હાલ ધનુર્માસ ચાલી રહ્યો છે. સૂર્ય ધન રાશિમાં આવે એટલે ધનુર્માસની શરૂઆત થાય છે. આને ધન સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. હિંદુ ધર્મની પૌરાણિક માન્યતા અનુસાર, ધનુર્માસ એટલે ધાર્મિક સિવાય અન્ય વ્યાવહારિક કાર્યોનો ત્યાગ કરીને માત્ર ભજનભક્તિ કરવાનો સમય. મકર સંક્રાતિના આગલા દિવસે એટલે 13 જાન્યુઆરીએ ધનુર્માસ પૂર્ણ થશે.
વ્યાવહારિક કાર્યોમાં સોશિયલ મિડિયા પર કોઈના પણ વિશે કંઈ પણ એલફેલ લખવું એવો થાય કે નહીં એ ખબર નથી, પણ આજકાલ છાપાંમાં એક શબ્દ અવારનવાર વાંચવામાં આવે છેઃ ટ્રોલિંગ અર્થાત્ કોઈ જાણીતી વ્યક્તિથી નાનીસરખી ભૂલ થાય ગડબડ થાય તો ઈન્ટરનેટ પર આદું ખાઈને એની પાછળ પડી જવાની કુચેષ્ટા એટલે ટ્રોલિંગ. માનવમાત્રને બીજાની ભૂલ પર પોતાનાં સલાહસૂચન, ઠપકો આપવો ખૂબ ગમે.
અહીં મને અમેરિકાના 26મા રાષ્ટ્રપ્રમુખ થિઓડોર રૂઝવેલ્ટની એક વાત યાદ આવે છે. રૂઝવેલ્ટ કહેતા કે “ધ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ સિંગલ ઈન્ગ્રેડિઅન્ટ ઈન ધ ફોર્મ્યુલા ઓફ સક્સેસ ઈઝ નોઈંગ હાઉ ટુ ગેટ અલોંગ વિથ પીપલ” એટલે કે, સફળતા પામવા માટે સૌથી જરૂરી છે માણસો સાથે પનારો પાડવાની, એમની પાસેથી કામ લેવાની આવડત, કુશળતા. આ એકમાત્ર પરિબળ છે સક્સેસનું.
જેમ કેવળ લોટથી કણક બંધાતી નથી. એમાં મોણ (લોટમાં નખાયેલું તેલ કે પાણીનું મિશ્રણ) મેળવવું પડે છે. એવી જ રીતે કેવળ બુદ્ધિથી વ્યાવહારિક કે વ્યાવસાયિક સફળતાનો પીંડ બનતો નથી. એ માટે જરૂરી છે ઈમોશનલ ઈન્ટેલિજન્સ અર્થાત્ એટલે કે ભાવનાત્મક બુદ્ધિ. એટલે કે સામેની વ્યક્તિની લાગણીને ઓળખીને એ રીતે એની પાસેથી કામ લેવું.
આજથી આશરે 140 વર્ષ પહેલાં અમેરિકાના ઓહાયોમાં સ્થપાયેલી ‘સ્ટાન્ડર્ડ ઓઈલ’ નામની કંપનીમાં એક ઉચ્ચ અધિકારીની ભૂલથી કંપનીને વીસેક લાખ ડૉલરનું નુકસાન થયું. જે દિવસે આ મોંકાણના સમાચાર બહાર આવ્યા તે દિવસે કર્મચારીઓ કંપનીના સહસ્થાપક, જાણીતા દાનવીર જે. ડી. રોકફેલર પાસે જવાનું ટાળવા લાગ્યા. સૌનાં મનમાં ડર હતો કે પેલા અધિકારીની ભૂલ અને મોટી રકમના નુકસાનનો ગુસ્સો આપણી પર ઠલવાય તો? ખાલી ફોગટ નવાણિયા કૂટાઈ જઈએ. કોઈનો ગુસ્સો કોઈની પર કાઢવો એ એક માનવસહજ નબાળાઈ છે.
એ દિવસે એડવર્ડ બેફર્ડ નામના એક કર્મચારી એમને મુલાકાત માટે ફાળવેલા સમયે ઓફિસમાં પ્રવેશ્યા. રોકફેલર પોતાની કેબિનમાં પેન્સિલ વડે પૅડ પર કંઈક લખી રહ્યા હતા. પૂછતાં ખબર પડી કે જેના કારણે કંપનીને વીસ લાખ ડૉલરનું નુકસાન થયું એ અધિકારીનાં સારાં પાસાંની યાદી પોતે બનાવી રહ્યા હતા. એ અધિકારીને ઠપકો આપતાં પહેલાં રોકફેલરે કરેલી આ કસરત સૌને આશ્ચર્ય પમાડી ગઈ.
કોઈનાથી ભૂલ થાય તો તેનું ધ્યાન દોરવું જરૂરી છે. ભવિષ્યમાં આમ ન થાય એની સલાહ પણ આપવી, પરંતુ આમ કરતી વખતે તેની આવડતના કારણે કંપનીને થયેલા ફાયદાને યાદ રાખી જો કહેવામાં આવે તો ટકોર કરતી વખતે મોંમાંથી નીકળેલા શબ્દો, તેની અસરકારકતા અને શરીરના હાવભાવમાં ઘણો ફેર પડી જાય. સામેવાળાને ઘસરકો થાય, પણ ઈજા નહીં. આથી બનશે એવું કે શેઠે આપેલા ઠપકાથી કર્મચારી હતાશ થઈને ભાગી નહીં જાય કે ભાંગી નહી પડે. બલકે એ કામ કરવામાં સચેત અને સતર્ક થશે, આનું નામ ઈમોશનલ ઈન્ટેલિજન્સ.
કામનો કર્મચારી સાચવી લેવા ઉપરાંત જાહેર જીવનમાં આનો ફાયદો એ થાય કે બીજા માણસ સાથે આપણા સંબંધ સુમેળભર્યા રહે. પરિણામે વ્યવહાર અને વ્યવસાયમાં ફાયદો થાય.
કહેવાનું એ કે કોઈની ભૂલને પકડી રાખી એની પાછળ પડી જવું અથવા ભૂલને પકડીને જ આગળ વધવાની માનસિકતા ક્યાંક ને ક્યાંક માત્ર વ્યક્તિને જ અંગત રીતે નુકસાન કરે છે, પરંતુ એમ કરવાને બદલે ભૂલ કરનારી વ્યક્તિનાં જમા પાસાં વધારે મજબૂત હોય તો તેની ભૂલને વીસરીને એને એક તક આપવાનું કામ કરનાર આર્થિકથી લઈને સામાજિક અને માનસિક ક્ષેત્રે ક્યાંય નુકસાન નથી પામતો.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)