લાગણી, સંસ્મરણો અને અખૂટ ભાવના: રાજવી જોષીપૂરા

“Hey, Sweetheart!

આ સંબોધન એટલા માટે, કારણ કે ઉપરોક્ત શબ્દ એ જ તમારા નામનો સમાનાર્થી છે. જ્યારે લાગણીના વાદળાં ફાટ્યા ત્યારે બન્યો સ્નેહનો સમુદ્ર- એટલે કે તમારું મન. અંગ્રેજીમાં એક શબ્દસમૂહ છે -“twinkle in your eyes” એવી એક અનોખી ચમક હતી તમારી અખૂટ ભાવના વ્યક્ત કરતી આંખોમાં. સાથ માટે તમારું સૌમ્ય સ્મિત જ કાફી હતું. તમે બતાવેલી લાગણીના સ્પંદન હું આજ સુધી અનુભવું છું. જ્યારે મને આત્મનિર્ભર થઇને મુશ્કેલી સાથે ઝઝુમતા શીખવી રહ્યા હતા ત્યારે મને ખ્યાલ નહોતો કે એક દિવસ એ જ શિખામણોનું સ્મરણ કરીને મારે આટલી કાંટાની કેડી પર એકલા સફર કરવાનું આવશે. એવો એક પણ માણસ જે રોજ સવારે ઊઠીને મને કહે કે “ચિંતા ના કર દુનિયા તારી સાથે હોય કે નહિ, હું કાયમ રહીશ.” તમારા સિવાય મેં આજ સુધી જોયો નથી. આંધળો વિશ્વાસ મારા પર મૂક્યો, ભલે હું ડગમગી જાઉં પણ તમે મારી સાથે અડગ ઊભા રહ્યા અને કદાચ આજે પણ હશો. રાતે જ્યારે કોમળ હાથ માથા પર ફેરવી “Good night ” કહેતા ત્યારે લાગતું’તું કે કોઈ અનમોલ વસ્તુ બદલામાં આપી દેવી પડે તો, એ પણ મંજુર છે.

આજે યાદો એટલી છે કે કદાચ અવિરત વહેતી નદીનું પાણી સૂકાઈ જશે પણ, સંસ્મરણ નહિ ખૂટે. કાયમ આપ્યું તમે, પણ જ્યારે મારો વારો આવ્યો ત્યારે મને આ પણ મોકો ના મળ્યો. એક પિતાના રૂપમાં બેસ્ટફ્રેન્ડ હતા તમે. કહે છે કે પુરુષો કોઈ દિવસ રોવે નહિ, પણ જ્યારે પણ મારી આંખમાં એક અશ્રુ પણ આવ્યું, તમારું હૃદય રોયું. આટલો પ્રેમ જોઈ કદાચ ઈશ્વરને થયું કે “ચાલ હું પણ આ સર્વશ્રેષ્ઠ મનુષ્યની લાગણી માણું…” એટલે જ…….. પણ તમે ચિંતા ન કરતા મારા “First Valentine ” તો તમે જ રહેશો। એટલું બધું મારે વ્યક્ત કરવાનું છે કે હવે શબ્દો પણ મારી મદદ નહિ કરી શકે. આજે જ્યારે હું આકાશમાં તારાઓને જોવું છું ત્યારે મનમાં એક એ જ ફરિયાદ છે- “કાશ, કાશ તમે એકવાર પાછળ વળીને જોયું હોત, તો તમે શત પ્રતિશત રોકાઈ ગયા હોત!”

-તમારી વહાલી દીકરી રાજવી

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]