મુંબઈમાં ગાયક બનવા આવેલા અમિતાભ ભટ્ટાચાર્યએ ‘ફિલ્મ ઈન્ડિયા’ ડિરેક્ટરીમાંથી સંગીતકાર પ્રીતમ ચક્રવર્તીનો મોબાઈલ નંબર શોધીને ફોન લગાવ્યો. એમણે પહેલી જ વારમાં ઉપાડયો. અમિતાભે પોતાનું નામ આપી કહ્યું કે હું લખનઉથી ગાયક બનવા આવ્યો છું. એ માટે તમને મળવું છે. તમારું ટીવી પર આલબમ જોયું અને ફોન કર્યો છે. પ્રીતમે તરત જ પોતાના ઘરનું સરનામું આપી મળવા આવી જવા કહ્યું. અમિતાભ સાંજના સમય પર બસ પકડીને પોતાની કેસેટ લઈ પ્રીતમના ઘરે પહોંચી ગયા. ત્યારે પ્રીતમ સ્વતંત્ર સંગીતકાર તરીકે નહીં પણ જીત ગાંગુલી સાથે જોડીમાં કામ કરતા હતા. એમની ‘તેરે લિયે’ (2001) આવી ચૂકી હતી.
પ્રીતમે અમિતાભને આવકાર આપ્યો અને એમની કેસેટમાં રેકોર્ડ કરેલા ગીતો સાંભળ્યા પછી કહ્યું કે તારો અવાજ સારો છે. સારું ગાય છે પણ અત્યારે મારી પાસે તારા માટે કોઈ કામ નથી. કોઈ કોરસ ગીતમાં જરૂર પડશે કે ડમી ગીત કરવું હશે ત્યારે તને બોલાવીશ. એ સાથે એક ફોન નંબર આપી કહ્યું કે અત્યારે મારા એક સહાયક રાજેશ રૉયને જઈને મળી લે. એની પાસે કામ હશે. અમિતાભે રાજેશને ફોન કર્યો. એ ઘણા આલબમ પર કામ કરતા હોવાથી માણસની જરૂર હતી. અમિતાભને એમણે રાખી લીધા. અમિતાભ સંગીત અને ડમી ગાયનમાં મદદ કરતા હતા. રાજેશે અમિતાભને એક-બે વખત ધૂન પર શબ્દો લખવા આહવાન કર્યું.
અમિતાભે લખવાનું શરૂ કર્યું. ફિલ્મ ‘88 એન્ટોપ હિલ’ (2003) માં અમિતાભે ગીત લખવા સાથે ગાયું પણ હતું. આગળ જતાં રાજેશે અમિતાભને કહ્યું કે તું ગીતના ડમી શબ્દો લખે છે એ સંગીતકારો અને નિર્માતાને પસંદ આવે છે. તારે ગાયક તરીકે પ્રયત્ન કરવો જોઈએ. અમિતાભે કહ્યું કે તે એક રમત તરીકે આવું લખે છે. અને એને ગીતકાર નહીં ગાયક બનવું છે. એ પછી અમિતાભ અમર્ત્યના સંપર્કમાં આવ્યા. એમના માટે જાહેરાત સાથે કેટલાક ગીતો લખ્યા. એમણે પણ પ્રશંસા કરી. એ જ રીતે જતીન શર્મા માટે ગીતો લખ્યા. એમણે ગીતકાર તરીકે પ્રોત્સાહન આપ્યું. અને કહ્યું કે તું પહેલો એવો ગાયક બનીને બતાવ જે ગીત પણ લખી શકે છે. ત્યારે પણ અમિતાભે એ વાતને ગંભીરતાથી લીધી નહીં. અમિતાભ પોતાની જ જાણ બહાર ગીતકારના રસ્તે ફંટાઈ રહ્યા હતા.
અમિતાભે ફરી યાદ કરાવ્યું કે એ ગાયક બનવા માગે છે. તેથી કોઈ ઉપનામ આપશે. અમિતે રીતસર અમિતાભનો કોલર પકડીને કહી દીધું કે ગીતો તો તારા અસલી નામ પર જ આવશે. છેલ્લે એક નિર્ણય થયો અને એમાં માત્ર ‘અમિતાભ’ નામ આપ્યું. જ્યારે ફિલ્મનો રીવ્યુ આવ્યો ત્યારે અન્ય જાણીતા ગીતકાર ‘અમિતાભ વર્મા’ એ લખ્યા હોવાનું કહેવામાં આવ્યું. એ પછી જ્યારે ‘દેવ ડી’ માટે ગીતો લખ્યા ત્યારે અમિત ત્રિવેદીએ અમિતાભને સમજાવીને આખું નામ અપાવ્યું. ફિલ્મનું ‘ઈમોશનલ અત્યાચાર’ ગીત એટલું લોકપ્રિય રહ્યું કે ખુદ અમિતાભ ભટ્ટાચાર્યએ ગીતકાર તરીકે જ કારકિર્દી બનાવવાનો અંતિમ નિર્ણય કરી લીધો હતો! છેલ્લા થોડા વર્ષોમાં બ્રહ્માસ્ત્ર, ભેડિયા, જરા હટકે જરા બચકે, રૉકી ઔર રાની કી પ્રેમકહાની, સ્ત્રી 2 વગેરે અનેક ફિલ્મોમાં અમિતાભે ગીતો લખ્યા છે.