અમેરિકામાં રવિવારે આવેલા ભયાનક બરફના વાવાઝોડાને કારણે ઘણાં રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ છેલ્લાં 10 વર્ષનું સૌથી ભયાનક બરફનું વાવાઝોડું હોઈ શકે છે. સ્થિતિને જોતા અમેરિકાનાં 7 રાજ્યો કેન્ટુકી, વર્જિનિયા, વેસ્ટ વર્જિનિયા, કેન્સાસ, અર્કાન્સસ અને મિઝોરીમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર, આ વાવાઝોડાથી અમેરિકાના 6 કરોડ લોકોના જીવનને અસર થવાની શક્યતા ત્યાના હવામાન નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે.
નોંધનીય છે કે સામાન્ય રીતે ગરમ રહેતા ફ્લોરિડામાં પણ ભારે હિમવર્ષા થઇ રહી છે. નેશનલ વેધર સર્વિસે કેન્સાસ અને મિઝોરી માટે વિશેષ ચેતવણીઓ જાહેર કરી છે. નેશનલ વેધર સર્વિસનું કહેવું છે કે આ બંને રાજ્યોના ઘણા વિસ્તારોમાં 8 ઈંચ સુધી હિમવર્ષા થઈ શકે છે. અહીં 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અમેરિકામાં આ બરફના વાવાઝોડાનું મુખ્ય કારણ પોલર વોરટેક્સ હોવાનું માનવામાં આવે છે. પોલર વોરટેક્સ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફુંકાય છે. ભૌગોલિક બંધારણને કારણે, પોલર વોરટેક્સ સામાન્ય રીતે ઉત્તર ધ્રુવની આસપાસ ફરે છે, પરંતુ જ્યારે તે દક્ષિણ તરફ જાય છે, ત્યારે તે અમેરિકા, યુરોપ અને એશિયામાં ભારે ઠંડી લાવે છે. આ દિવસોમાં અમેરિકામાં આવું જ થઈ રહ્યું છે, નિષ્ણાતોનું માનવું છે કે આ ધ્રુવીય પવનો યુરોપ અને એશિયામાં ફૂંકાઈ શકે છે. જ્યારે પોલર વોરટેક્સ ચાલી રહ્યું હોય ત્યારે ઘરની બહાર નીકળવું ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. આ સમયે વિન્ટર કિટ વગર બહાર જવાથી 5 થી 7 મિનિટમાં હાર્ટ એટેક આવી શકે છે. કેટલાક રિસર્ચ દર્શાવે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આર્કટિકા ઝડપથી ગરમ થઈ રહ્યું છે, જેના કારણે પોલર વોરટેક્સ દક્ષિણ તરફ ખસી રહ્યું છે. ભારે ઠંડા પવનોને જોતા શિકાગોથી ન્યૂયોર્ક અને સેન્ટ લુઈસની તમામ ફ્લાઈટ અને ટ્રેનો રદ કરવામાં આવી છે. કેન્ટુકી રાજ્યમાં હિમવર્ષાનો નવો રેકોર્ડ બન્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 10 ઈંચથી વધુ હિમવર્ષા થઈ છે. તેવી જ રીતે લેક્સિંગ્ટન અને કેન્ટુકીમાં 5 ઈંચથી વધુ હિમવર્ષા નોંધાઈ છે. એક્સપર્ટે બે તૃતીયાંશ અમેરિકામાં ભારે ઠંડીનું એલર્ટ આપ્યું છે. એવું માનવામાં આવે છે કે તાપમાન સ્ટાન્ડર્ડ લેવલ કરતાં 7 થી 14 ડિગ્રી સેલ્સિયસ નીચે આવી શકે છે. રવિવારે, શિકાગોમાં તાપમાન માઈનસ 7 થી 10 સેલ્સિયસ હતું, જ્યારે મિનિયાપોલિસમાં તે 0 ડિગ્રીએ પહોંચ્યું હતું.