ધંધાકીય બાબતોમાં ટેબલનું મહત્વ છે. જો ટેબલ બહારની તરફ ગોળાઈ ધરાવતું હોય તો ચર્ચાઓ વધારે થાય. જો અંદરની તરફ ગોળાઈ ધરાવતું હોય તો સામે વાળી વ્યક્તિ પોતાની વાત મનાવી દે તેવું પણ બને. ટેબલની સપાટી એટલી પણ ચમકતી ન હોવી જોઈએ કે આંખો અંજાઈ જાય. તેથી જ ટેબલ પર અરીસાનો નિષેધ છે. ટેબલ પર ઈશ્વરના ચિત્રો ન રાખવા જોઈએ. કારણકે ત્યાં તેમને સન્માનનીય સ્થિતિમાં રાખી શકતા નથી.ચોરસ ટેબલ કરતા પણ લંબચોરસ ટેબલ સારું ગણાય, પણ તેની લંબાઈ પહોળાઈનો ગુણોત્તર ૧;૨ થી વધવો ન જોઈએ તે જરૂરી છે. વધારે ઊંચું ટેબલ પણ ન રખાય. ધંધાકીય જગ્યાએ વિચિત્ર આકાર નું ટેબલ પણ યોગ્ય ન ગણાય. પ્લાસ્ટિક, એલ્યુમીનીયમ કે લોખંડ ના ટેબલ ની પોત પોતાની નકારાત્મકતા છે. તેથી તે ન રાખવા જોઈએ.
કોઈ પણ ધંધામાં યોગ્ય બરકત માટે હકારત્મક ઉર્જા ખુબ જ જરૂરી છે. ટેબલના આકારની ચર્ચા કર્યા બાદ આપણે તેના મટીરીયલની વાત કરીએ. હકારાત્મક મટીરીયલ હકારત્મક પરિણામો આપે. તેવીજ રીતે નકારાત્મક મટીરીયલ નકારાત્મક પરિણામો આપે. આપણે જેને મોર્ડન મટીરીયલ ગણીએ છીએ તે પ્રચલિત છે પરંતુ તેની ઉર્જા સમજવી પડે. સૌરાષ્ટ્રમાં એક જગ્યાએ તેમને પ્લાસ્ટિકનું ડેકોરેટીવ ફર્નીચર વાપરવાની ઈચ્છા થઇ. ટૂંક સમય માં અકળામણ, ગુસ્સો અને ચિઢચીડ્યાપણું વધવા લાગ્યું. માણસો પણ કંટાળવા લાગ્યા ને અધૂરામાં પૂરું તેમને પોતાને પણ આળસ થવા લાગી. જયારે માણસ પ્લાસ્ટિક ના સંપર્કમાં આવે છે ત્યારે તેની ઉર્જા ઓછી થાય છે. પ્લાસ્ટિકની ખુરસી પરથી ઉઠેલા માણસને અડતા કરંટ લાગે છે તે ઘણા એ અનુભવ્યું હશે. આવુજ કોઈ પણ સિન્થેટીક કાપડની ગાદી પર બેસવાથી પણ થાય છે. ડનલોપની ગાદી પર બેસનારને પાઈલ્સ થવાની શક્યતા વધી જાય છે તેવું મેં મારા રીસર્ચ માં જોયું છે. દરેક મટીરીયલની પોત પોતાની ખાસિયત હોય છે. અને તેની અસર જેતે જગ્યાની ઉર્જા અને વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોઈ શકે.
એલ્યુમીનીયમ ના ટેબલ પર કામ કરનાર વ્યક્તિને થાક વધારે લાગે છે અને તે લાંબા ગાળે બીમારી નો શિકાર બને છે. એલ્યુમીનીયમ એ હલકું મટીરીયલ છે. પણ તેનો લાંબા સમય સુધીનો સંપર્ક હકારાત્મક નથી. આમ પણ દેખાવ માં સુંદર લાગતી દરેક વસ્તુઓ હકારાત્મક હોય જ તેવું જરૂરી નથી. લોખંડ ના ટોપ વાળું ટેબલ બૌદ્ધિક કાર્ય કરવા વાળા લોકો માટે યોગ્ય નથી. તેવીજ રીતે લોખંડની ખુરસી માટે પણ કહી શકાય. રેક્સ્ઝીન ના ટોપ વાળું ટેબલ તામસી પ્રકૃતિ આપી શકે છે. ઉત્તર રાજસ્થાન માં એક જગ્યાએ આ પ્રકારની વ્યવસ્થા હતી. ત્યાં કામ કરનારી વ્યક્તિ ને ગુસ્સો વધારે આવતો અને નિર્ણય શક્તિ ઓછી રહેતી. વળીતેમને ઊંઘ ખુબ આવ્યા કરતી. તેમનાજ એક સંબંધી ને ત્યાં લેધર ના ટોપ વાળું ટેબલ હતું. વ્યક્તિ ઠરેલ હતી પણ અભિમાન ખુબજ હતું. તેથી તે પોતાનો ફાયદો કે નુકશાન સમજી શકતા ન હતા.
આજ કાલ કાચ પણ પ્રચલિત મટીરીયલ છે. કાચ નો ફાયદો એ છે કે તેનું ટેબલ બનાવવામાં સમય ઓછો લાગે છે. મશીન થી ધાર્યા આકાર કાપી શકાય છે.પણ આવા ટેબલ પર ધ્યાન કેન્દ્રિત કરીને કાર્ય કરવાનું શક્ય બનતું નથી તેવું મનાય છે. તેથીજ કાચને પોલીશના બદલે ફ્રોસ્ટીંગ કરાવી શકાય. હા પણ રંગબેરંગી કાચના ટેબલની પોતાની આગવી જ સમસ્યા છે. અમુક જગ્યાએ સિમેન્ટ ના ટેબલ પણ જોવા મળે છે. અને ભૂતકાળ માં નજર કરીએ તો પત્થર, લાકડું, વિવિધ ધાતુ વિગેરેની માહિતી મળે છે.
તો તેની ખાસિયતો પણ સમજી લઈએ. સફેદમાં કાળી છાટ વાળો આરસ કંકાસનું પ્રતિક મનાય છે. તેથી તે ન જ રખાય. લીલો આરસ ધંધાને ઠંડો પાડી શકે છે તેથી તે પણ ન રખાય. ગુલાબી, કાળો, કાળા ચટપટા વાળો, આરસ વર્જ્ય છે. આમતો કોઈ પણ પ્રકાર નો આરસ ન રાખીએ તેવી સલાહ છે. સેન્ડ સ્ટોન હોય તો માણસ નો આત્મવિશ્વાસ ઘટે છે. જો તે ઘાટા રંગ નો હોય તો તે ઓછી નકારાત્મકતા આપે છે. ગ્રેનાઈટ મિથ્યાભિમાન આપી શકે છે. તેમાં પણ કાળો, લીલો,ગુલાબી જેવા રંગો ન વાપરવાની સલાહ છે. તો પછી કયા મટીરીયલનું કેવું ટેબલ સારું ગણાય?દરેક મટીરીયલની અલગ અલગ ઉર્જા હોય છે. અને તેના આધારે વાસ્તુની હકારાત્મકતા પણ સમજી શકાય છે.