વય મર્યાદા વધારવાની માંગ સાથે વિદ્યા સહાયકોનો ગાંધીનગરમાં મોરચો

ગુજરાતમાં વિદ્યા સહાયકોના ઉમેદવારોએ ફરી ગાંધીનગરમાં મોરચો માંડ્યો હતો. મંગળવારે વિદ્યાસહાયકોની ભરતીમાં વય મર્યાદા વધારવાની માંગ સાથે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતાં. ઉમેદવારોએ પોતાની માંગણી સાથે શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયાની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ સચિવને આ મામલે રજૂઆત કરી હતી. અને માગ પૂરી ન થતાં આમરણાંત ઉપવાસની પણ ચીમકી ઉચ્ચારી છે.

નોંધનીય છે કે, છેલ્લાં ઘણાં સમયથી વિદ્યા સહાયકના ઉમેદવારો આવેદન પત્ર આપીને વયમર્યાદા વધારવાની રજૂઆત કરી રહ્યા છે. પરંતુ, વિદ્યા સહાયકોની માંગ પર હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. જો આ વિશે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ઉમેદવારો બેરોજગાર બનશે.  હજુ સુધી ઉમેદવારોની માંગ પર કોઈ નિર્ણય ન લેવાતા ઉમેદવારોએ અન્ન-જળ ત્યાગ કરવા અને આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઉમેદવારોની માગ છે કે, ટેટ-1 અને ટેટ-2 પોર્ટલ ઓન કરી ઉમેદવારોને તક આપવી જોઈએ. આ સાથે જ વિદ્યા સહાયકોના ઉમેદવારોએ મેનેજમેન્ટમાં સરકારી ક્ષતિઓ બાબતે પણ આક્ષેપ કર્યા છે.