એક વાત તમે પણ નોંધી જ હશેઃ દરેક હાઉસિંગ સોસાયટીમાં અમુક એવા સભ્ય હોય, જેને વાતે વાતે વાંકું પડે. મિટિંગમાં નકામા મુદ્દા ઊભા કરે, જાતજાતના કાયદા બતાવે. મુંબઈની એક પૉશ ગણાતી હાઉસિંગ સોસાયટીની વાત. આ સોસાયટીમાં પણ આવા ચારેક જણ છે. થોડા સમય પહેલાં સોસાયટીના રહેવાસીઓની મિટિંગમાં એમણે મેનેજિંગ કમિટીને ભિડાવવાના મનસૂબા સાથે સાવ અતાર્કિક લાગે એવી દલીલો કરીઃ “આમ થવું જોઈતું હતું તે કેમ થયું નહીં? અમને કેમ જાણ ન કરી? જવાબ આપો.” કમિટીના અમુક સભ્ય પણ ઉગ્ર સ્વભાવના. એ બાંયો ચડાવીને જડબાંતોડ જવાબ આપવા જતા હતા ત્યાં ચેરમેને એમને અટકાવી પેલી ચોકડી સામે જોઈને કહ્યું, “તમારી વાત સાચી છે. ભવિષ્યમાં અમે ધ્યાન રાખીશું… ચલો, આ સિવાય કોઈ ચર્ચવા જેવો પૉઈન્ટ છે?” ગણતરીની પળોમાં આખો મામલો શાંત થઈ ગયો.
મુંબઈથી હવે અમેરિકા જઈએ. અહીં રેન્ડોલ્ફ ‘રેન્ડી’ પોશ નામના પ્રખર શિક્ષણશાસ્ત્રી- કમ્પ્યૂટર સાયન્સના પ્રોફેસર થઈ ગયા. રેન્ડી 10 વર્ષના હતા ત્યારે મોટાં બહેન સાથે ડિઝની વર્લ્ડ ફરવા ગયા. ત્યાં સોવિનિયર સ્ટોરમાંથી તેમણે દસ ડોલરનું રમકડું ખરીદ્યું. એ સ્ટોરની બહાર નીકળતા હતા ત્યારે હાથમાંથી રમકડું પડી ગયું ને તૂટી ગયું. ભાઈ–બહેન દુઃખી થઈ ગયાં. એ સમયે એક વ્યક્તિએ એમને સલાહ આપી કે “તમે સ્ટોર મેનેજર પાસે જાઓ અને રમકડું પાછું આપી દો.” રેન્ડીએ કહ્યું, “રમકડું મારી બેદરકારીના લીધે તૂટ્યું છે, તો કેવી રીતે પાછું અપાય?” પેલી વ્યક્તિએ કહ્યું કે, “પ્રયત્ન તો કરી જુઓ.” ભાઈ-બહેન ખચકાતાં સ્ટોરમાં ગયાં અને વિવેકપૂર્વક મેનેજરને કહ્યું, “અમારી ભૂલથી રમકડું તૂટી ગયું છે, તો આપ અમને કોઈ રીતે મદદ કરી શકો?” મેનેજરે તૂટેલું રમકડું પાછું લઈ લીધું અને રેન્ડીને નવું રમકડું આપતાં કહ્યું, માફ કરજો, પણ આ તમારી નહીં, અમારી ભૂલ કહેવાય. અમારું પેકિંગ એવું હોવું જોઈએ કે બાળક આનંદમાં આવી જાય અને તેના હાથમાંથી રમકડું પડી જાય તો પણ તે ન તૂટે… અમે એવું પેકિંગ નથી કરી શક્યા એ અમારી ખામી છે.”
ઉપરોક્ત બન્ને જુદા જુદા પ્રસંગમાં ભૂલ કોની હતી એ આપણે જાણીએ છીએ. આમ છતાં સામેની વ્યક્તિએ ભૂલ સ્વીકારી લઈને ખેલદિલી બતાવી. માણસમાત્ર ભૂલને પાત્ર એ ઉક્તિ પણ આપણે કેટલીય વાર ઉચ્ચારી હશે, પરંતુ સ્વીકારી કેટલી વખત? જ્યારે આપણે બીજા તરફ આંગળી ચીંધીએ ત્યારે એક જ આંગળી સામોવાળા તરફ હોય છે. બાકીની ત્રણ આંગળી આપણી તરફ જ હોય છે.
માણસને કોઈ એની ભૂલ બતાવે તે ગમતું નથી. પતિ-પત્નીનો ઝઘડો હોય, શેઠ-કર્મચારી વચ્ચે અણસમજણ હોય, યુવાનો-વડીલો વચ્ચે ઉદભવતું પેઢીગત અંતર હોય કે સાસુ-વહુ વચ્ચેનો ગજગ્રાહ હોય- તમામ પ્રશ્નોનાં મૂળ ભૂલનો અસ્વીકાર જ હોય છે. જો વ્યક્તિ ભૂલોને સ્વીકારી સુધારવાનો પ્રયત્ન કરે તો તે શ્રેષ્ઠતાના માર્ગે અવશ્ય ચડી શકે. એક વાત ધ્યાનમાં રાખજો કે અન્યો દ્વારા આપણી ભૂલોનાં ભૂંગળાં વાગતાં જ રહેવાનાં, પરંતુ તેને સાંભળીને આપણે સ્વીકાર કરતાં શીખીશું તો શાંતિનો અને પૂર્ણતાનો અનુભવ થઈ શકશે.
વિશ્વવિખ્યાત કંપની માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ કહે છે કે “મને મારી દરેક ભૂલમાંથી કંઈક શીખવા મળે છે, કારણ કે ભૂલ જીવનને સુધારવાની દિશા આપે છે. ભૂલ થઈ હોય ને તેને સ્વીકારવી તે તો સારી વાત જ છે, પરંતુ ભૂલ ન હોવા છતાં એને પોતાના માથે વહોરવી તે મહાપુરુષોની પરમ સિદ્ધિ છે.”
જો મહાપુરુષો પોતાની ભૂલ ન હોવા છતાં જો ભૂલનો સ્વીકાર કરી શકતા હોય તો આપણા દ્વારા તો સતત ભૂલો થતી હોય છે. શું આપણે આપણી ભૂલનો સ્વીકાર ન કરીએ?
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)