શ્રાવણ મહિનો આવે એટલે શિવ મંદિરની અંદર ચહેલપહેલ થવાની ચાલુ થઈ જાય. સવારના વહેલા ઉઠી અને કેટલાક લોકો મંદિરના ગર્ભગૃહની અંદર શિવજીનો અભિષેક કરવા પહોંચી જાય. તો કેટલાક લોકો પોતાના ઘરે જ પ્રસ્થાપિત શિવલિંગની પૂજા કરે. શિવલિંગની પૂજા કરવી તે માનવજાતિનો ધર્મ છે. શિવપુરાણની અંદર શિવને અગ્નિ સ્તંભ માનવામાં આવ્યા છે. તેના અનુસાર એ અગ્નિ સ્તંભનું વિસ્તરણ થતું ગયું અને એક દિવસ પ્રચંડ ધડાકા સાથે તેનું વિભાજન થયું અને સમગ્ર બ્રહ્માંડની રચના થઈ. આ વાત ક્યાંક સાંભળી હોય એવું લાગે છેને ? શિવ એટલે જગતનું મૂળ તત્વ. તેથી જ જે વ્યક્તિ જીવીત છે, તે સહુ શિવપૂજા કરી શકે છે. શિવપૂજા આંતરચેતના જગાડવા સક્ષમ છે. ઘણા બધા લોકો એવું પૂછતાં હોય છે કે શિવને કયા સ્વરૂપે પૂજવા? આપણે ત્યાં શિવલિંગની પૂજાની વાત કરવામાં આવી છે. વિષ્ણુને શાલિગ્રામ સ્વરૂપે પૂજવામાં આવે છે. એક એવી ગેરમાન્યતા છે કે શિવપૂજામાં કોઈ નિયમ નથી હોતા. શિવપૂજા માટે સ્વચ્છ તન, સ્વસ્થ મન, અને એકાગ્રતા હોય તે જરુરી છે. શિવપૂજા બેસીને થાય. શિવપૂજા સારું સ્વાસ્થ્ય, શાંતચિત્ત, સમૃદ્ધ વિચારો અને પ્રબળ મનોબળ આપી શકે છે. તેથી જ દરેક વ્યક્તિએ પોતાની ચેતના જાગૃતિ માટે શિવપૂજાનો વિચાર કરવો જોઈએ.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને કોઈ પણ સમસ્યા હોય, કે સવાલ હોય, નીચે જણાવેલા ઇમેલ પર આપ જરૂરથી એ પૂછી શકો છો. આપને પણ આપની સમસ્યાનું સમાધાન અને સવાલનો જવાબ અહીં મળશે.
સવાલ: હું લગભગ 2006થી આપના લેખ વાંચું છું. આપના ટીવી શો જોયા છે અને આપને રેડિયો પર પણ સાંભળ્યા છે. youtube પર આપની વિડિયોઝ અને વિચારો હું ફોલો કરું છું. મારી એક ફરિયાદ છે. તમે શિવપૂજાની ખુબ સુંદર વાતો કરી છે. પણ શિવપૂજા ક્યારે થઈ શકે, શિવ મંદિરની કઈ આરતી વધારે સારી, શિવજીને જેનો ભોગ વધારે પ્રિય છે કે પછી શિવજીનું પ્રિય દ્રવ્ય કયું તે વિશે વાત નથી કરી. શ્રાવણ મહિનો આવે છે, મારે પૂજા કરવી છે, તો એ વિશે જણાવવા વિનંતી.
જવાબ: આપને વાસ્તુમાં ખુબ જ રસ છે તે જાણીને ખૂબ આનંદ થયો. આજના યુવાનો સવાલો પૂછતા થયા છે. અને જો યોગ્ય માહિતી મળે તો તેમને ભારતીય પરંપરાઓમાં રસ પણ છે. જેના થકી આપણે સૌ મૂળ ભારતીય વિચારો તરફ પાછા જઈ રહ્યા છીએ. ભારતીય પરંપરાઓ, પ્રણાલિકાઓ અને શાસ્ત્રો જ્ઞાન વિજ્ઞાનથી ભરપૂર છે. અને તેથી જ કદાચ યુવાનો હવે આપણી પૌરાણિક વાર્તાઓને ધર્મના બદલે વિજ્ઞાન સાથે જોડવા પ્રયત્ન કરે છે. આપનો સવાલ છે કે તમારા ઘણા બધા સવાલોને શિવજી વિશે લખાયું ત્યારે કેમ નથી આવરી લેવાયા? આ વિશે ક્યાંક ક્યાંક મેં ઉલ્લેખ કર્યો છે એ કદાચ આપના ધ્યાનમાં નહીં આવ્યું હોય. શિવ પૂજા દિવસમાં ક્યારેય પણ થઈ શકે. કારણકે શિવ મંદિરને ક્યારે તાળું ન લગાડાય તેવી એક વાત છે. પરંતુ કોઈપણ પૂજા સવારમાં જેટલી પણ વહેલી કરવામાં આવે તેટલો તેનો પ્રભાવ વધારે મળે છે. શિવજી ભાવના ભૂખ્યા છે. તેમને શૃંગાર, માન પાન એ બધાની કોઈ ઈચ્છા નથી હોતી. તેથી જ કોઈ ખાસ પ્રકારની આરતી તેમને પ્રિય હોય તે શક્ય નથી. શિવજીને અભિષેક કરીએ તે પૂજા માટે જરૂરી છે. શિવજીને ધતુરો, બિલિપત્ર, બીલા, જેવા દ્રવ્યો વધારે પ્રિય છે. તેથી જ એવું કહેવાય છે કે શિવજીને જે દ્રવ્ય ચઢાવવામાં આવે છે તેને સામાન્ય માણસે પ્રસાદ તરીકે ન લેવાય. કારણકે આવા જ દ્રવ્યોને પચાવવા માટે યોગીપણું જરૂરી છે. શિવજીને દૂધનો અભિષેક કરવો જોઈએ. તાંબુ શિવજીનું પ્રિય દ્રવ્ય છે. તેથી જ અભિષેક માટે તાંબાનો કળશ વપરાય છે. આપ માત્ર શ્રાવણ મહિનામાં નહીં સમગ્ર વર્ષ દરમિયાન શિવ પૂજા કરી શકશો અને તે ચોક્કસ તમને આત્મબળ વધારવામાં મદદરૂપ થશે.
સવાલ: હું જ્યારે જ્યારે દેવસ્થાનમાં જઉ છું, ત્યારે ત્યારે ઘણા બધા વિચારો આવે છે. શું ભીડ કરીને જ દર્શન થાય? બહાર પગરખા રાખવા માટે સ્ટેન્ડ મુકાયા હોય છતાં પણ જાણે રહી જવાના હોય તે રીતે લોકો જ્યાં ત્યાં બુટ ચંપલ કાઢી અને દોડવા લાગતા હોય. ધક્કા ખાતા ખાતા લાઈનમાં આગળ ખસી હજુ તો દર્શન થયા ન થયા એક ધક્કાસાથે બહાર નીકળી જઈએ. તો શું આનાથી વ્યક્તિનો આધ્યાત્મિક વિકાસ થશે? મને એવું લાગે છે કે શાંતિથી બેસીને ઈશ્વરની આરાધના કરવામાં આવે તો તેનાથી વ્યક્તિને કોઈ ફાયદો થતો હોવો જોઈએ. માત્ર ઝલક લેવા જવાનું હોય તો પછી સોશિયલ મીડિયા પર વિડિયો જ ન જોઈ લઈએ? અનુશાસન વિના પરીણામો કેવી રીતે મળે? અંધશ્રદ્ધા વ્યક્તિને સાચો માર્ગ આપી શકશે ખરી? આ પ્રશ્ન પૂછવા પાછળ કોઈ વિચારધારા, કોઈ વ્યક્તિ કે પછી કોઈ સંપ્રદાયને ખરાબ દેખાડવાનો ઈરાદો નથી. માત્ર મારે મારા જીવનમાં ઈશ્વર પ્રાપ્તિ માટે આ પ્રક્રિયામાંથી પસાર થવું કે નહીં તે જાણવા માટે જ હું પૂછું છું. તેથી ખાસ કરીને જવાબ આપશો.
જવાબ: સવાલ થાય ત્યારે જ ખબર પડે કે વ્યક્તિ કંઈક સમજવા માંગે છે. તમારા વિચારોમાં ક્યાંક અસંતોષ, વિદ્રોહની લાગણી દેખાય છે. એ વ્યક્તિગત હોઈ શકે. કોઈપણ વિચાર ધારા અનુશાસનને માન્યતા આપે છે. સ્ટેન્ડમાં ચપ્પલ મુકવા એ નિયમ બધાએ પાળવો જોઈએ. પણ ઈશ્વર વિષેની કેટલીક ગેરસમજો વ્યક્તિને ઉતાવળ કરવા પ્રેરે તેવું બની શકે. જે પહેલાં જાય તેને ઇશ્વર મળે એવો કોઈ નિયમ નથી. આપની વાત સાચી છે કે એક ચિત્ત થઈ શાંતિથી બેસીને ઈશ્વરની પૂજા આરાધના કરવામાં આવે તો આંતરિક ચેતના જાગૃત થવાની શક્યતા ઉભી થાય છે. માત્ર જરાક વાર માટે ડોકું કરવાથી મન માની જાય, પણ આત્મા કદાચ એને સમર્થન ન પણ આપે. ઇશ્વર સર્વત્ર છે તેથી કોઈ એક ખાસ જગ્યાએ જવાથી જ ઈશ્વર મળે એવું સાવ ન માની શકાય.
દેવસ્થાન યોગ્ય રીતે બન્યા હોય તો તેની વાસ્તુની રીતે ઊર્જા ખૂબ સારી હોય છે. આવી જગ્યા માણસને મનની શાંતિ આપી શકે. વેદોક્ત અને શાસ્ત્રોક્ત રીતે પૂજા કરવામાં આવતી હોય તો જગ્યામાં ચુંબકીયતા ઊભી થાય છે. અને વ્યક્તિને મન થાય કે મારે વારંવાર આ જગ્યાએ જવું જોઈએ. અહીં એ જગ્યાની સકારાત્મક ઊર્જા કાર્ય કરે છે. તે સમજવું જરૂરી છે. અને માત્ર ફાયદા માટે આપણે ઈશ્વરની આરાધના થોડા જ કરીએ? સકારાત્મક જગ્યાએ જઈ અને યોગ્ય રીતે પૂજા કરવામાં આવે ચોક્કસ વ્યક્તિ પોતાની અંદર સકારાત્મકતાનો અનુભવ કરે છે. આવી સકારાત્મકતા વીડિયોમાં નથી હોતી. તમારા ઘરના દેવસ્થાનમાં પણ આવી ઉર્જા હોય તો તમે ત્યાં પણ આધ્યાત્મિકતાનો અનુભવ કરી શકો છો.
સુચન: શિવલિંગના થાળા પર દીવો ન કરાય કે કોઈ પ્રસાદ ની વસ્તુ પણ ન મુકાય.
(આપના સવાલો પૂછવા માટે ઈમેલ કરો… vastunirmaan@gmail.com)