જિંદગીની ભાગદોડમાં માણસ ભૂલી જાય છે કે જીવન જીવવા માટે છે. પોતાની જાતને સાબિત કરવા માટે નહિ. હજુ વધારે પામવાની ભૂખ એને જે પ્રાપ્ત થયું છે એનો આંનદ લેવા નથી દેતી. પચાસ વરસનું પ્લાનિંગ શીખવાડવા વાળા ટ્રેઈનરને પોતાને પાંચ ક્ષણ પછી શું થશે એની ખબર હોય છે ખરી? થોડા ઊંડા શ્વાસ લઈને વિચારવું જોઈએ કે મારે કેવું જીવન જોઈએ છે? મૃત્યુ ક્યારે આવશે એ ખબર નથી પણ એના પહેલા જીવવાનું છે એ તો ખબર છે જ. તો પછી જેટલું પણ જીવન મળે છે તે ગમતું કરીને જીવી શકાય ને? ફરી માનવ દેહ મળશે કે નહિ એ ખબર નથી તો પછી જે મળ્યું છે એનો ઉત્સવ જ હોય ને?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: તમે વાસ્તુની વાતો કરો છો. પણ, શું તમને ખબર છે કે તમે કેટલું જીવવાના છો? જો વાસ્તુમાં તાકાત હોય તો અમર થઈને બતાવો. હું એક બિલ્ડર છું. ધંધાદારી માણસ એટલે કોઈને પુરા રૂપિયા દેતો નથી. વેચાણમાં પણ એવું જ. જે બતાવ્યું હોય એનાથી ઓછુ દેવાનું. કોઈ માપતું નથી. નવા નિયમ પ્રમાણે 25 વરસ ચાલે એવું બાંધકામ હોવું જોઈએ. એટલું કરી દઈએ. સારું કમાઉં છુ. પત્ની ઉપરાંત ગર્લ ફ્રેન્ડ પણ છે. છોકરો પોતાનો મેન્યુફેક્ચરિંગનો ધંધો કરે છે. એને ય બે ગર્લ ફ્રેન્ડ છે. બધું જ ખોટું કરીને સુખી છું. બોલો શું કરવાનું છે? વાસ્તુમાં મને ભરોસો નથી. ક્યારેક મન દુખે તો મંદિર જઈ આવું. ગુરુજીને દક્ષિણા આપી આવું. એમનું પણ માનવું છે કે રૂપિયાની તાકાત સહુથી મોટી છે. ખાલી પેટે ધરમ ન થાય.
એક ફોન કરું તો કોઈ પણ મોટો માણસ મારા માટે ફોન ઉપાડે. મોટા ડોકટરો ઘરે આવીને દવા આપી જાય. પૈસામાં તાકાત છે. બાકી શાસ્ત્ર જેવું કાઈ હોય નહિ. તો પણ તમારે કાઈ કહેવું હોય તો કહો.
જવાબ: ભાઈ શ્રી. મને તો ખબર નથી કે મારું મૃત્યુ ક્યારે થવાનું છે. આમેય જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આપની પાસે રૂપિયાની તાકાત છે. તેથી આપ તો મૃત્યુને ખરીદી શકશો ને? કદાચ. તમારા વતી મૃત્યુ માટે કોઈને તમારા વતી ઉભો પણ રાખી શકો. પ્રયત્ન કરી જુઓ. તમને રૂપિયાની સાચી તાકાત સમજાશે.
મારો જવાબ આપને કદાચ ન ગમ્યો હોય. પણ ધનને આપણે ત્યાં પૂજનીય માનવામાં આવે છે. એનું અભિમાન ન હોય. ડોક્ટર ભલે ઘરે આવીને દવા આપી જાય પણ એ ઘર કરી જાય એ પણ યોગ્ય નથી. અતિ હમેશા તકલીફ આપે છે. મારા વાસ્તુના જ્ઞાન થકી ઘણા લોકો સુખી થયા છે. કદાચ એમની સકારાત્મક ઉર્જાથી હું સુખી છું. આપ સુખી છો ખરા?
આપના ધનની નકારાત્મકતા આપની વાર્તામાં દેખાઈ રહી છે. આપણા વિચારોની દિશા અલગ છે. પણ હું કર્મમાં પણ માનું છુ. કારણ કે એ પણ ભારતીય વાસ્તુ સાથે જોડાયેલ વિષય છે. આપણા શાસ્ત્રો એ માત્ર ગ્રંથો નથી. એના નિયમોની રચના પાછળ ઘણું સંશોધન કરવામાં આવેલું છે. હા, ઘણા બિલ્ડર માત્ર કહેવા માટે વાસ્તુ કામ્પ્લાયંસ લખે છે એ અલગ વાત છે.
આપને તો ગુરુ પણ સગવડિયા મળી ગયા છે. આપણે ત્યાં ઉપવાસનું મહત્વ છે. એટલે ખાલી પેટ ધરમ પણ થતો. અન્ય માટે જીવવાની વાત પણ ભારતીય જ છે. જો ગુરુજીને દક્ષિણા માત્ર આપવાથી બધા ખોટા કામનો હિસાબ થઇ જતો હોત તો ગુરુજી બનવાની રેસ લાગી હોત. મને મારા શાસ્ત્રમાં પૂરો વિશ્વાસ છે. મને વિશ્વાસ છે કે આપને પણ એમાં વિશ્વાસ આવશે. એને સમજવા પ્રયત્ન કરી જુઓ.
સુચન: બ્રહ્મનો એક દોષ મિથ્યાભિમાન આપી શકે છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)