કેટલી બધી આગ? દિવસ ઉગે અને આગના સમાચાર ન હોય તેવું ન બને. ચારે બાજુ જાણે આગ ના સમાચારોજ જોવા મળે છે. આગ લાગે તો શું કરવુંની માહિતી પણ ઠેર ઠેર જોવા મળે છે. તો આગના લીધે મૃત્યુ પામેલાના પરિવારોની વેદના પણ દેખાય છે. એક આગેતો સમગ્ર રાજ્યમાં બધાના હૈયા હચમચાવી મુક્યા. વળી આગ માત્રરસોડામાં રસોઈ કરવા પુરતી સીમિત હોય તો ગમે. પણ તેની ભયાનકતા તો કોને ગમે? ક્યારેક વિચાર પણ આવે કે સામાન્ય માનસમાં જીવન પ્રત્યેની આગ ઓછી થઇ રહી છે તેથીતો આ આગ નહિ લાગતી હોયને? કે ક્યાંક પેલો માણસમાંનો માણસ ફરી જીવિત થઇ જાય?
વાસ્તુના સંદર્ભમાં વિચાર કરીએ તો આગ લાગવાના બનાવો પાછળ પ્રાથમિક રૂપે અગ્નિ તત્વનો દોષ હોઈ શકે. અગ્નિતત્વ નકારાત્મક હોય તો તે જઠરાગ્ની ને તકલીફ આપે. તેથી એસીડીટી, અપચો, મેદસ્વીતા, પાઈલ્સ, જેવી બીમારી આવી શકે. કામાંગ્નીને પણ આ તત્વ અસર કરે છે તેથી તેની નકારાત્મકતા કામને લગતી નકારાત્મકતા આપી શકે. જયારે આગ લાગવાના બનાવો વધારે બને ત્યારે આવા સમાચારો પણ વધે. અગ્નિ તત્વને લગતી બીમારીઓ પણ વધે.તન, મન થી તકલીફમાં આવનારને ધન પ્રત્યે ઉદાસીનતા આવે તે સ્વભાવિક છે. હા, અગ્નિતત્વ ગ્લેમર સાથે પણ જોડાયેલું છે. જેમાં શારીરિક અને આર્થિક દેખાડા પણ આવેજ ને? આમ અગ્નિ તત્વ હકારાત્મક હોય તો તેની સાથે જોડાયેલી દરેક પ્રવૃત્તિપણ હકારાત્મક બને છે.
મુંબઈમાં એક ઘરમાં વારંવાર આગ લાગતી. કોઈ પણ સારો દિવસ હોય બધા રાજી હોય અને આગ લાગે. કઈ મોટું નુકશાન ન થાય પણ વારંવાર આગ લાગે તેવું કોને ગમે? કોઈએ આત્માની વાત કરી તો કોઈએ વડવાઓની. કોઈએ વળી કાળા જાદુની પણ વાત કરી. એમના ઘરમાં પૂર્વી ઈશાનનો ભાગ ઘરમાંથી બહાર હતો અને અગ્નિનો આખોજ ભાગ બહાર હતો. વળી ત્યાં બાલ્કની પણ હતી.ઈશાનમાં વજન હતું અને વાયવ્યનો દોષ હતો. પહેલી વાર જે દીવા ગોઠવેલા હતા તેમાંથી એક ઊંધું પડી જતા આગ લાગી હતી. બીજી વાર, માણસોને આપવાના કપડા પર દીવાસળી પડતા આગ લાગી હતી. ત્રીજી વાર નાના બાળકે તારામંડળ ફેંકતા આગ લાગી હતી.
આ બધામાં કોમન એ હતું કે આગ અગ્નિ દિશાથી શરુ થઇ હતી. કોઈએ હવન કરાવ્યા તો કોઈએ વસ્તુઓ મુકાવી. કોઈએ દોરા બંધાવ્યા તો કોઈએ વિધિ પણ કરાવી. અંતે ઉર્જામાં ફેરફાર થતાજ આગ લાગવાનું બંધ થયું. અગ્નિ દિશા માટે ઘણી વાર સવાલ પુછાય છે કે અગ્નિ દિશા એટલે કઈ દિશા. કેટલાક લોકો તેને અગ્નિ ખૂણો પણ કહે છે. પણ તેને દિશા સમજવાનું જ વધારે યોગ્ય ગણાશે. પૂર્વ અને દક્ષિણની વચ્ચેની દિશાને અગ્નિ દિશા ગણવામાં આવે છે. આ દિશાના ત્રણ ભાગ કરવામાં આવે તો મધ્ય ભાગને અગ્નિ મધ્ય, પૂર્વ તરફના ભાગને પૂર્વ અગ્નિ તથા દક્ષીણ તરફના ભાગને દક્ષીણ અગ્નિ કહેવામાં આવે છે. જે લોકો આ આર્ટીકલ્સને અભ્યાસ માટે ઉપયોગમાં લે છે તેવા લોકો માટે આ માહિતી ખુબજ મદદરૂપ થાય તેવી છે.
અન્ય એક મકાનમાં પૂર્વ મધ્યમાં દાદરો હતો અને અગ્નિનો ભાગ ઘરમાંથી બહાર નીકળેલો હતો. આ જગ્યાએ પૂર્વ કરતા પશ્ચિમ માં માર્જીન વધારે હતા. મુખ્ય દ્વાર ઈશાનનું હતું. અહી બધુજ સુખ હતું પણ આગ લાગવાના બનાવો બનતા હતા.અહી પૂર્વ અગ્નિમાં મુખ્યત્વે આગ લાગતી હતી. અન્ય જગ્યાઓ હકારાત્મક હોવાના કારણે સામાન્ય નુકશાન જ થતું હતું. જો સમગ્ર જગ્યા હકારાત્મક હોય તો અગ્નિની નકારાત્મકતા મોટું નુકશાન કરી શકતી નથી. હમણાં લાગેલી આગની ઘટનામાં નવું બાંધકામ નકારાત્મક હતું. તેથીજ જયારે એક્સટેન્સન કે રીનોવેશન કરવાનું થાય ત્યારે વાસ્તુના સંદર્ભમાં વિચાર કરવો જરૂરી છે. કારણકે માણસ ના જીવ કરતા વધારે કાંઈજ નથી. જો માણસ જીવતો હશે તો બધું ભોગવી શકશે.
એક જગ્યાએ વાયવ્યમાં મુખ્ય દ્વાર હતું અને અગ્નિનો દોષ હતો. ત્યાં કામ કરનાર વ્યક્તિઓને પાઈલ્સ, એસીડીટી જેવી બીમારીઓતો હતીજ પણ અગ્નીતત્વના નક્ષત્રની નકારાત્મકતા સમયે તેમને ત્યાં આગ ફેલાવાની ઘટના બની હતી. આ જગ્યાએ બેસવા માટે ખાસ વચ્ચે જગ્યા હોય તેવી રીતે ટાયર જેવી રચનાઓ બનાવડાવવી પડી હતી. અને આગ લાગી ત્યારે એ ટાયરોના લીધે નકારત્મક ધુમાડો પણ થયો હતો. ક્યારેક લાગણીથી બનાવેલ વસ્તુઓ નકારાત્મક બને તેવું જોવા મળે છે. જયારે નવી પ્રોપર્ટી લેવાની હોય ત્યારે પણ વાસ્તુનો વિચાર કરવો જોઈએ કારણકે આગ બાળે છે, પકવે છે, ફોડે છે અને મારે છે. જોસંપૂર્ણ હકારાત્મક ઉર્જા હશે તો આગનો ભય નહિ રહે.