“વૃદ્ધત્વની ઉંમરમાં મોટાભાગે એકલવાયા થઈ જવાનો પ્રશ્ન આજે સમાજમાં વધુ વકરી રહ્યો જણાય છે.ઘરના સભ્યો સાથેના સંપર્ક ઓછા થવાનું કે તૂટી જવાનું વાતાવરણ આજે સર્વત્ર જોવા મળે છે. આજે માત્ર ઘરના વડીલ કે વૃદ્ધજન સાથે જ એવું બને છે તેવું નથી. કૌટુંબિક સભ્યોના પારસ્પરિક સંપર્ક કે સંવાદ મોબાઇલ ઉપર નિર્ભર થતા જાય છે. એક રૂમમાં બેઠેલી વ્યક્તિ ઘરની બીજી રૂમમાં બેઠેલી વ્યક્તિ સાથે ફોન કરીને સંપર્ક કરે એની હવે નવાઈ નથી રહી. આ સ્થિતિ માટે મોબાઈલ કારણરૂપ છે. તે જાણવા છતાં એનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે નહીં થતા પારિવારિક સંવાદ ઘટતો ગયો છે.” એમ જન્મભૂમિ ગ્રુપના સી.ઈ.ઓ. અને તંત્રી કુન્દન વ્યાસે ઉમંગ પબ્લિકેશન આયોજિત વરિષ્ઠ નાગરિકો માટેના વર્ષ 22ના ખાસ કાર્યક્રમ આજ ફિર જીને કી તમન્ના હૈ… માં જણાવ્યું હતું.
કુન્દન વ્યાસે વધુમાં જણાવ્યું કે- ‘મોબાઈલના વિવેકહિન ઉપયોગનું જ નુકસાન છે એની સામે મારી દ્રષ્ટીએ વયસ્કજનોની એકલતા દૂર કરવાનું એ ઉત્તમ સાધન બની શકે જો વયસ્કજનો પોતાની રસરૂચિ ને શોખ મુજબ એનો ઉપયોગ કરતા થઈ જાય. હમણા એક સંસ્થાએ વયસ્કો માટે માબાઈની ઉપયોગીતા જાણવાને શીખવા માટે એક ખાસ આયોજન કરેલું તે સારી વાત છે. જાણવા ને શીખવા માટે એક ખાસ આયોજન કરેલું તે સારી વાત છે. ઉંમર વધતા વીતેલા સમયના જે સ્મરણો સ્મૃતિમાં સળવળે છે તેમાં મોટાભાગની નેગેટીવ બાબતો વધુ હોય છે. હકીકતમાં આવા વિચારો મનનો ભાર અને ભય બન્ને વધારે છે.
સહુથી પ્રથમ- વ્યક્તિએ પોતાના અનુભવ લખવા જોઈએ જે તેમના પરિવારના સ્વજનોને કામમાં આવે. વ્યક્તિ જાહેરજીવનની હોય તો તેમના વધુ અનુભવ બહોળા વર્ગ સુધી પહોંચી શકે. હિસાબ કિતાબમાં મિલ્કતની નોંધણીનું ખાતુ હોય છે એમ જીવનની કિતાબમાં અનુભવ રજૂ કરવાનું એક ખાતુ રાખવું જ જોઈએ.
બીજા નંબરે– વ્યક્તિએ ક્યારેય ઉત્સાહ છોડવો ન જોઈએ. મારા દાદીમાં 92 વર્ષની ઉંમરેય એટલા ઉત્સાહિત રહે છે કે આશ્ચર્ય થાય કે આટલી એનર્જી ક્યાંથી મળતી હશે? બહુ વિચારું ત્યારે જવાબ મળ્યો કે નાની નાની ખુશીઓના સંજોગો ઊભા કરવા અને એમાં ખુશ રહેવું એ અમે એમની પાસેથી શીખ્યા.
100 વર્ષ જીવેલા લેખક નગીનદાસ સંઘવીને 96ની ઉંમરમાં પગમાં પ્રોબલેમ થયો તો એ ઠીક કરવા એમણે જીમમાં જવાનું શરૂ કરેલું. તેમનો જીવનમંત્ર હતો સતત કામમાં મસ્ત રહેવું.
ત્રીજી બાબત આવે છે- જીવનમાં બહુ જક્કી ન બનવું. લેટ ગો કરવાનું શીખવું અને એનો અમલ કરતા પણ રહેવું. પહેલા ભૂતકાળમાં શું થયું અને હવે ભવિષ્યમાં શું થશે એનો બહુ વિચાર કર્યા વગર આ ક્ષણની મજામાં જીવવું, આ ક્ષણની મજા પૂરેપૂરી પામી લેવી.
ચોથી મહત્ત્વની વાત છે– દરેક વ્યક્તિએ પોતાનું વીલ જરૂર બનાવી લેવું. વીલ ન હોય તો પરિવાર માટે પાછળ જે વિસંવાદીતાની પરિસ્થિતિ સર્જાય છે તે બનતી નથી.
મનન કોટકે વધુમાં જણાવ્યું કે- માણસને જીવાયેલા જીવનમાં કયા કયા અફસોસ થતા હોય છે તેનો ચિતાર આપતા ઓસ્ટ્રેલિયાના એક નર્સે મૃત્યુશય્યા પર રહેલા અસંખ્ય દરદીઓના અફસોસ જાણવાનો પ્રયત્ન કર્યો હતો જે જાહેરમાં મૂક્યો હતો. નર્સની સાથે વાતો કરનાર મૃત્યુની નજીક પહોંચેલા દરદીએ કબુલ કર્યું હતું કે તેમને આ પ્રકારના અફસોસ રહી ગયા છે. (૧) એ લોકો પોતાની રીતે જિંદગી જીવી ન શક્યા. (૨) એમણે કામ કરવામાં વધુ સમય ગાળ્યો (૩) એ લોકો અંગત મનોભાવ વ્યક્ત ન કરી શક્યા (૪) એ લોકો મિત્રો સાથે વધુ સંપર્ક રાખી ન શક્યા. (૫) એ લોકો પોતાની જાતને વધુ ખુશ રાખી ન શક્યા.
સામાન્ય રીતે ઉંમર વધે એમ કોઈ કોઈને એવું લાગે છે કે બસ હવે જિંદગીના છેડે આવી ગયા. હવે કાંઈ કરવાનું બાકી નથી. દેવદર્શન કે કોઈ ફરવા જવાનું પણ મન નથી થતું એટલું જ નહીં જીવનમાં કોઈ નવી વસ્તુ શીખવાની પણ ઇચ્છા રહી નથી. જેમને સતત આવા વિચાર રહેતા હોય તો મનોવિજ્ઞાનની ભાષામાં આ સ્થિતિને માણસની નિરાશાની સ્થિતિ કહેવાય છે.
પાછલા જીવનમાં આવતી આ નિરાશા ખરેખર છે શું? હકીકતમાં એ વ્યક્તિની નેગેટીવ વિચારધારાથી વિશેષ બીજું કાંઈ નથી. જો વ્યક્તિ પહેલેથી પોઝીટીવ વિચાર સાથે જીવ્યા હશે તો તે જીવનમાં જલ્દીથી નેગેટીવ વિચારધારાથી ધેરાઈ નહીં જાય.
વધતી ઉંમરમાં પોતાનો ભૂતકાળ વારંવાર યાદ કરવાની જરૂર નથી કે અમારા સમયમાં આમ હતું અને અમારા સમયમાં અમે આમ રહેતા હતા કે જીવતા હતા. હકીકતમાં બદલાવું એ સૃષ્ટિનો ક્રમ છે. એમ માણસે ઉંમર વધતા પોતાના અને પારસ્પરિક સંબંધના સ્વજનોના આનંદ માટે બદલાતા રહેવું જોઈએ. બદલાવ નહીં સ્વીકારવાથી પાછળ રહી જવાય છે તે ભૂલાવું ન જોઈએ.
નિરાશાથી બચવાનું આમ તો સાવ સહેલું છે. જેટલું નેગેટીવ વિચારધારાથી દૂર રહેવાય એટલી જીવવાની મજા વધુ. આપસી સંબંધોમાં કોઈ પ્રત્યે અભિપ્રાય ન બાંધવો, વર્તમાનમાં રહેવાની કોશિશ કરવી, ઈર્ષ્યા કે અહથી દૂર રહેવું વગેરે બાબતમાં સ્વભાવ ઉપર સ્વજાગૃતિ રાખવી હિતાવહ બને છે.
પરિવારના સહુ આપણાથી ખુશ રહે એવી સ્થિતિ સર્જાય એ માટેની તૈયારી દરેક વડીલે રાખવી જોઈએ. આમ પોઝીટીવ વિચારધારા અપનાવી પાછલી જિંદગીને વધારે સારી જીવવા લાયક બનાવી શકાય છે. જો આમ જીવાશે તો કુદરતના ક્રમ મુજબ પૃથ્વી છોડીને જવાનું થાય ત્યારે મનમાં કોઈ અફસોસ નહીં રહે. આપ સહુનું જીવન ભરપૂર સુખ શાંતિ સભર બને તેવી શુભેચ્છા. ચંદ્રભાઈ અને ખત્રી પરિવાર માટે અમારા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા વ્યક્ત કરું છે.
આજે સમાજમાં વડીલોની સ્થિતિ શું છે તેની બધાને ખબર છે. ફરક એટલો છે કોઈ બોલે, કોઈ ન બોલે. મારી દષ્ટિએ વડીલ એટલે અનુભવ સમૃદ્ધ વ્યક્તિ. જીવન જીવતા જીવતા આપણું જે ઘડતર થાય છે તે જ અનુભવ બને છે. માટે સ્વસ્થ સમાજ માટે વડીલના અનુભવનો લાભ વધુ લેવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ, પરંતુ આપણે બધા જાણીએ છીએ કે સ્થિતિ સાવ જુદી છે.
સતત બાવીસ વરસથી ‘આજ ફિર જીને કી તમન્ના હૈ..’નું આયોજન વડીલો માટે આનંદ અવસર સમાન બની રહ્યું છે. આ કાર્યક્રમ વડીલોને જીવનની અનેક દીશાઓના દરવાજા ખોલી આપવાનું કામ કરે છે. જે અભાવગ્રસ્ત પરિવારના સભ્યો મનોરંજન માટે પૈસા ખર્ચી શકતા નથી તેમના માટે ઉમંગના આયોજન ખૂબ મજા કરાવે છે. અમે તો જોયું છે કે હૉલમાંથી છૂટા પડતી વખતે વડીલોના મો પર આનંદ ઉલ્લાસ અને રોનક જોવા મળે છે. વાતાવરણ મંગલ મંગલ બની જાય છે.
આપણી ઉજળી પરંપરાની ઘણી બાબતોનું મૂલ્ય સમાજમાં ઓછું થતું જાય છે. તેની યાદીમાં વડીલો આગળના ક્રમમાં આવી ગયા છે. આ સંજોગોમાં ‘આજ ફિર જીને કી તમન્ના હૈ..’ના લાગલગાટ આયોજન વડીલો માટે ટોનીક સમાન ગણું છું. આભાર અને ધન્યવાદ.
ઉંમર ભલે વધતી જાય. આપણે દરેક ઉંમરમાં એક્ટીવ રહેવું જોઈએ. પૈસાની જરૂરત સંતોષાઈ ગઈ હોય તો અવેતન પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહીને દિવસના ૪ થી ૫ કલાક સમયનો ઉપયોગ કરવો જોઈએ જેથી તંદુરસ્તી સારી રહે છે. અને ઘરના બીજા સભ્યો પણ આનંદમાં રહે છે.
આખી જિંદગી હાર્ડ વર્ક કર્યા પછી પાછલી ઉંમરમાં જીવનની સાચી શરૂઆત શરૂ થાય છે. તો જિંદગીને માણી લેવી જોઈએ. પ્રભુ આપણી સાથે જ છે, આપણે ભલે માનીએ કે ન માનીએ. દરેક વસ્તુની કિંમત કરતા શીખવી જોઈએ.
મારે ચંદ્રભાઈની જીવન વિષયક તાલિમની વાત આપ ધ્યાન પર લાવવી છે. ચંદ્રભાઈ ‘પ્રસન્ન જીવન’ શિબિરના આયોજન કરતા રહ્યા છે. જેમાં અસંખ્ય સિનિયર સિટીઝનને માર્ગદર્શન આપી રહ્યા છે. હું તેમની શિબિરમાં જઈ આવ્યો છું. ‘પ્રસન્ન જીવન’ શિબિરમાં જેઓ જોડાયા નથી તેઓને ખાસ ભલામણ કરું છું કે તમો સહુ આ શિબિરમાં અચૂક જોડાઓ અને જીવનને અનેક પાસાઓથી પ્રસન્ન કેમ બનાવી શકાય, તેનો અનુભવ કરો.
આજે આટલા મહાનુભાવો સાથે મંચ ઉપર ઉપસ્થિત રહેવાનો તથા ઉમંગ પરિવારના સભ્ય તરીકે સંબોધન કરવાનો યોગ મળ્યો છે તેનો મને અને મારા પરિવાર માટે ખૂબ આનંદ છે. આયોજક ચંદ્ર ખત્રી જેવા સમાજ શુભ ચિંતક માટે મૈત્રીભાવે હું ગૌરવ અનુભવું છે. આપણે સહુ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ આયોજન હંરહંમેશ ચાલુ રહે અને વડીલોના નિરસ જીવનને પરિવર્તન દ્વારા વધુ રસમય જીવન જીવવા માટે પ્રેરક બને તેવી કામના.
સ્વાગત પુનિત ખત્રીએ કર્યું હતું. કાર્યક્રમનું રસમય સંચાલન નાટ્યકલાકાર વિમલ ઉપાધ્યાય એ કર્યું હતું. આ પ્રસંગે યોજાયેલ સંગીત મહેફિલમાં મહેશ ચુડાસમા સાથે ઈન્ડા ગોસર, આશિષ શાહ, લલીત મારુ, સ્મીતા સ્વામીએ ગાયેલા જૂની-નવી ફિલ્મોના ગીતો સાથે દેશી લોકગીતોની રમઝટમાં ગલઢેરાઓ ઝૂમી ઉઠ્યા હતા. વરિષ્ઠ નાગરિકોથી હોલ છલોછલ ભરાઈ ગયો હતો. ઘરે જતા શ્રોતાઓના દિલોદિમાગમાં ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’ કાર્યક્રમની મધુર સ્મૃતિ ગુંજન કરતી હતી.
અને આ રીતે મનનભાઇ માટે એ યાદગાર સંભારણું બની ગયું…
એ જ વખતે મનનભાઈના એમના વક્તવ્યમાં મધુરીબેનને યાદ કરતા હતા. 92 વર્ષની વયે પણ મધુરીબેહન કેટલા સક્રિય છે, જીવન પ્રત્યેનો કેટલો હકારાત્મક અભિગમ ધરાવે છે અને એમની ધગશ કેવી છે એ અંગે વાત કરતા મનનભાઇએ એક નાનકડો પ્રસંગ યાદ કર્યો. એમણે કહ્યું કે, “થોડાક દિવસ પહેલાં હું મોડી રાત્રે મધુરીબહેનની સાથે બેઠો હતો. એ મોડે સુધી જાગતા હતા. અચાનક રાત્રે સાડા બાર વાગ્યો એમણે મને પૂછ્યું કે, મનન, આઇસ્ક્રીમ ખાઇશ? મેં કહ્યુંઃ આટલી મોડી રાતે આઇસ્ક્રીમ? જવાબમાં એ ઉત્સાહભર્યા સ્વરે બોલ્યાઃ આઇસ્ક્રીમ ખાવામાં તે કાંઇ સમય નડે? આ ઉંમરેય એ આટલા ઉત્સાહિત રહે છે એ જોઇને આશ્ચર્ય થાય કે આટલી એનર્જી એમને ક્યાંથી મળતી હશે?’ મનન કોટક માટે મધુરીબહેન સાથેનું આ એક યાદગાર સંભારણું બનીને રહી ગયું હતું…. |
‘ચિત્રલેખા’ના મનન કોટકે શું કહ્યું? એમની સ્પીચ જોવા-સાંભળવા માટે ક્લિક કરોઃ
વન્સમોર પબ્લિકેશનો આ અહેવાલ અને મધુરીબહેન કોટકને શ્રધ્ધાંજલિ અહેવાલ વાંચવા ક્લિક કરોઃ
10-OnceMore Jan 2023 aaj fir jine ki tamanna hai