જન્મજન્માંતરનું લેખાજોખું એટલે વિશોત્તરી દશાઓ, ગ્રહોના નૈસર્ગિક ગુણ…

નુષ્યનું જીવન જન્મ દર જન્મ ચાલતું રહે છે, તેની લેણદેણ કદી બંધ થતી નથી. એક જન્મે કરેલાં પાપ અને ચોરી બીજા જન્મે પણ સજા રૂપે ભોગવવા પડે છે. એક જન્મે કોઈને જૂઠું બોલીને જો સજા અપાવી હોય તો બીજા જન્મે જીભની તકલીફ કે બોલવાની તકલીફ આવે છે. એક જન્મે સ્ત્રીને હેરાન કરી હોય તો બીજા જન્મે લગ્ન થતાં નથી એટલે કે આ કર્મ આડે આવીને ઉભું રહે છે.

પુનર્જન્મ કે મોક્ષ:

જ્યોતિષમાં કર્મના સિદ્ધાંતનો સ્વીકાર થયો છે, ગુરુજનો મુજબ દરેક માનવીને ત્રણ જન્મ મળી શકે, તેનો જન્મ અને તેનો કયો ભવ ચાલે છે, તે તેની જન્મ રાશિ અને તિથિના આધારે જાણી શકાય છે. પૂનમ, અમાસ, પાંચમ, દસમમાં જન્મેલ બાળકનો બીજો ભવ થવાની સંભાવનાઓ ખૂબ ઓછી હોય છે. જો તેઓ જીવનભર પરોપકારમાં લાગેલાં રહે તો તેમનો મોક્ષ થઇ શકે છે. કર્મોની ગતિના આધારે જ કુંડળીમાં મહાદશાઓ-અંતર દશાઓ જેવા રહસ્યને સમાવી લેવાયું છે.

કોઈ પણ જન્મકુંડળીમાં ગમે તેટલા સારા યોગ હોય પરંતુ તે કુંડળી મુજબ જે મહાદશા અને અંતરદશા ચાલી રહી છે, તે તેનું ભવિષ્ય નક્કી કરે છે. ઘણીવાર આપણે ખૂબ બળવાન કુંડળી જોઇને ખુશ થઈએ છીએ, અને સારા પરિણામોની આશા રાખીએ છીએ. પરંતુ પરિણામ બિલકુલ ભિન્ન હોય છે. તેનું મુખ્ય કારણ દશાઓ છે.વિશોત્તરી, અષ્ટોત્તરી, કાળચક્ર, યોગીની, ત્રિભંગી વિશોત્તરી દશાઓ દ્વારા અચૂક ફળકથન કરી શકાય છે. વિશોત્તરી અને કાળચક્ર દશાઓ અનુભવે બિલકુલ સચોટ લાગે છે.અષ્ટોત્તરી દશાઓનું ફળકથન હવે પુસ્તકોમાં પણ મળતું નથી, પરિણામે વિશોત્તરી અને કાળચક્ર દશાઓ ચલણમાં રહી છે.

ગ્રહોના નૈસર્ગિક ગુણોનું મહત્વ:    

એક ગ્રહની મહાદશામાં તે જ ગ્રહની અંતરદશા વધુ પ્રભાવી નથી, પરંતુ તેના મિત્ર ગ્રહની અંતરદશા આવે તો જ મહાદશાનાથ ગ્રહ તેનું શુભ પરિણામ આપે છે. જૂના ગણિત પ્રમાણે નૈસર્ગિક શુભ-અશુભ રીતે કુંડળીને જોવી તેનાથી ફળકથન વધુ સચોટ બની જાય છે. મંગળ, શનિ, રાહુ, કેતુને અશુભ ગણવા. ગુરુ, શુક્ર, ચંદ્રને શુભ ગણવા. મંગળ શનિ કોઈપણ કુંડળીમાં જે ભાવને જોતાં હશે ત્યાં નુકસાન કરશે જ તેમાં શંકા કરવા જેવું કઈ નથી. ગ્રહ કોઈપણ ભાવનો સ્વામી હોય પરંતુ નૈસર્ગિક ગુણ તેનો પ્રભાવ અચૂક રીતે આપે છે માટે જ નીચે આપેલ ફળકથનનો તમે જાતે પણ અનુભવ કરશો તો તે બિલકુલ સત્યની નજીક છે. પુષ્ય પક્ષ અયનાંશ દ્વારા કાઢેલી દશાઓ પણ અચૂક રીતે સચોટ રહે છે. જિજ્ઞાસુ જ્યોતિષીઓ આ પ્રયોગ કરી શકે.

અતિશુભ મહાદશા-અંતરદશાઓ:

સૂર્ય મહાદશામાં ગુરુની અંતરદશા, અથવા ગુરુની મહાદશામાં સૂર્યની અંતરદશા: મનુષ્યનું સમ્માન અને આબરૂ વધે તેવા પ્રસંગો થાય છે, કાર્યમાં પ્રગતિ, આવકમાં વધારો અને સંતાન પ્રાપ્તિ પણ થાય છે.

ચંદ્રની મહાદશામાં ગુરુની અંતરદશા અથવા ગુરુની મહાદશામાં ચંદ્રની અંતરદશા, યાત્રા-પ્રવાસ, વ્યાપારથી લાભ થાય છે, તબિયત સુધરે છે, સ્ત્રી વર્ગથી લાભ, માતા અને મકાનથી લાભ થાય છે.

મંગળની મહાદશામાં ગુરુની અંતરદશા અથવા ગુરુની મહાદશામાં મંગળની અંતરદશા, શારીરિક ઉત્સાહ અને મહેનત વડે કાર્યમાં પ્રગતિ હાંસલ થાય છે. નોકરી, વ્યવસાયમાં પ્રગતિ થાય છે. ધન અને આયુષ્ય બાબતે શુભ નીવડે છે.

અતિઅશુભ મહાદશા-અંતરદશાઓ:

મંગળની મહાદશામાં બુધની અંતરદશા અથવા બુધની મહાદશામાં મંગળની અંતરદશા, અનુભવે જોયું છે કે આ બંને ગ્રહો એકબીજાના અધિશત્રુ હોઈ, આ દશાઓમાં ભલભલાની પડતીના સમાચાર મળે છે. ચારે તરફ કષ્ટ અને વિઘ્ન આવે છે. જો આ દશા અભ્યાસના સમયે આવે તો નિશ્ચિત રીતે અભ્યાસમાં મોટું વિઘ્ન આવીને ઉભું રહે છે.

સૂર્યની મહાદશામાં શનિની અંતરદશા અથવા શનિની મહાદશામાં સૂર્યની અંતરદશા, સૂર્ય, શનિ જ્યાં બેઠાં હોય તે ભાવને ચોક્કસ નુકસાન કરે છે. નોકરીમાં અચાનક તકલીફ આવી જાય છે, કોર્ટ કચેરીના ચક્કર હોય તો આ સમય દરમિયાન અતિનુકસાન ભોગવવું પડે છે. માનસિક હતાશા અને શારીરિક વ્યાધિઓ પણ આવે છે. આજ પ્રમાણે ચંદ્રમાં શનિ કે શનિમાં ચંદ્રની દશા અંતરદશા આવે ત્યારે પણ જાતક પર ભય તોળાતો રહે છે, ચંદ્રમાં શનિ કે શનિમાં ચંદ્રની દશા અંતરદશામાં યાત્રા, મકાન, વાહન અને માતૃ પક્ષે નુકસાન થાય છે.

સૂર્યની મહાદશામાં રાહુની અંતરદશા અથવા રાહુની મહાદશામાં સૂર્યની અંતરદશા, આ દશા પણ પાર કરવી મુશ્કેલ હોય છે, સૂર્યમાં રાહુની અંતરદશા આવે ત્યારે જાતકની તબિયત બગડે તો જીવલેણ સાબિત થાય છે. એક નાની ભૂલ પણ તેની સાથે મોટી તકલીફો ખેંચી લાવે છે.