દેશ આઝાદ કેવી રીતે થયો એની વાર્તાઓ ભલે કરીએ પણ દેશ ગુલામ કેમ બન્યો અને આટલા બધા વરસ સુધી ગુલામ કેમ રહ્યો તેની સમજણ પણ આપવી જરૂરી છે. પોતાની નજર સામે કશું ખોટું થતું હોય તો એની અવગણના કરવી અને હજુ તો એ સમસ્યા મારા સુધી નથી આવી એટલે ચાલશે વાળી વિચારધારા આજે પણ આપણા સમાજમાં પ્રવર્તે છે. કોઈ ખોટી વાતનો વિરોધ કરે કે તરત જ એની પંચાત શરુ થઇ જાય કે પેલા લોકો તો બધાની સાથે લડ્યા કરે છે. જો આપણા સુરવીરો લડ્યા ન હોત તો હજુ આપણે ગુલામ જ હોત. કોઈ પણ વાતની પંચાત કરવા કરતા કે એની રીલ્સ બનાવવા કરતા એક બીજાને મદદ કરતા રહીશું તો એક્ત્રીતતાનો લાભ જરૂર મળશે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે દર્શાવેલ ઈમેઈલ પર જરૂર પૂછી શકો છો.
સવાલ: ઘણા સમયથી એક ગંભીર બાબત મારા ધ્યાનમાં આવી છે. મેં મારા આસ પાડોસમાં એની ચર્ચા કરી તો બધા કહે છે કે એવું વિચારીએ તો દેશ જ છોડવો પડે. બધા મારી મશ્કરી કરે છે કે હું ડરપોક છુ. જોકે મારા વિષે એક અન્ય ઓળખાણ એવી પણ આપવામાં આવે છે કે હું કોઈની પણ સાથે લડી પડું છુ.
એક વાર ધોબીએ મારું શૂટ ખોઈ નાખ્યું અને કહ્યું કે એના બદલે પાંચસો રૂપિયા આપી દઉં. મેં દુરાગ્રહ રાખ્યો તો શૂટ પાછુ આવી ગયું. એક વાર એક કામવાળી ઘરમાંથી વસ્તુ ચોરી જતી જતી. અમે એને રોકી અને વસ્તુ પાછી લઇ લીધી તો બધા કહે છે કે બિચારી ગરીબે ચોરી ક્યારે કરી હોય? એની જરૂરીયાત તો સમજવી જોઈએ ને? એવું પણ બન્યું હોત કે એ ખૂન કરીને ભાગી ગઈ હોત. ખાલી ચોરી કરી એમાં બિચારીને નોકરી માંથી કાઢી મૂકી. આવા તો ઘણા બનાવો છે. પણ એક અઠવાડિયાના અનુભવોને આની સાથે કોઈ લેવા દેવા નથી.
ગત રવિવારે હું ટેક્સી માં જતો હતો. અચાનક ડ્રાયવરે મને ટેક્સીમાંથી ઉતરી જવા કહ્યું. મેં કારણ પૂછ્યું તો એણે મને કહ્યું કે તમારા હાથમાં નાડાછડી છે. એ રસ્તા વચ્ચે ઉતારીને જતો રહ્યો. એની એજન્સી સાથે વાત થઇ તો એમણે દ્રય્વારનો પક્ષ લઈને કહ્યું કે તમારે નાડાછડી કાઢી નાંખવી જોઈએ ને? તેને પોતાની ટેક્ષીમાં આવું કરવાનો અધિકાર છે.
એ જ સાંજે બીજી ટેક્સીમાં વાહન અને માણસ બંને અલગ હતા. માંડ માંડ ટેક્ષી મળી હતી એટલે અમે ચલાવી લીધું. આજે એક ઓનલાઈન પાર્સલ આવ્યું. ફરી એ જ વાત. જે માણસને ડીલીવરી માટે આવવાનું હતું એના બદલે કોઈ અન્ય માણસ હતો. અમે ઓનલાઈન પૈસા ભરી દેશ પણ એણે રોકડાની માંગ કરી. એને પૈસા ભર્યા છે એ દેખાડવા માટે અંદર જતા જ એ ઘરમાં ઘુસી ગયો. હાથાપાઈ કરીને એને બહાર કાઢવો પડ્યો. એની ફરિયાદ કરી તો કંપનીએ જવાબ આપ્યો કે જો એણે ખૂન કરી નાખ્યું હોત તો અમે એને સસ્પેન્ડ કરી શકત. એમણે સ્વીકાર્યું કે માણસોની અછતના લીધે પેટા કોન્ટ્રકટ આપવા પડે છે. પણ શું એમની મજબૂરી આપણા હિતમાં છે? શું આપણે ફરી એ જ ભૂલ નથી કરી રહ્યા? વળી આ બધા લોકો જેની સાથે વાત થઇ એ ભારતીય કુળના હતા. પૈસા કમાવા માટે એ આપણી સુરક્ષા સાથે મજાક કરે એ ચલાવી લેવાય ખરું? મને અન્ય દેશોમાં શું ચાલે છે એની જરા પણ ચિંતા નથી. જયારે જવાનું હશે ત્યારે વિચારીશું. પણ આપણા દેશમાં આ સ્થિતિ જોઇને ડર લાગે છે.
જવાબ: અંગ્રેજો વેપાર કરવા માટે જ આવ્યા હતા. એમને લડવૈયા આપણે બનાવ્યા. એ માત્ર હજારોની સંખ્યામાં હતા તો પણ દેશને દોઢસો વરસ ગુલામ રાખી શક્યા. આપની ચિંતા વ્યાજબી છે. પણ આપણે હવે રીલ્સ સંસ્કૃતિનો ભાગ બની રહ્યા છીએ. કોઈને કોઈની પડી નથી. ગુલામી આવી જ ગઈ છે. આ વખતે એ આભાસી છે. એક સિગારેટ માટે ખૂન થઇ જાય, નાની બાળકીઓ અને વૃદ્ધા પર બળાત્કાર થાય તો પણ એ માત્ર સમાચાર બનીને રહી જાય. ત્યારે માનસિકતા પર સવાલો ઉઠે જ. બધા જ ભાગી રહ્યા છે. ક્યાં પહોંચશે એ કોઈને ખબર નથી. પહેલા જે સમાજના દુષણો ગણાતા હતા તે હવે સ્ટેટસ ગણાય છે.
તમે જે કરો છો તે બરાબર છે. જો હક માટે લડવાનું બંધ કરી દેશો તો તમે પણ નમાલા થઇ જશો. તમારા જેવા કેટલાક લોકોના લીધે જ દેશ ટકી રહ્યો છે. પંચાત કરવી એ નવરા લોકોનું કામ છે. અને પોતાના હકની લડાઈ લડવી એ વીરોની નિશાની છે. ક્ષમા ભૂલની હોય. ગુન્હાની તો સજા જ હોય.
દરરોજ શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃતથી અભિષેક કરો. સૂર્યને અર્ઘ આપો. મનોબળ સચવાયેલું રહેશે.
સુચન: ઉત્તરનો દોષ નમાલાપણું આપે છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)