મેક્સિકોઃ મેક્સિકોના દક્ષિણ પ્રાંતમાં ગઈ કાલે 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો ભયના માર્યા રસ્તા પર દોડી ગયા હતા. મેક્સિકોની રાજધાની મેક્સિકો સિટી અને દક્ષિણી રાજ્ય ઓક્સાકાના નાગરિકોએ ભૂકંપના સૌથી ભારે ઝટકા અનુભવ્યા હતા. આ ભૂકંપનું એપિસેન્ટર ઓક્સાકામાં જમીનથી 26.3 કિ.મી. નીચે નોંધાયું હતું. US જિયોલોજીક સર્વેના મતે ભૂકંપનું કેન્દ્ર ઓક્સાકા સ્ટેટથી 12 કિમી દૂર હતું. સ્થાનિક સમય પ્રમાણે ભૂકંપ ગઈ કાલે સવારે 10.29 વાગે આવ્યો હતો. ત્યારબાદ US સુનામી વોર્નિંગ સિસ્ટમે રાજયમાં સુનામીની ચેતવણી પણ આપી હતી.
મેક્સિકોમાં આ અગાઉ વર્ષ 2017માં બે વખત ભૂકંપ આવ્યો હતો. 8 સપ્ટેમ્બરના રોજ 8.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં 150 લોકોના મોત થયા હતા. જ્યારે બીજી વખત ભૂકંપ 20 સપ્ટેમ્બરના રોજ 7.1 તીવ્રતાનો આવ્યો હતો. તેમાં 500થી વધારે લોકોના જીવ ગયા હતા. ભૂકંપની લીધે તે સમયે ચોતરફે ભારે જાનહાનિ થઈ હતી.