અમેરિકાના પ્રમુખ ભારતની મુલાકાત આવશે ત્યારે કેટલાક મહત્ત્વના શસ્ત્રો સોદાઓ થશે. ભારત નૌકા દળ માટે વિશેષ હેલિકોપ્ટર ખરીદવા માગે છે. MH-60R સીહૉક પ્રકારના 24 હેલિકૉપ્ટર્સ ખરીદવા માટેની ડીલ થાય તેવી શક્યતા છે. લોકહીડ માર્ટીન કંપની આ હેલિકૉપ્ટર બનાવે છે. કંપની સાથે સોદો કરવામાં આવે તો મંજૂરી સહિતની લાંબી પ્રક્રિયા થાય કરવી પડે. તેના બદલે ભારત અને અમેરિકાની સરકારો વચ્ચે ફોરેન મિલિટરી સેલ્સ રૂટથી આ સોદો થાય તેવી શક્યતા છે.
અમેરિકાની જાણીતી કંપની બોઈંગ મિલિટ્રી એરક્રાફ્ટ્સ પણ બનાવે છે. બોઈંગ એફ-21 પ્રકારના વિમાનો ભારતને વેચવા માટે આતુર છે. તેના માટે પણ વાતચીત થઈ શકે છે. હેલિકૉપ્ટરના સોદાની કિંમત અઢી અબજ ડૉલરથી વધુની હશે. બોઈંગ તથા બીજા સોદા સાથે શસ્ત્રોની ખરીદીનું બિલ મોટું થઈ શકે છે. 2007 પછી ભારતે અમેરિકામાંથી 17 અબજ ડૉલરના શસ્ત્રોની ખરીદી કરી છે. રશિયા, ફ્રાન્સ પછી અમેરિકા પાસેથી ભારતની શસ્ત્ર ખરીદી વધી રહી છે.
શસ્ત્રોનો વેપાર વધી રહ્યો છે, પણ બીજા વેપારની બાબતમાં ભારતને ઉલટાનું નુકસાન થઈ શકે છે. ચીનની જેમ અમેરિકા ભારત સામે પણ વેપાર યુદ્ધની તૈયારીમાં છે. ટ્રમ્પ વહિવટીતંત્રે હાલમાં જ 12 દેશોને અપાતા પ્રેફરન્સ દૂર કરવાનું નક્કી કર્યું છે. આ દેશોને અમેરિકા હવે વિકાસશીલ ગણવા તૈયાર નથી. તેમને વિકસિત ગણીને WTO હેઠળ અપાતી આયાત પરના સબસિડી પ્રેફરન્સને ટ્રમ્પની સરકારે રદ કરી દીધા છે. તેના કારણે અમેરિકામાં નિકાસ કરવી ભારતીય કંપનીઓ માટે મુશ્કેલ બનશે.
ગયા મહિને દાવોસની વિશ્વ વેપાર સંગઠનની બેઠક વખતે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અહીં અમેરિકાને ન્યાય મળતો નથી. “ચીનને અને ભારતને વિકાસશીલ દેશ ગણવામાં આવે છે, અમને વિકાસશીલ ગણવામાં આવતા નથી. મને લાગે છે અમે વિકાસશીલ દેશ જ છીએ,” એવું તેમણે કહ્યું હતું.
આ વખતે ટ્રમ્પ અમદાવાદ, આગ્રા અને દિલ્હીની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે વેપાર કરાર થશે કે કેમ તેના પર સૌની નજર હતી. તે શક્યતાનો નકાર ટ્રમ્પે જ કરી દીધો. ભારત મુલાકાતના અઠવાડિયા પહેલાં જ કહી દીધું કે ભારત અમારી સાથે સારું વર્તન કરતું નથી. ભારત સાથેની મોટી ડીલ બાદમાં થશે, એટલે કે હવે તેઓ બીજી વાર જીતીને આવે તે પછી જ. અમેરિકા ઇચ્છે છે કે ભારત સહિતના ડઝન દેશો સામેથી પોતાને વિકસિત દેશો માની લે અને દરજ્જામાં ફેરફાર પ્રમાણે અમેરિકા સાથે વેપાર કરાર કરે. બ્રાઝીલ, સિંગાપોર અને દક્ષિણ કોરિયાએ પોતાનો વિકાસશીલ દેશ તરીકેનો દરજ્જો જતો કરવાની તૈયારી બતાવી છે. તેથી આ ત્રણ દેશો સાથે કદાચ અમેરિકાની વેપારી સમજૂતિ થશે, પણ ભારત સાથે નજીકના ભવિષ્યમાં નહિ થાય તે સ્પષ્ટ થઈ ગયું છે.
ગુજરાતીઓને આવું બધું ના ગમે, પણ માંસાહારીઓ ચર્ચા કરતાં હોય છે કે કઈ રીતે ચિકન લેગ્સ સ્વાદિષ્ટ હોય છે. તો પછી શા માટે અમેરિકનો તે ખાતા નથી? જાણકારો કહે છે કે ફેશનની જેમ ખાણીપીણીમાં પણ ટ્રેન્ડ બદલાતા રહેતા હોય છે. હાલના સમયમાં અમેરિકામાં વ્હાઇટ મીટનો ટ્રેન્ડ ચાલ્યો છે. અમેરિકામાં લોકો ચિકનના બ્રેસ્ટ અને બીજા હિસ્સાનું વ્હાઇટ મીટ પસંદ કરે છે, પણ લેગ્સનું ડાર્ક મીટ ટાળે છે. વ્હાઇટ મીટ થોડું સારું એવું ઠસાવાયું છે. તેના કારણે ચિકન ઉદ્યોગમાં ચિકન લેગ્સ પડ્યા રહે અને ચિકન બ્રેસ્ટ ફટાફટ વેચાઇ જાય. અમેરિકાની કંપનીઓ ઇચ્છે છે કે આ પડ્યા રહેતા ચિકન લેગ્સની નિકાસ ભારતમાં કરી દેવી. ભારતમાં મોટા રેસ્ટોરાં અને ફાઇવસ્ટાર ચેઇનને ચિકન લેગ્સ આ રીતે કદાચ સસ્તા પણ પડે. તેની સામે ભારતના મરઘા ઉછેર ઉદ્યોગને મોટો ફટકો પડે.
ગુજરાતના ડેરી ઉદ્યોગોએ થોડા મહિના પહેલાં એશિયા અને પેસિફિક દેશોના સંગઠનમાં જોડાવા માટે આના કારણે જ વિરોધ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝિલેન્ડમાંથી મોટા પ્રમાણમાં ડેરી પ્રોડક્ટ્સ આવે તો ગુજરાત સહિતના દૂધ ઉત્પાદકોને અને પશુપાલકોને મોટો ફટકો પડે. બાંગ્લાદેશ, ચીન, તાઇવાન, વિયેટનામ જેવા દેશોના કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગોને પણ ફટકો પડવાનો ભય હતો. તેથી ભારતે તે સંગઠનમાં ના જોડાવાનું નક્કી કર્યું હતું.
આવા સંજોગોમાં ભારત માટે પણ અમેરિકા સાથે વેપારી સમજૂતિ કરી લેવી સહેલી નથી. ભારત પોતાનો દરજ્જો જાતે વિકસિત તરીકે સ્વીકારે અને આયાત-નિકાસની જકાતમાં ફેરફાર કરે ત્યારે દેશી કંપનીઓએ સીધો અમેરિકાની કંપનીઓનો સામનો કરવો પડે. આ સ્પર્ધામાં ભારતીય કંપનીઓ હજી ઊભી રહી શકે તેમ નથી. હાઈટૅકની વાત જવા દો ડેરી અને પૉલ્ટ્રી સહિતના કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રને પણ ભારતમાં ફટકો પડે. મરઘાને ખવરાવવા માટેની જાર, મકાઇ અને સોયા અમેરિકામાં બહુ સસ્તા મળે છે, ભારતમાં તે પણ મોંઘા પડે છે. એટલે સ્પર્ધા થાય જ નહિ.
ટ્રમ્પ કદાચ વેપાર સમજૂતિ માટે તૈયાર થઈ ગયા હોત તો પણ ભારતે વિચાર કરીને, દરેક ક્ષેત્રના સંગઠનોને વિશ્વાસમાં લઈને જ આગળ વધવું પડે તેમ હતું. તેથી ટ્રમ્પની ટૂંકી મુલાકાતમાં વેપાર સમજૂતિ કરી લેવાની શક્યતા આમ પણ ઓછી હતી. શસ્ત્ર અંગેના કેટલાક સોદા થશે અને કેટલીક બીજી બાબતોમાં પણ સહમતિ થઈ શકે છે. સૌથી વધુ વ્યૂહાત્મક સંબંધોની બાબતમાં નિવેદનો થશે.