લગ્ન સંસ્કાર એ ભારતીય કૌટુંબિક પરંપરાનો એક અવિભાજ્ય હિસ્સો રહ્યો છે. સદીઓથી ભારતીયો લગ્નજીવનની શરૂઆત ઉચ્ચત્વની હાજરીમાં કરવાનું પસંદ કરે છે, જ્યાં કુટુંબ કબીલા તો ઠીક પણ કુદરતી તત્વોની હાજરી ય એટલું જ મહત્વ ધરાવે છે. એટલે જ તો લગ્નમાં માણેકસ્તંભ પર ખોડેલ લાકડું હોય કે વરવધૂને નિખારતી હળદર, સાતફેરે સાક્ષી બનતો અગ્નિ હોય કે લગ્નના અંતે શુકનવંત દિશાસૂચક અરૂંધતીનો તારો. કોડાકોડીરૂપી સાગરના છીપલાઓથી લઈને ઘરના ડેલે, વધૂના હાથના છેલ્લા થાપાના કુમકુમ સ્વરૂપે, આ દરેક અવસરમાં પ્રકૃતિ કોઈને કોઈ રીતે સાક્ષી રહે છે. કેમકે પ્રભુતામાં પગલું માંડતા પહેલા સૃષ્ટિના શુભત્વરૂપી આશીર્વાદ હંમેશા ખાસ હોય છે.
વિશ્વમાં એક ભારતીય પરંપરામાં જ એવી સંસ્કૃતિ છે, જે મૂલ્યવાન માનવીય સબંધોનો અનન્ય વારસો ધરાવે છે. એ સંસ્કારો અને સબંધોથી પણ સમૃદ્ધ છે. લગ્નપ્રથા એ માત્ર બે વ્યક્તિની નહીં પરંતુ, તેમની સાથે જોડાયેલા દરેક સબંધોની ગરિમા છે. અંતે તો લગ્નજીવન પણ એકમેકની લાગણીઓના તાંતણે ગૂંથાયેલું કાવ્ય જ છે.
– અને એટલે જ ભારતીય લગ્નો એ હંમેશા એની વૈવિધ્યતા માટે પ્રચલિત રહ્યા છે. ઘણા ઉત્સાહી પરિવારજનો તેનેખાસ બનાવવા અવનવા પ્રયોગો કરતાં હોય છે. એમાં વેડિંગ પ્લાનર્સનો રોલ પ્રવેશ કરે છે. આ વેડિંગ પ્લાનર્સ ખાસ થીમ અને ડેસ્ટીનેશનના તત્વો ઉમેરીને લગ્નને યાદગાર બનાવે છે.
જો આ સીઝનમાં તમે કોઈ વેડિંગ પ્લાન કરી રહ્યા હોય તો જરૂર જાણો આજકાલની આ અવનવી વેડિંગ થીમ્સ વિશેઃ
1.સ્લેસ્ટલ વેડિંગ -આકાશગંગા થીમ
એમ તો એનો એક અર્થ ‘સ્વર્ગમાં થતાં લગ્ન’ એવો થાય છે, પણ અહીં વેડિંગ પ્લાનર્સ અવકાશીય થીમ દ્વારા ચાંદ સિતારાનુ અવતરણ મંડપ પર કરીને એ થીમ ઓર્ગનાઈઝ કરે છે. અહીં ડેકોરેશનમાં ચાંદ સિતારાઓનું સૌંદર્ય અતિ આહલાદક હોય છે. જોકે ઘણા કપલ્સ કોઈ શાંત સ્થળે હિલસ્ટેશન પર મધરાતે ખુલ્લા આકાશમાં લગ્ન કરવાનું પણ પસંદ કરે છે, જ્યાં સાચકલા ચાંદ સિતારાઓ એમના લગ્નના સાક્ષી બને છે. મહેમાનો માટે અવકાશીય અવલોકનની વ્યવસ્થા ટેલિસ્કોપ દ્વારા ગોઠવવામાં આવે છે, જે એમના માટે પણ અદ્ભૂત અનુભવ બની રહે છે.
2. ઇકો ફ્રેન્ડલી વેડિંગ
આજકાલ આ થીમ સૌથી વધુ ટ્રેન્ડમાં છે. જ્યાં વેડિંગ ગિફ્ટ્સથી લઈને પેકેજીંગ માટે વપરાતાં ડિસપોઝેબલ્સ કચરાનો બોજ અસહ્ય થઇ રહ્યો છે ત્યાં નવા યુગલો પ્રકૃતિ તરફ વળી રહ્યા છે. ફરી ઉગાડી શકાય એવા બીજવાળા કાગળ પર અપાતું ઇન્વિટેશન કાર્ડ, વાંસનો લગ્ન મંડપ અને બાયોડિગ્રેડેબલ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા યુગલો આ માટે ગ્રામ્ય વિસ્તાર પર પસંદગી ઉતારી રહ્યા છે, જ્યાં બળદ ગાડા પર જાન લઇ જવી તેમજ સ્થાનિક કલાકારો દ્વારા સંગીત સાધનાનુ આયોજન હોય એવા સંપૂર્ણ દેશી સ્ટાઇલના વિવાહ યુવાઓમાં પ્રચલિત થઇ રહ્યા છે.
3. વિન્ટેજ થીમ
હાલ બૉલીવુડ કપલ અદિતી હૈદરી અને સિદ્ધાર્થે વિન્ટેજ થીમ પર લગ્ન કર્યા હતાં. તેમણે રંગારંગ ધરાવતું સ્ટેજ અને મોંઘીદાટ હોટેલો કરતાં તેલંગણાંમાં આવેલ 400 વર્ષ જૂનુ રંગનાયકસ્વામી મંદિર લગ્ન માટે પસંદ કર્યું હતું. તેમના કપડાં પણ ખાસ સમયગાળાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા હતાં. દેખાડાથી દૂર અને સઁસ્કૃતિ સાથે અંતર્ગત થવાની આ એક અત્યંત રસપ્રદ તેમજ અનોખી પહેલ હતી. અહીં લગ્ન સમારંભ કોઈ ઐતિહાસિક સ્થળે રાખવામાં આવે છે, જ્યાં મહેમાનો ખાસ રિટ્રો-સ્ટાઇલ અને વિન્ટેજ ડ્રેસિંગમાં હોય.
4.ડેસ્ટીનેશન વેડિંગ
રઇશોની પહેલી ચોઈસ હોય છે ડેસ્ટીનેશન વેડિંગ. લગ્નની સીઝનમાં જયપુર, જોધપુર જેવા શહેરોની 5 સ્ટાર, 7 સ્ટાર હોટેલ્સ આ સીઝનમાં લગ્નો માટે પહેલેથી જ બુક રહે છે. એક ચોક્કસ વર્ગ શાહી લગ્નમાં માને છે, જ્યાં રાજા રજવાડા જેવા લગ્નો બહુ જ ફેમસ છે. હાથીની અંબાડીએ વરઘોડો, વેડિંગ ફંક્શન્સ માટેની અનોખી થીમ્સ, કાર્નિવલ્સ અને ડેકોરેશન્સ, ટ્રેડિશનલ ફોક ડાન્સર્સ અને ઇન્ટરનેશનલ બેન્ડ્સ આવા લગ્નોની શાન હોય છે.
તો આ લગ્નની સીઝનમાં જો તમે તમારા પ્રિય પાત્ર સાથે જીંદગીની નવી શરૂઆત કરી રહ્યા હો તો તમારી આ અમૂલ્ય પળોને અવનવી થીમ્સ સાથે યાદગાર બનાવી શકો છો. એ પળો હશે થોડાક કલાકોની, પણ એ તમારા જીવનને ખાસ બનાવી દેશે, બેહદ ખાસ.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)