પ્રેમ પામવા માટેની દિશા એટલે ઈશાન…

મે કોને પ્રેમ કરો છો? તમને કોણ પ્રેમ કરે છે? તમે ક્યારેય તમારા પ્રેમની અભિવ્યક્તિ કરી છે?

આવા સવાલોથી કેટલાકના મુખ પર શેરડા પડવા લાગે. અને જો “ હું ઘણા બધાને પ્રેમ કરું છુ.” “ મને પણ ઘણા બધા પ્રેમ કરે છે.” અને “ હા, કાયમ.” જેવા જવાબો મળે તો ભવાં ઊંચા પણ થઇ શકે. ૧૪ ફેબ્રુઆરી નજીક આવે આવે અને લોકોને પ્રેમની પાંખો ફૂટે. માત્ર એક દિવસનો દેખાડો અને પછી? શું પ્રેમની અભિવ્યક્તિ માટે કોઈ ખાસ સમયની રાહ જોવી પડે ખરી? એક મા પોતાના બાળકને પાલવમાં ઢાંકીને પોતે ઠંડી સહન કરે છે એ પ્રેમની અભિવ્યક્તિ નથી?

એક બાપ પોતાના દીકરાને ખભા ઉપર બેસાડી ફરવા લઇ જાય છે એ પ્રેમની અભિવ્યક્તિ નથી? એક નારી પોતાના પરિવાર માટે દરરોજ સારું ખાવાનું બનાવે છે એમાં પ્રેમની અભિવ્યક્તિ નથી? એક મિત્રની નજર માત્ર,” હું છુ ને!” ની પ્રતીતિ કરાવે એ પ્રેમની અભિવ્યક્તિ નથી? પ્રેમની આમતો કોઈ ભાષા જ નથી હોતી. પણ શું થાય આપણે આપણાપણું ભૂલી જઈએ તો આવુજ થાયને? ક્યારેય પોતાની જાતને પ્રેમ કર્યો છે ખરો? જબ વી મેટની નાયિકા “ મેં અપને આપકી ફેવરીટ હું.” કહે ત્યારે આ વાતની પ્રતીતિ થાય છે.પ્રેમની અભિવ્યક્તિ માટે કોઈ સાધનની જરૂર ક્યાં છે? મોંઘીદાટ ગાડી ભેટમાં આપ્યા પછી એ વ્યક્તિ જીવનભર એ જ ગાડીમાં ફરવા લઇ જશે ખરી? જ્યાં સાધનની જરૂર પડે છે ત્યાં કશુક ખૂટે છે એવું હું માનું છુ.

ભારતીય શાસ્ત્રોમાં પ્રેમનું મહત્વ પણ છે અને સમજ પણ છે. પ્રેમ એ માણસની મૂળભૂત જરૂરિયાત છે એવી સમજણ સાથે કેટલાક નિયમો પણ રચાયા છે. શિવ પાર્વતી- જીવનનું મૂળ તત્વ અને શક્તિને પ્રેમની અભિવ્યક્તિના શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવ્યા છે. જીવનના મૂળ કર્તવ્યો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ દર્શાવનાર દેશમાં આપણે રહીએ છીએ જ્યાં હજારો વર્ષ પહેલા કામસૂત્ર લખવાની અને એને સ્વીકારવાની સમજ અહીના સમાજમાં હતી. સાત્વિક પ્રેમ એટલે કોઈ અપેક્ષા વિનાનો નિષ્કામ પ્રેમ. એ પ્રેમ પામવા માટેની દિશા એટલે ઈશાન. ઈશાનની સકારાત્મકતા વ્યક્તિને સાચા પ્રેમની પ્રતિકૃતિ બનાવી શકે છે. જેને કોઈ અપેક્ષા નથી તે હમેશા સુખી છે. અપેક્ષાઓ જ સર્વ દુઃખનું કારણ છે. ઈશાનની સકારાત્મકતા વ્યક્તિને શાબ્દિક અભિવ્યક્તિ ન આપી શકે પણ અન્યને માટે જીવવાની શક્તિ તો આપે જ છે. પૂર્વની સકારાત્મકતા એક બીજાનું સંમાંન્ન દર્શાવી પ્રેમની અભિવ્યક્તિ આપે છે. જ્યાં સન્માનની ભાવના છે ત્યાં પ્રેમ આપોઆપ ઉદ્ભવે છે. ઉત્તરની સક્રાત્મકતા વ્યક્તિને વાચાળ પ્રેમ આપે છે. મૃદુભાષી વ્યક્તિત્વ કોને ન ગમે? માણસને પોતાની વાત સાંભળવા અને વાત કહેવા કોઈ મિત્ર જોઈએ છે. આવો મિત્ર ઉત્તરની સારી ઉર્જાથી મળી શકે અથવા તો બની શકાય.

આજકાલ કામ વિનાની વાતો ઓછી થાય છે. પણ એવી વાતો જ તણાવ ઓછો કરવામાં મદદ કરે છે. ક્યારેક કોઈ જ કામ વિના કોઈની સાથે વાત કરી જોજો. ગમતા માણસ સાથે એવી વાતો કરવાની મજા જ આવે. પ્રેમમાં વિવિધતાની દિશા કઈ? જેના વ્યવહારમાં વિવિધતા હોય એને રોમેન્ટિક ગણવામાં આવે છે. આવા માણસો વધારે ક્રિએટીવ હોય છે. એમને કોઈ વાત મનમાં રાખવાની ટેવ નથી હોતી. તેઓ સહજ હોય છે. પવન જેવા. વાયવ્યની સકારાત્મક ઉર્જા આવું વ્યક્તિત્વ આપે છે. તેમની અભિવ્યક્તિમાં કૈંક ખાસ જોવા મળે છે. હા, જોકે તેમને ઘણા લોકો સાચી રીતે સમજી શકતા નથી. પશ્ચિમની સકારાત્મકતા પીઢતા આપે છે. આવી વ્યક્તિઓનો પ્રેમ વડીલ જેવો લાગે છે. એલોકો આસપાસના લોકોનું વધારે ધ્યાન રાખતા હોય તેવું બની શકે. સકારત્મક નૈરુત્યમાં અન્ય માટેની એક આગવી સમજ જોવા મળે છે. અહીની ઉર્જામાં અભિવ્યક્તિ અદ્ભુત હોય છે. જેના કારણે તેમનો સ્વીકાર સહજ બને છે. આ જ કારણથી આ જગાએ ઘરની મુખ્ય વ્યક્તિને રહેવાની વાત કરવામાં આવી હશે?

સકારાત્મક દક્ષિણના પ્રેમમાં પણ પીઢતા જોવા મળે છે. પણ અહી થોડી અપેક્ષા ચોક્કસ હોય છે. એવું કહી શકાય કે કોઈ પણ કાર્ય બે વ્યક્તિના સુમેળથી થાય એવી લાગણી અહી હોઈ શકે. અને અગ્નિ દિશાની સકારાત્મકતામાં કેવો પ્રેમ હોય? આવા પ્રેમમાં આકર્ષણનું પ્રમાણ વધારે હોય છે. પણ આવા પ્રેમમાં જો નકારાત્મકતા આવે તો? પ્રેમને કોઈ દિવસ સાથે કે અભિવ્યક્તિ સાથે ન જોડતા બસ, પ્રેમ કરતા રહેવું જોઈએ. કોઈ ફૂલને પ્રેમ કરતી વખતે એને થોડુ જ કહીએ છીએ કે તું પણ મને પ્રેમ કર?

(મયંક રાવલ)