અમદાવાદઃ વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ (AGEL)એ રાષ્ટ્રીય ગ્રીડને વિશ્વસનીય, સસ્તી અને સ્વચ્છ વીજળી પૂરી પાડીને તેના સંચાલકીય પોર્ટફોલિયોના 10,000 મેગાવોટના ગૌરવરૂપ આંકને પાર કર્યો છે. અદાણી ગ્રીન એનર્જીના સંચાલકીય પોર્ટફોલિયોમાં 7393 મેગાવોટ સૌર, 1401 મેગાવોટ પવન ઊર્જા અને 2140 મેગાવોટ પવન-સૌર હાઇબ્રિડ ક્ષમતાનો સમાવેશ થાય છે. ચાલુ દસકાના આખરે 45,000 MW રિન્યુએબલ એનર્જીના લક્ષ્યવેધ તરફ નિશ્ચિતપણે આગળ ધપી રહેલી AGELઅને તેના વિકાસમાં સહભાગીઓ માટે આ સીમાચિહ્નરુપ ઉપલબ્ધિ હાંસલ કરી છે.
અદાણી એનર્જીનો 10,934 MWનો કાર્યાન્વિત પોર્ટફોલિયો 58 લાખથી વધુ ઘરોને રોશનીથી ઝળાંહળાં કરશે અને સૌથી મહત્વના એવા હવામાંના વાર્ષિક 21 મિલિયન ટન કાર્બનના ઉત્સર્જનને ટાળવા સાથે હવાને પ્રદૂષિત થતી અટકાવવાના પ્રયાસોમાં યોગદાન આપશે. અવનવી ટેક્નોલોજી અપનાવવાનો અભિગમ, અમલની કાર્યક્ષમતાઓ, ડિજિટાઇઝેશન, મજબૂત સપ્લાય ચેન નેટવર્ક અને લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૂરતા નાણાંનો પ્રવાહ અને ટકાઉ પ્રથાઓના સથવારે ગિગા સ્કેલ ઉપર સ્વચ્છ ઊર્જા સંક્રમણ અને ડિકાર્બોનાઇઝેશનને કેવી રીતે ચલાવી શકાય તેની AGEL એક મિસાલ પ્રસ્થાપિત કરી રહી છે.
ગુજરાતના કચ્છમાં ખાવડામાં વેરાન જમીન પર AGEL વિશ્વનો સૌથી મોટો 30,000 મેગાવોટનો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ વિકસાવી રહી છે. 538 ચોરસ કિમીમાં આકાર પામી રહેલ આ પ્રકલ્પ પેરિસ કરતાં પાંચ ગણો અને મુંબઈ શહેર જેટલો વિરાટ છે. AGELએ કામગીરી આરંભ કર્યાના 12 મહિનામાં 2000 મેગાવોટની અર્થાત આયોજિત 30,000 મેગાવોટના 6 ટકાથી વધુ સંચિત સૌર ક્ષમતા કાર્યરત કરી છે.