અજાણ્યા રસ્તે સચોટ માર્ગદર્શક એટલે પ્રશ્નકુંડળીનું જ્યોતિષ

જ્યોતિષ એ કલ્પવૃક્ષ સમાન છે, જાણકાર માણસ આ શાસ્ત્રની મદદથી ધાર્યું કાર્ય સિદ્ધ કરી શકે છે. જ્યોતિષનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો, તે ખુબ મહત્વનું છે. જે પ્રશ્નનો જવાબ સામાન્ય બુદ્ધિ કે સામાન્ય નિયમો દ્વારા ન જાણી શકાય તે પ્રશ્નનો જવાબ જ્યોતિષની મદદથી મેળવી શકાય છે. ઘણીવાર પ્રશ્ન પૂછનાર ખુબ જટિલ પ્રશ્ન લઈને આવે છે, જેમ કે કોઈ ચીજ ખોવાઈ જવી, ઇન્ટરવ્યુ કેવો જશે? સફળતા મળશે? રોગમટશે કે નહિ? આ બધા પ્રશ્નોના જવાબ જાતકની જન્મકુંડળીમાંથી મળે તેવું જલ્દી અનુમાન કરી શકાતું નથી. કારણ કે, આ પ્રશ્નોના જવાબ હા કે નામાં આપવાના હોય છે.

જે પ્રશ્નો દિવસોમાં કે કલાકોમાં ઉકેલાવાના હોય તેનો જવાબ જાતકની જન્મકુંડળીમાંથી શોધવો થોડું કપરું કાર્ય છે. જન્મકુંડળી જોઇને દશાઓ અને ગ્રહોના ગોચર જોઇને જાતકના જીવનના મહત્વના વર્ષ અને સુખદુઃખનો એક સામાન્ય અંદાજ ચોક્કસ આવી જાય છે. પરંતુ,નાના પ્રશ્નો માટે જાતકની જન્મકુંડળી કરતા પ્રશ્નકુંડળી સચોટ પરિણામ આપી શકે છે.

દરેક ઘટનાનું ભવિષ્યનું સ્વરૂપ કેવું રહેશે, તે પ્રશ્નકુંડળી દ્વારા જાણી શકાય છે. દરેક મનુષ્યનો જન્મ પણ એક પ્રશ્ન જ છે, મનુષ્ય જયારે જન્મે છે ત્યારે તેનું ભાગ્ય શું છે? અને તેનું જીવન કેવી રીતે આકાર લેશે તે જાણવા આપણે જે પ્રશ્નકુંડળી મુકીએ છે તે જન્મકુંડળી બની જાય છે.

પ્રશ્નકુંડળી જોવા માટે તમારે વધુ નિયમો જાણવાની જરૂર નથી,પ્રશ્નકુંડળીને જન્મકુંડળીના સામાન્ય નિયમો વડે પણ જોઈ શકાય છે.

પ્રશ્ન કઈ બાબતને રજુ કરે છે, તે સૌ પ્રથમ ધ્યાનમાં લેવું (જેને આપણે કાર્યભાવ કહીશું), જેમ કે પ્રશ્ન મકાન અંગેનો હોય તો ચતુર્થ ભાવ ધ્યાને લેવો, નોકરી બાબતે હોય તો કર્મભાવને ધ્યાનમાં લેવો. કોઈ પણ પ્રશ્નકુંડળીમાં પ્રથમ ભાવ એટલે કે લગ્નભાવનો માલિક કયો ગ્રહ બને છે, તે કઈ સ્થિતિમાં છે તે સૌથી મહત્વનું છે. બીજા ક્રમે ચંદ્રને મહત્વ આપવું, ચંદ્ર કયા ભાવ સાથે જોડાયેલ છે? તેની પર કયાગ્રહોની દ્રષ્ટિ છે? તે જોવું. લગ્નેશ શુભ સ્થતિમાં હોય, લગ્નેશ અને કાર્યભાવના માલિક ગ્રહો વચ્ચે જો દ્રષ્ટિ, યુતિ કે સ્થાન પરિવર્તન જેવા યોગ હોય તો કાર્ય સફળ થવાની સંભાવના વધુ રહે છે, જો લગ્નેશ અને કાર્યેશ વચ્ચે કોઈ સંબંધ ના થતો હોય તો કાર્ય સફળતા બાબતે ચંદ્રને ધ્યાને લેવો. ચંદ્ર અને કાર્યેશ વચ્ચે જો સંબંધ હોય, દ્રષ્ટિ, યુતિ કે સ્થાન પરિવર્તન જેવા યોગ હોય તો પણ કાર્ય સફળ થાય છે. તેનાથી વિપરીત જો ૬,૮,૧૨ સ્થાનના માલિક ગ્રહો કાર્ય સ્થાનને જોતા હોય અથવા કાર્યસ્થાનમાં હોય તો કાર્યસ્થાનના ફળનો નાશ કરે છે, અને કાર્ય સફળ થતું નથી.૬,૮,૧૨ સ્થાનનામાલિક ગ્રહો જયારે મંગળ, શનિ કે સૂર્ય થાય છે ત્યારે તેઓ કાર્ય સ્થાનને જોતા હોય અથવા કાર્યસ્થાનમાં હોય તો કાર્યસ્થાનના ફળનો અચૂકનાશ કરે છે, અને કાર્ય સિદ્ધ થતું નથી.

કાર્યેશ શનિ હોય તો વિલંબથી કાર્ય થશે, ગુરુ હોય તો દૈવીકૃપાથી કાર્ય થશે, શુક્ર હોય તો ધનલાભ થશે, ચંદ્ર હોય તો કાર્યત્વરિત થશે, મંગળહોય તો કાર્ય ઉદ્યમથી સિદ્ધ થશે, બુધ હશે તો કાર્ય ઘણા ઓછા પ્રયત્ને સિદ્ધ થશે, સૂર્ય હશે તો કાર્ય મોટી વગદાર વ્યક્તિ દ્વારા અને થોડા સમયમાં સિદ્ધ થશે.

પ્રશ્નકુંડળી જોવા માટે પ્રશ્ન જયારે, જ્યાં પૂછાયો હોય તે સમય અને સ્થળ નોંધી લેવા તે મુજબ સમય અને સ્થળ લઈને પ્રશ્નકુંડળી બાદમાં પણ જોઈ શકાય છે. પ્રશ્નકુંડળી જોતા સમયે તમારે આસપાસની સ્થિતિ અને કુદરતી સંકેતોને પણ ધ્યાને લેવા જોઈએ, કોઈ પ્રશ્નકુંડળી જોતા સમયે જો શુભ ઘટના ઘટે અથવા શુભ ચીજોના દર્શન થાય તો એ પ્રશ્નનો જવાબ કુદરતી રીતે હકાર અથવા સફળતા જ રહેશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]