વીર સાવરકરે 1924માં દ્વિરાષ્ટ્રનો સિદ્ધાંત શરૂ કર્યોઃ એ. રાજા

નવી દિલ્હીઃ લોકસભામાં બંધારણ પર ચર્ચાના બીજા દિવસે DMKના સાંસદ એ. રાજાના નિવેદન પર જોરદાર હંગામો થયો હતો. તેમણે NDAના નેતાઓને Bad Elements કહ્યા હતા. જેના પર ભાજપના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ તેમની ટિપ્પમી માટે માફી માગવાની વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે 1947માં દેશના ભાગલાનો દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત વીર સાવરકરે 1924માં શરૂ કર્યો હતો, મોહમ્મદ અલી ઝીણાએ નહીં. તેમનું નિવેદન સાંભળીને ગૃહમાં હોબાળો થયો હતો. આ પહેલાં ભાજપ પર આરોપ લગાવતા રાજાએ કહ્યું કે ભાજપ બંધારણમાં ફેરફાર કરશે અને ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર કરશે.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો અને એ. રાજાને પોતાનો દાવો સાબિત કરવા કહ્યું. જોશીએ કહ્યું હતું તમારી પાર્ટીના ઉપાધ્યક્ષે ચૂંટણી પહેલાં કહ્યું હતું કે જો ભાજપને 400 બેઠકો મળશે તો તેઓ બંધારણમાં ફેરફાર કરશે અને ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરશે.

આ સિવાય એ. રાજાએ NDA સાંસદોને ખરાબ તત્વો ગણાવ્યા. જેને કારણે ગૃહમાં વધુ હોબાળો થયો. ભાજપે આના પર તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આવા નિવેદનો ગૃહની ગરિમાને ઠેસ પહોંચાડે છે અને પુરાવા વિના આક્ષેપો કરવાની નિંદા કરે છે. એ. રાજાએ ‘ખરાબ તત્વ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો જેના પર શાસક પક્ષના સાંસદોએ વાંધો ઉઠાવ્યો હતો. જગદંબિકા પાલે કહ્યું હતું કે રાજાના નિવેદનને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવશે.