નવી દિલ્હીઃ આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમારમંગલમ બિરલાએ આજે ગ્રુપના જ્વેલરી રિટેલ બિઝનેસના પ્રારંભની જાહેરાત કરી હતી. ‘ઇન્દ્રિયા’ બ્રાન્ડ હેઠળ શરૂ કરાયેલા જ્વેલરી બિઝનેસનો ઉદ્દેશ આગામી 5 વર્ષમાં ભારતના ટોચના ત્રણ જ્વેલરી રિટેલર્સમાં સ્થાન મેળવવાનો છે. ભારતમાં જ્વેલરી રિટેલ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની આદિત્ય બિરલા ગ્રુપની પ્રતિબદ્ધતા છે અને ગ્રુપ આ મહત્વાકાંક્ષી સાહસમાં રૂ. 5000 કરોડના મૂડીરોકાણની યોજના ધરાવે છે. દેશના જ્વેલરી માર્કેટનું કદ 6.7 લાખ કરોડ છે.
ગ્રુપનું આ વ્યૂહાત્મક પગલું અન્ય રીતે પણ સીમાચિહ્નરૂપ છે, કારણ કે ગ્રુપ તેના ગ્રાહક પોર્ટફોલિયોને મજબૂત બનાવે છે, તેની મજબૂત બ્રાન્ડ ઇક્વિટી અને ઊંડી બજારની આંતરદ્રષ્ટિનો લાભ ઉઠાવે છે.
આ બિઝનેસના લોન્ચ અંગે આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમારમંગલમ બિરલાએ જણાવ્યું હતું કે ભારતીય ગ્રાહકો ઝડપથી આગળ વધી રહ્યા છે અને ભારત કદાચ વૈશ્વિક સ્તરે સૌથી આશાસ્પદ ગ્રાહકો સમૂહ છે. આ વર્ષે, અમે પેઈન્ટ્સ અને જ્વેલરીમાં બે મોટી નવી કન્ઝ્યુમર બ્રાન્ડ લોન્ચ કરીને ભારતીય ગ્રાહકોની ગતિશીલતા પર બમણો દાવ લગાવ્યો છે. આ ક્ષેત્રોમાં ચાલી રહેલા મૂલ્યના સ્થળાંતર, મજબૂત, વિશ્વાસપાત્ર બ્રાન્ડ્સ માટે વધતી જતી ગ્રાહકોની પસંદગી અને સતત તેજી નોંધાવતા વેડિંગ માર્કેટને કારણે જ્વેલરી બિઝનેસમાં પ્રવેશવું અનિવાર્ય છે, જે તમામ નોંધપાત્ર વૃદ્ધિની તકો રજૂ કરે છે. આ પ્રવેશ એ 20 વર્ષથી ફેશન રિટેલ અને લાઇફસ્ટાઇલ ઉદ્યોગમાં રહેલા ગ્રુપ માટે નૈસર્ગિક વિસ્તરણ છે. રિટેલ, ડિઝાઇન અને બ્રાન્ડ મેનેજમેન્ટમાં અમે જે મજબૂત ક્ષમતાઓ મેળવેલી છે તે અમારી સફળતા માટે આધારસ્તંભ તરીકે કામ કરશે, એમ તેમણે કહ્યું હતું.
‘ઇન્દ્રિયા’ એક સાથે ત્રણ શહેરોમાં દિલ્હી, ઈન્દોર અને જયપુરમાં ચાર સ્ટોર ખોલશે. તેની યોજના છ મહિનામાં 10થી વધુ શહેરોમાં વિસ્તરણ કરવાની છે. નેશનલ બ્રાન્ડ્સની એવરેજ સાઇઝ કરતાં 30થી 35 ટકા મોટા 7000 ચોરસ ફૂટથી વધુના સ્ટોર્સ વિવિધ પ્રસંગો માટે વિસ્તૃત શ્રેણી ધરાવશે. આ બ્રાન્ડ 5000થી વધુ વિશિષ્ટ ડિઝાઇન સાથે 15,000 ક્યુરેટેડ જ્વેલરી પીસની વિશાળ પ્રારંભિક શ્રેણી ઓફર કરશે. દર 45 દિવસે નવા કલેક્શન રજૂ કરવામાં આવશે, જે ભારતીય ફાઇન જ્વેલરી માર્કેટમાં માર્કેટ સાઇકલ માટે સૌથી ઝડપી કામગીરી હશે.