વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પરિણામ, નવ રાઉન્ડ પૂર્ણ, કોંગ્રેસનો દબદબો યથાવત્

આજે મહારાષ્ટ્રની 288 બેઠક અને ઝારખંડની 81 વિધાનસભા બેઠકોના પરિણામ જાહેર થઈ રહ્યા છે. ત્યારે તેની સાથે દેશની વિવિધ બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીની પણ મતગણતરી હાથ ધરાઈ છે. જેમાં બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પણ સામેલ છે. આ બેઠક પર 13મી નવેમ્બર, 2024ના રોજ ચૂંટણી યોજાઈ હતી. ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ વચ્ચે જોરદાર ત્રિપાખ્યો જંગ જામ્યો હતો. વાવ બેઠકનું ચૂંટણી પરિણામ ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ results.eci.gov.in પર પણ જાહેર કરવામાં આવશે. હાલ વાવ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે.

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મત ગણતરી થઈ રહીં છે. જેમાં કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યાં છે. આ દરમિયાન બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નવમાં રાઉન્ડના અંતે ભાજપને 31701 મત, કોંગ્રેસને 44958 મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ 13257 મતથી આગળ છે. ઉલ્લેખનીય છે કે વાવ વિધાસભાની પેટા ચૂંટણીમાં 23 રાઉન્ડની મત ગણતરી થશે. અત્યાર સુધીમાં નવ રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ છે. ત્યારે રસપ્રદ એ છે, માવજી પટેલ જે મત મેળવી રહ્યા છે એ ભાજપના ફાયદામાં છે કે કોંગ્રેસના એ જોવાનું રહ્યું.

વાવ વિધાનસભાની મતગણતરી 8 વાગે શરૂ થઇ ગઇ છે. સૌથી પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરાઇ છે. ત્યારબાદ ઇવીએમ ખોલવામાં આવ્યા છે. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે વહેલી સવારે પાલનપુર ખાતે આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા અને જીતનો અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વાવ વિધાનસભા બેઠકના જાતિગત સમીકરણોની વાત કરવામાં આવે તો આ બેઠક પર કુલ 3,10,681 મતદારો છે. જેમાં સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે, ત્યારબાદ રાજપૂત અને ચૌધરી સમાજનું વર્ચસ્વ જોવા મળે છે. એટલું જ નહી આ બેઠક પર દલિત, રબારી અને બ્રાહ્મણ સમાજના મતદારો બાજી પલટી શકે છે. આવો વિગતવાર જાણીએ કઇ જાતિના કેટલા મતદારો છે.