મહારાષ્ટ્રમાં નવા વર્ષની ઉજવણીમાં મોટી બબાલ થયા સમાચાર મળી રહ્યા છે. જલગાવમાં હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ શરૂ થઈ હતી. બંને જૂથોએ સામસામે પથ્થરમારો કરી અનેક વાહનોને આગ ચાંપી દીધી છે. આ ઉપરાંત 12થી 15 દુકાનો સળગાવી દેવાઈ છે. સૂત્રોની જાણકારી પ્રમાણે શિવસેનાના મંત્રી ગુલાબરાવ પાટિલનો પરિવાર 31 ડિસેમ્બરની રાત્રે એક કારમાં જલગાવના પલાઢી ગામ જઈ રહ્યો હતો. આ દરમિયાન કારના ડ્રાઇવરે હોર્ન વગાડતાં કેટલાક યુવકો ગુસ્સે થયા અને ડ્રાઇવરને અપશબ્દો બોલી માથાકૂટ કરી હતી.
જે બાદ કારમાં મંત્રીના પત્ની હોવાના કારણે કેટલાક શિવસેનાના લોકોએ અપશબ્દો બોલી રહેલા યુવાનો પર ગાડી ચડાવી દીધી હોવાની માહિતી મળી રહી છે. ઘટના બાદ પલાઢી ગામના કેટલાક યુવાનોએ અને શિવસેનાના કેટલાક કાર્યક્રતાઓએ રેલી કાઢી હતી. ત્યારબાદ ગુસ્સે ભરાયેલી ભીડે પથ્થરમારો અને આગચંપી કરવાનું શરુ કરી દીધું હતું. આ ઘટનામાં 12થી 15 દુકાનો સળગાવી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ લીધી છે. જોકે વધુ હિંસા ન થાય અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે ત્યાં બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. જલગાવમાં પથ્થમારો થયો હોવાની તેમજ આગચાંપવાની ઘટના વાયુવેગે ફેલાતાં ખળભળાટ મચ્યો છે. પોલીસે જલગાવના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવાની સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. પોલીસે શંકાસ્પદોની શોધખોળ શરુ કરી દીધી છે. આ ઘટનામાં પોલીસે 25 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને લગભગ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.