બે ખોટાથી એક સાચું ક્યારેય નથી થતું. ક્યારેક લોકો પોતે ખોટું કરે છે એ છુપાવવા અન્ય તરફ આંગળી કરી દે છે. કે જુઓ પેલા ખોટું કરે છે. પહેલા એને કહો ને. દીવાર ફિલ્મમાં અમિતાભ કહે છે કે પહેલા પેલા માણસની સહી લઇ આવો જેણે મારા હાથ પર મેરા બાપ ચોર હૈ લખી દીધું. એમ કોઈના લખવાથી પોતે ચોર બની જવું જરૂરી તો નથી જ. પણ એ ડાયલોગ પર જયારે તાળીઓ પડતી હોય ત્યારે સમાજની માનસિકતા ખુલ્લી પડે છે. જયારે સ્વ તરફ જોવાની દ્રષ્ટી ખુલશે ત્યારે જ સમાજનો વિકાસ થશે. બાકી બામે તેટલા નેતા આવશે પણ દેશનો ઉદ્ધાર નહિ કરી શકે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર જરૂર પૂછી શકો છો.
સવાલ: હું વિદેશમાં પણ રહેલ છું અને ભારતમાં પણ રહ્યો છું. વિદેશમાં સરકારી નોકરી કરતો માણસ સન્માનનીય હોય છે. જયારે આપણા દેશમાં ભ્રષ્ટાચાર, કામચોરી, આળસ જેવી ઘણી બધી બાબતો સાથે એને જોડી અને સન્માન નથી આપવામાં આવતું. મારા એક મિત્રને એક ડીપાર્ટમેન્ટનું કામ મળ્યું. ઓફિસરે કામ પૂરું થયા પછી બીલ સેન્ક્સન કરવાનું કહ્યું. કામ પૂરું થયાને ત્રણ વરસ થયા. પેલા ભાઈ રીટાયર પણ થઇ ગયા પણ પૈસા આવ્યા નથી. એક વખત મારા મિત્ર મળવા ગયા ત્યારે ખબર પડી કે પેલા ઓફિસરે એના મિત્રના નામનું બીલ મુકીને પૈસા લઇ લીધા હતા. આવા લોકોને સરકાર પગાર આપે છે તો પણ કેમ આવું કરતા હશે? અને શું સજ્જનતા સાથે કામ ન કરી શકાય?
જવાબ: તમારા મિત્રએ એક જ ભૂલ કરી કે કોન્ટ્રકટ ન કર્યો. વળી બધા જ સરકારી ,માણસો ખરાબ હોય એવું પણ ન હોય. જેને જેવો અનુભવ થયો હોય એ રીતે તે પરિસ્થિતિને જુએ. વિદેશના નાગરિકો પણ સજાગ છે. એમને પોતાના હક માટે અવાજ ઉઠાવતા આવડે છે. જે સમાજ જાગૃત હોય એની જ પ્રગતિ થાય.
વળી કોઈ સત્તાનો દુરુપયોગ કરે તો એની સામે ફરિયાદ પણ થઇ શકે. પણ એના કરતા ફરી વખત યોગ્ય કાગળિયાં કરીને જ કામ કરવું યોગ્ય ગણાય. આપણી સરકાર સારા પગાર આપે છે. તેથી વ્યક્તિગત વિચારધરાને સરકારનો નિર્ણય ન ગણાય. ઘણા લોકો ભોળા અને ભલા માણસોને મુર્ખ સમજી અને ફાયદો ઉઠાવવા પ્રયત્ન કરતા હોય છે. પણ દરેક સત્તાની ઉપર એક મહાસત્તા છે. જેને ઈશ્વરનો ન્યાય કહે છે. તેથી ફરી આવી ભૂલ ન કરવાનો વિચાર આવ્યો તે પણ ઈશ્વરી સંકેત ગણી શકાય.
સવાલ: આપણા દેશમાં કેવા લોકો છે? હમણાં મેં કોઈને એમ જ કહ્યું કે નદીમાં ન્હાવાથી પાપ ન ધોવાય. અને એક મહાનુભાવ તૂટી પડ્યા કે બાજુના દેશમાં જતા રહો. તને પરંપરા માટે માન નથી. જો આપણે કર્મમાં માનીએ છીએ તો પછી પાપ કેવી રીતે ધોવાય? જો આ વિચારધારા ચાલતી રહે તો દેશમાં પાપીઓ વધતા જશે. અને બાજુના દેશમાં કોઈ દુષણ છે એટલે આપણે જે કરીએ એ બધું ચાલે એવું થોડું જ હોય?
જવાબ: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી રેખા છે. જેની સમજણ ઘણા લોકોમાં નથી હોતી. વળી કેટલાક લોકો જે કહે છે એમાં સભાનતા નથી હોતી. એટલે આવી વાતને મન પર ન લેવી જોઈએ. તમારી વાત સાચી છે કે આપણી સંસ્કૃતિ વિશેની સમજણ ઓછી થઇ રહી છે. અધ્યાત્મ અને પરમ્પરા વચ્ચેનો ભેદ પણ ભુલાઈ રહ્યો છે. અન્ય કોઈ દુખી છે એટલે આપણે સુખી ન કહેવાઈએ. અને અન્ય કોઈ ખરાબ કરે છે એટલે આપણે ખરાબ કરી શકીએ એ બંને વાત આપણા મૂળભૂત સિદ્ધાંતોથી વિરુદ્ધ છે. દુખની વાત એ છે કે જે જાણે છે એ ચુપ છે. અને જે નથી જાણતા એ ઘોંઘાટ કરે છે. ક્યારેક આવી બાબતોને અને માણસોને ધ્યાન પર રાખ્યા વિના આગળ વધી જવું જ યોગ્ય છે.
સુચન: અગ્નિનો દોષ આત્મશ્લાઘા કરવાની વૃત્તિ આપે છે.
(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)