ્ચિમ માં એક એક દ્વાર તો સારું છે જ. એટલે કે કોઈ પણ દિશા સંપૂર્ણ ખરાબ નથી. અને કોઈ પણ દિશા સંપૂર્ણ સારી પણ નથી.
બની શકે કે તમારા ઘરનું દ્વાર એ દક્ષિણનું સારું દ્વાર હોય. કોઈ નિષ્ણાત ની સલાહ વિના આવી વાતો પર વિશ્વાસ ન કરવાની સલાહ છે. તમે આ સવાલ પૂછી અને તમાર જેવા ઘણા બધાને પણ મદદ કરી છે. એ લોકો પણ ખોટા ભય માંથી બહાર આવી જશે.
સ: મને અલગ અલગ રીલ જોઇને બધું શીખવાનો શોખ છે. મેં એમાંથી ઘણું જ્ઞાન મેળવ્યું છે. પણ વાસ્તુની રીલ્સ જોઇને મુન્જવણ થાય છે. એક રીલમાં કહે છે કે ચંપાનું ઝાડ વાવવું જોઈએ. તો બીજીમાં કહે છે કે ચંપાના ઝાડ થી તકલીફો આવે. ત્રીજામાં કહે છે કે ચંપો ન જ વવાય. તો ચોથામાં એને શુભ કહે છે. આનો અર્થ તો એવો જ થાય ને કે હાથે કરીને દુખી થાવ? કશું જ સમજાતું નથી. તમે જ્ઞાનના ભંડાર છો. સાચી સલાહ આપો.
જ: રીલ્સ મનોરંજન માટે જુઓ તે બરાબર છે. પણ જ્ઞાન માટે એ ન ચાલે. વરસોની સાધના એક બે મીનીટમાં સમજાવી શકાય? તમારા અનુભવ પછી તમને સમજાયું હશે કે રીલ્સ બનાવવા માટે કોઈ અભ્યાસ કે રિસર્ચની જરૂર નથી પડતી. બસ સામે વાળાને મજા આવે એવું બોલી શકાય.
ચંપાનું ઝાડ આંગણામાં ન વવાય. સોસાયટીમાં પણ ન વવાય. પણ પબ્લિક ગાર્ડનમાં વાવી શકાય.
સુચન: સપ્તપરણી નું ઝાડ ઘરથી નજીક ન વવાય. એનાથી શ્વાસના રોગ થવાની સંભાવના વધે છે.
આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com