અમિત શાહે દિલ્હીમાં ભારતપોલ પોર્ટલ લોન્ચ કર્યું

દેશમાં ગુનાખોરીને અંકુશમાં લેવા પોલીસ અવનવા પ્રયોગો કરતી રહે છે. પોલીસકર્મીઓની સંખ્યા વધારવા અને ટેક્નોલોજીની મદદથી ગુનાને અંકુશમાં લેવાના પ્રયાસો કરવામાં આવે છે. આ ઉપરાંત CBI જેવી કેન્દ્રીય એજન્સીઓ પણ રાષ્ટ્રીય સુરક્ષા અને મોટા ગુનાઓ પર કાર્યવાહી કરે છે. પરંતુ આજે પણ દેશમાં ગુનાઓ કરીને વિદેશ ભાગી ગયેલા ગુનેગારોને પાછા લાવીને સજા આપવી એ સુરક્ષા એજન્સીઓ માટે કોઈ પડકારથી ઓછું નથી. આ માટે ભારતીય એજન્સીઓ ઈન્ટરપોલ સહિત અન્ય વિદેશી સુરક્ષા એજન્સીઓની મદદ લે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહે આજે સવારે એટલે કે 7મી જાન્યુઆરીના રોજ દિલ્હીથી ભારત પોલ પોર્ટલ લોન્ચ કર્યું હતું. પોર્ટલ લોન્ચ કરતા સમયે તેમણે જણાવ્યું હતું કે ભારતપોલ આપણા દેશની આંતરરાષ્ટ્રીય તપાસને નવા યુગમાં લઈ જશે. અગાઉ CBI એકમાત્ર એવી એજન્સી હતી જે ઈન્ટરપોલ સાથે કામ કરવા માટે માન્ય હતી, પરંતુ હવે ભારતપોલ દ્વારા દરેક ભારતીય એજન્સી અને તમામ રાજ્યોની પોલીસ ઈન્ટરપોલ સાથે સરળતાથી જોડાઈ શકશે. અમે ગુનાખોરીને અંકુશમાં લેવા માટે કાર્યક્ષમતાથી કામ કરવાનું ચાલુ રાખીશું.

વધુમાં તેમણે જણાવ્યું કે, CBI દ્વારા જ ભારતપોલ બનાવવામાં આવ્યું છે. ઈન્ટરપોલની જેમ જ ભારતપોલ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ સાથે તપાસ એજન્સીઓને સાયબર અને નાણાકીય ગુનાઓ સહિત અન્ય ગુનાઓમાં ઈન્ટરન્શનલ પોલીસની તાત્કાલિક મદદ મળશે. આ પોલ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસ ગુનેગારો અને વિદેશ ભાગી ગયેલા ગુનાઓ વિશે ઈન્ટરપોલ પાસેથી માહિતી મેળવી શકશે. ઇન્ટરપોલ ઉપરાંત અન્ય દેશોની તપાસ એજન્સીઓને પણ જોડી શકાય છે. આ ઉપરાંત અમિત શાહે કાર્યક્રમમાં સીબીઆઈના 35 અધિકારીઓને પોલીસ મેડલથી સન્માનિત કર્યા હતા. આ અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને સારી તપાસ માટે કેન્દ્રીય ગૃહ મંત્રી મેડલ એનાયત કરવામાં આવ્યા છે.