નવી દિલ્હીઃ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજ્યસભામાં રોકડ મળવાનો દાવો કર્યો છે. સુરક્ષા કર્મચારીઓને તપાસ દરમ્યાન નોટોનું એક બંડલ મળ્યું છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સાંસદ અભિષેક મનુ સિંધવીની સીટની નીચેથી આ રોકડ જપ્ત થઈ છે. જેપી નડ્ડાએ કહ્યું હતું કે એનાથી સંસદની ગરિમાને ઠેસ પહોંચી છે. કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે રોકડ મળવાની તપાસ થવી જોઈએ.
રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળતાં હોબાળો મચી ગયો છે. રાજ્યસભામાં આ મામલે વિપક્ષ ભારે હોબાળો મચાવી રહ્યો છે. સભાપતિ જગદીપ ધનખડે કહ્યું હતું કે આ એક ગંભીર મામલો છે અને તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
તેમણે માહિતી આપી હતી કે ગઈ કાલે ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ સુરક્ષા અધિકારીઓએ અમને જણાવ્યું હતું કે સીટ નંબર 222 પરથી કેશ મળી આવી છે. આ સીટ તેલંગાણાથી સાંસદ અભિષેક મનુ સિંધવીને અલોટ કરવામાં આવી હતી. આ મામલે નિયમો અનુસાર તપાસ થવી જોઈએ અને તપાસ શરૂ પણ કરી દેવામાં આવી છે.
કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તરત જ ઊભા થઈ સલાહ આપી હતી કે તમે કહી રહ્યા છો કે આ મામલે તપાસ હાથ ધરી છે તો જ્યાં સુધી સત્ય બહાર ન આવે ત્યાં સુધી નામ જાહેર કરવું જોઈએ નહીં.
સત્તા પક્ષ ભાજપ તરફથી આ મામલે કોંગ્રેસને ઘેરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ તરફથી પણ સત્તા પક્ષને જવાબ આપવામાં આવી રહ્યા છે. આ મામલે ખુલાસો કરતાં અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે આ નોટોનાં બંડલ મારા નથી.